Gujarat

વડોદરાની કંપનીમાં એક પછી એક 8 બ્લાસ્ટ થતાં લોકો જીવ બચાવવા મુઠ્ઠી વાળીને દોડ્યાં

વડોદરા શહેર નજીક આવેલી નંદેસરી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક કંપનીમાં ગુરૂવારે સાંજે 6 વાગ્યાના સુમારે બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઈ છે. એક બાદ એક 8 ધડાકા થયા હતા જેના લીધે લોકો જીવ બચાવવા દોડ્યા હતા. 15થી 20 કિલોમીટર દૂર સુધી આ ધડાકાના અવાજ સંભળાયા હતા. બ્લાસ્ટ બાદ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો. વડોદરાથી ફાયર બ્રિગેડનો કાફલો આગ પર કાબુ મેળવવા દોડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઈટ્રેટ નામની કંપનીમાં સાંજે 6 વાગ્યાના અરસામાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર બ્રિગેડના કાફલાએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે.

આગ લાગી તે પહેલાં કંપનીમાં એક બાદ એક 8 ધડાકા થયા હતા. કંપનીની અંદર બોઈલર હોય તે ફાટ્યું હોવાની પણ આશંકા છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આગના ગોટા દૂરથી જોવા મળી રહ્યાં છે. ધડાકાના લીધે લોકો ગભરાયા હતા અને જીવ બચાવવા મુઠ્ઠી વાળીને દોડ્યા હતા. એકસાથે 15 ફાયર ફાઈટરો આગ બુઝાવવા પ્રયાસ કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આસપાસના ઉદ્યોગોના ફાયર ફાઈટરોની પણ મદદ લેવામાં આવી રહી છે.

આગ એટલી વિકરાળ છે કે આકાશમાં આગના વાદળ બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોય ફાયર દ્વારા મેજર બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. સતત થઈ રહેલાં ધડાકાના લીધે આગની જવાળાઓ નીકળી રહી છે. આગના લીધે દિપક નાઈટ્રેટ કંપનીની આસપાસની કંપનીઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. કંપનીની બહાર એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. સયાજી હોસ્પિટલનો સ્ટાફ પણ એલર્ટ મોડ પર આવી ગયો છે. મોટી સંખ્યામાં હોસ્પિટલની બહાર સ્ટ્રેચરો મુકી દેવાઈ છે. 15 ડોક્ટર સહિત 25 લોકોની ટીમ તૈનાત કરી દેવાઈ છે. દરમિયાન જાણવા મળ્યુંછે કે આ ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે પૈકી 3ને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં તુષાર પંચાલ, પ્રશાંત ઠાકોર, હર્ષદ પટેલ, રોનક પરાક્રમસિંહ ડોડિયા, અરવિંદ બારીયા, અનંથરમ ઐયરનો સમાવેશ થાય છે.

Most Popular

To Top