Madhya Gujarat

માર્કેટ યાર્ડ બહાર મુખ્ય માર્ગ પર અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું

નડિયાદ: યાત્રાધામ ડાકોરના વોર્ડ નં ૩ માં આવેલ માર્કેટ યાર્ડ બહાર મુખ્ય રોડ ઉપર તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવતી ન હોવાથી અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આ મામલે અનેકોવારની રજુઆતો બાદ પણ તંત્ર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતી ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના વોર્ડ નં ૩ માં આવેલ માર્કેટ યાર્ડ બહાર મુખ્ય રોડ ઉપર છેલ્લાં ઘણાં સમયથી તંત્ર દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી. જેને પગલે આ વિસ્તારમાં અસહ્ય ગંદકી ફેલાઈ જવા પામી છે.

ગંદકીને પગલે સ્થાનિકો ઉપરાંત બહારગામથી આવતાં યાત્રાળુઓ-શ્રધ્ધાળો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. કપડવંજ તરફથી આવતાં મોટાભાગના યાત્રાળુઓ-શ્રધ્ધાળુઓ આ માર્ગ પર થઈને જ ગામમાં પ્રવેશ કરે છે. ત્યારે આવા યાત્રાળુઓ-શ્રધ્ધાળુઓને ગંદકી વચ્ચે થઈને ગામમાં પ્રવેશવું પડી રહ્યું છે. છેલ્લાં ઘણાં સમયથી ફેલાયેલી આ ગંદકી દૂર કરવા માટે સ્થાનિકોએ તંત્ર સમક્ષ અનેકોવાર રજુઆતો કરી છે. જોકે, નઘરોળ તંત્ર દ્વારા આ વિસ્તારમાં ફેલાયેલી ગંદકી દૂર કરવામાં રસ દાખવવામાં આવતો નથી. જેને પગલે આ વિસ્તારમાં રહેતાં ૨૦૦ જેટલાં રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. રોષે ભરાયેલાં સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Most Popular

To Top