Madhya Gujarat

ગરીબોની થાળીમાં રોટલી ઓછી ને ભાત વધુ પિરસાશે!

આણંદ : આણંદ – ખેડા જિલ્લાના ગરીબોની થાળીમાં જૂન માસ દરમિયાન ઘઉંની રોટરી કરતાં ભાત વધુ પિરસાય તેવા સંજોગો ઉભા થયાં છે. વૈશ્વીક ઘઉંની અછત ગરીબોની થાળી પર પડી છે. સરકારે જૂન માસમાં અનાજ વિતરણમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. જેમાં કુટુંબી દીઠ અપાતા અનાજમાં દસ કિલો ઘઉં ઓછા આપવામાં આવશે. જ્યારે વ્યક્તિ દીઠ અપાતા ઘઉંના જથ્થામાં પણ દોઢ કિલો ઘઉં ઓછા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ગરીબો ભુખ્યા ન રહે તે માટે તેટલા જ પ્રમાણમાં ચોખાનો જથ્થો વધારી દેવામાં આવ્યો છે. આમ, આણંદ જિલ્લાના એએવાયના 29,111 પરિવાર અને અગ્રતા ધરાવતા 12.90 લાખ વ્યક્તિને ઘઉં કરતા ચોખા વધુ મળશે. તેવી જ રીતે ખેડા જિલ્લાના 32,686 પરિવાર અને 13.53 લાખ વ્યક્તિની થાળીમાં રોટરીની સંખ્યા ઘટશે.

ચરોતરમાં રાષ્ટ્રીય અન્ન સલામિત કાયદા-2013 હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો એમ બે પ્રકારના ભાગ પાડવામાં આવ્યાં છે. આ જરૂરિયાતમંદ પરિવારોને જૂન-22 માસ માટે અનાજ (ઘઉં – ચોખા)ના વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર તરફથી મળેલા રીવાઇઝડ ફાળવણી મુજબ જરૂરિયાત ધ્યાને લેતા કેટેગરી પ્રમાણે ઘઉં અને ચોખાના વિતરણ કરાતા જથ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા ફેરફાર પ્રમાણે એએવાયને ઘઉંનો જથ્થો કાર્ડ દીઠ 15 કિલો અને ચોખા કાર્ડ દીઠ રૂ.20 કિલો આપવામાં આવશે. તેવી જ રીતે અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા આપવામાં આવશે.

આથી, વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા એનએફએસએ યોજનાના નિયમિત વિતરણ માટે સમયસર વિતરણ કરવા સુચના આપવામાં આવી છે. અલબત્ત, એનએફએસએનું રેગ્યુલર વિતરણ 1લી જૂનથી શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે જૂન-22 માસના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટેના વિતરણના હુકમો અલગથી કરવામાં આવશે. એનએફએસએ તથા પીએમજી કેએવાય બન્ને વિતરણ અલગ અલગ કરવામાં આવશે. જેમાં પીએમજી કેએવાયનું વિતરણ 16મી જૂનથી કરવામાં આવશે.

Most Popular

To Top