National

કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીક થયા બાદ 150થી વધુ મહિલાઓ બેહોશ થઈ

વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં (Economic Zone) આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં (Chemical Factory) અચાનક ઝેરી ગેસ લીક (Toxic gas leak) થયો હતો. ગેસ ગળતરને કારણે બાજુમાં આવેલી ફેક્ટરીમાં કામ કરતી 150થી વધુ મહિલાઓ બેભાન (Unconscious) થઈ ગઈ હતી. તમામ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

બ્રાન્ડિક્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં (Brandix Special Economic Zone) આવેલી કેમિકલ ફેક્ટરીમાં ખતરનાક એમોનિયા ગેસ લીક ​​થયો હતો. કથિત એમોનિયા ગેસ લીકને કારણે, એક એપેરલ ફેક્ટરીની 150 મહિલા કામદારો બેહોશ થઈ ગઈ હતી. મહિલાઓને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. બાજુની કેમિકલ કંપનીની લેબમાંથી ગેસ લીક ​​થયો હોવાનું સામે આવ્યું છે. 

શું છે સમગ્ર મામલો?
અચ્યુતપુરમના બ્રાન્ડિક્સ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)માં મોટી સંખ્યામાં ઉત્પાદન એકમો છે. શુક્રવારે અચાનક એક એપેરલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ કરતી 150થી વધુ મહિલાઓ શંકાસ્પદ ઝેરી ગેસથી બેભાન થઈ પડી ગઈ હતી. નજીકમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીક ​​થયો હોવાના કારણે મહિલાઓ એક પથી એક બેભાન થઈ પડી ગઈ હતી. અચ્યુતાપુરમમાં SEZની બહાર સ્થિત પોરસ લેબોરેટરીઝ યુનિટમાંથી ગેસ લીક ​​થઈ રહ્યો હતો, પરંતુ તેની અસર બાજુના એપેરલ યુનિટમાં કામ કરતી મહિલાઓ પર પડી હતી. ફેક્ટરીમાં કામ કરતી 150 જેટલી મહિલા કામદારો આંખોમાં બળતરા, ઉબકા અને ઉલ્ટીની ફરિયાદ બાદ તરત જ બેહોશ થઈ ગઈ હતી.

નજીકની ફેક્ટરીઓ ખાલી કરાવવામાં આવી હતી
પ્રાથમિક તપાસ બાદ અધિકારીઓએ જણાવ્યું હતું કે યુનિટમાં ક્ષતિગ્રસ્ત સ્ક્રબરને કારણે ગેસ લીક ​​થયો હતો. SEZ માં એપેરલ યુનિટને તરત જ ખાલી કરાવવામાં આવ્યું હતું. નજીકના અન્ય કારખાનાઓ બંધ કરવાની સાથે ત્યાં કામ કરતા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરી દેવામાં આવ્યો હતો.
      
CMએ કહ્યું- આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થવું જોઈએ
રાજ્યના ઉદ્યોગ મંત્રી ગુડીવાડા અમરનાથે કહ્યું કે અસરગ્રસ્ત કામદારોની સારવાર ચાલી રહી છે અને પરિસ્થિતિ કાબૂમાં છે. માત્ર થોડા જ કામદારો બેહોશ થઈ ગયા, જ્યારે મોટા ભાગનાને આંખોમાં બળતરા અને ઉબકા આવવા લાગ્યા હતા તેઓને સારવાર માટે અનાકપલ્લી અને વિશાખાપટ્ટનમની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.

અનાકપલ્લી જિલ્લા તબીબી અને આરોગ્ય અધિકારી હેમંત કુમારે જણાવ્યું હતું કે ઘણા કામદારો પ્રાથમિક સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે. કેટલાક કામદારોને અનાકાપલ્લીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં અમે તેમને નિરીક્ષણ હેઠળ રાખ્યા છે. ડીએમએચઓએ કહ્યું કે કોઈને કોઈ ખતરો નથી. જિલ્લા પોલીસ અધિક્ષક ગૌતમી સાલીએ જણાવ્યું હતું કે તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. 

એપી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પોરસના યુનિટ પર પહોંચ્યા અને એન્જિનિયરો સાથે ગેસ લીકને સીલ કર્યું હતું. મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ ગેસ લીક ​​વિશે વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી અને તેમને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યા હતા.

Most Popular

To Top