Madhya Gujarat

કનેરામાં પશુચોર ટોળકી ત્રાટકી: હોબાળો થતાં ભાગ્યાં

નડિયાદ: ખેડા તાલુકાના કનેરા ગામમાં વહેલી સવારે ત્રાટકેલી પશુચોર ત્રિપુટી એક પશુપાલકના ઘર બહાર બાંધેલી એક ભેંસ ચોરી લઈ જતી હતી. જોકે, તે વખતે પશુપાલક ઉંઘમાંથી જાગી જતાં પશુચોર ત્રિપુટી ફરાર થઈ ગઈ હતી. ખેડા તાલુકાના કનેરામાં આવેલ પટેલવાસ વિસ્તારમાં રહેતાં રયજીભાઈ બચુભાઈ રાઠોડ ખેતી તેમજ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પોતાની માલિકીની બે ભેંસ અને બે પાડીને પોતાના ઘરની બાજુની ખુલ્લી જગ્યામાં બાંધી રાખે છે.

ગત બુધવારના રોજ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં પશુઓને ચારો નાંખી રયજીભાઈ ઘરની બહાર ઓસરીમાં સુઈ ગયાં હતાં. વહેલી સવારે છ વાગ્યાના અરસામાં રયજીભાઈ ઘસઘસાટ ઉંઘમાં હતાં. તે વખતે ત્રણ અજાણ્યાં ઈસમો રયજીભાઈની ઘર નજીક આવ્યાં હતાં અને તેમના ઘરની બાજુમાં બાંધેલા ચાર પશુઓ પૈકી એક ભેંસની ચોરી કરી દુર મુકેલા પીકઅપ ડાલા પાસે દોરીને લઈ જતાં હતાં. જોકે, તે વખતે ભેંસ મોટા અવાજે ભાંભરવા લાગતાં રયજીભાઈ એકાએક ઉંઘમાંથી જાગી ગયાં હતાં.

તે વખતે ત્રણ અજાણ્યાં ઈસમો તેમની એક ભેંસ દોરીને લઈ જતાં હોવાથી તેઓએ બુમાબુમ કરી હતી. જેથી ત્રણેય અજાણ્યાં ઈસમો ભેંસને મુકી ઉભી પુંછડીયા ભાગ્યાં હતાં અને નંબરપ્લેટ વગરના પીકઅપ ડાલામાં બેસી ફરાર થઈ ગયાં હતાં. જોકે, તે દરમિયાન ત્રણ પૈકી એક શખ્સના ખિસ્સામાંથી પડી ગયેલો મોબાઈલ રયજીભાઈના હાથમાં આવ્યો હતો. રયજીભાઈએ આ મોબાઈલ ખેડા ટાઉન પોલીસમથકમાં જમા કરાવી, ત્રણેય અજાણ્યાં પશુચોર સામે ફરીયાદ આપી હતી. પોલીસે મોબાઈલના સીમકાર્ડ પરથી પશુચોર ત્રિપુટીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

Most Popular

To Top