Madhya Gujarat

કડાણા ડેમમાં બે મહિનામાં 10 ફૂટ પાણી ઉતર્યું

સંતરામપુર : આણંદ, ખેડા, મહિસાગર સહિત 9 જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમમાં દિવસે દિવસે પાણીની સપાટી ઘટી રહી છે. જો વરસાદ સમયસર નહીં આવે તો સિંચાઇ ઉપરાંત પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઇ શકે છે. કડાણા ડેમમાં શુક્રવાર સવારે પાણીની સપાટી 388 ફુટ અને 6 ઇંચ જોવા મળતી હતી. જેથી સિંચાઈ માટેના પાણીના જથ્થામાં ઘટાડો થઇ રહેલો જોવા મળી રહ્યો છે. જો કડાણા બંધમાં આજ રીતે પાણીની સપાટીમાં સતત ઘટાડો થતો રહેશે તો 9 જિલ્લાને આપતાં પાણીમાં પણ સમસ્યા ઉદ્દભવે તેવો ભય ઉભો થયો છે.

ચરોતર અને મહીસાગર જીલ્લાના લોકો માટે જીવાદોરી સમાન તેમજ રાજ્યના નવ જીલ્લાને સિંચાઈનું પાણી પૂરું પાડનારા કડાણા ડેમની મહત્તમ સપાટી 419 ફુટ છે. શુક્રવારના રોજ આ સપાટી 388 ફુટ અને6 ઇંચ પહોંચતા 31 ફુટ જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમાંય પાછલા બે મહિનામાં 10 ફુટ પાણી જળાશય મારફતે તંત્ર દ્વારા સિંચાઇ અને પીવા માટે પુરું પાડવામાં આવ્યું છે. સપાટી 15 ફુટ ઘટે તો ડેમની સપાટી 373 ફુટ (મૃતપાયે) એટલે કે પ્રશાસન ઈચ્છે તો પણ રાજ્યના 9 જીલ્લાને સિંચાઈનું પાણી આપી શકે નહીં. સપાટી 373 ફુટે પહોંચતા સિંચાઈના સ્ત્રોત આપોઆપ  બંધ થઈ જશે. જે લોકો અને ખેડૂતો માથે જળસંકટની કટોકટી ઉભી કરે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે. ચાલુ વર્ષે વરસાદ વહેલો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પરંતુ કડાણા ડેમમાં 40 ટકા પાણીનો જથ્થો હોવાનું જોવા મળી રહ્યુ છે. જેમાં સિંચાઇ માટે 20 % જથ્થો હાલની તારીખમાં ઉપલબ્ધ હોય આગામી દિવસોમાં ખેડુતોને સિંચાઈનું પાણી પણ આપવું પ્રશાસન માટે મુશ્કેલ બનસે. હાલ કડાણા ડેમમાં પાણી આવકની સામે 150 ક્યુસેક પાણી ડાબા કાંઠા કેનાલ મારફતે તેમજ 1500 ક્યુસેક પાણી મહી સિંચાઈ વિભાગ ખેડાને પીવા માટે આપવામાં આવી રહ્યું છે. હાલ કડાણા બંધમાંથી કડાણા ડાબાકાંઠા કેનાલમાં 150 કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. જયારે કડાણા હાઈડ્રોપાવર પ્રોજેકટના વીજ ઉત્પાદન માટે 1500 કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. જે પાણી નદીમાં જાય છે. હાલ સુજલામ સુફલામ કેનાલમાં અને જમણા કાંઠાની નહેરમાં અને દાહોદ પાઈપલાઈન માટે પણ પાણી છોડાતું નથી. હાલ 1249.30 મિલીયન ઘનમીટર પાણી છે.

કડાણા ડેમમાં દરરોજ 4600 મેગાવોટ વીજળી ઉત્પાદન થાય છે
કડાણા જળાશયની સપાટી 15 ફૂટ ઘટે તો કડાણા પાવર હાઉસમાં થતું વીજઉત્પાદન ઠપ થઈ શકે છે. કડાણા હાઈડ્રો પાવરમાં 60 મેગા વોલ્ટના ચાર યુનિટ આવેલા છે. જેમાં ડેમ દ્વારા છોડવામાં આવતા પાણીથી 24 કલાકમાં 4600 મેગાવોટ વીજત્પાદન થાય છે. જેની અંદાજે કિંમત 2 કરોડ રૂપિયા છે.
કડાણા જળાશય મારફતે ખેડા તથા આણંદ જીલ્લાની 2,12,694 હેકટર જમીનને સિંચાઇ સુવિધા.
કડાણા ડાબાકઠા નહેર મારફતે કડાણા તથા લુણાવાડા તાલુકાની 11059 હેકટર જમીન ને સિંચાઇ નો લાભ.
કડાણા જમણાકઠાં નહેર મારફતે કડાણા તથા ખાનપુર તાલુકાની 3344 હેકટર જમીન ને સિંચાઇ નો લાભ.
સંતરામપુર,કડાણા, ગોધરા તથા લુણાવાડા તાલુકાના 156 ગામોને પીવાના પાણીની સુવિધા.

Most Popular

To Top