Editorial

ટ્રસ્ટો અને એનજીઓઝને વિદેશોમાંથી મળતા દાનો પર નજર રાખવા હજી વધુ કડક વ્યવસ્થાની જરૂર છે

દેશમાં હજારો ધર્માદા ટ્રસ્ટો અને બિન સરકારી સંસ્થાઓ છે જેઓ વિવિધ હેતુઓ સર કાર્યરત છે. આમાંથી ઘણી સંસ્થાઓ અને ટ્રસ્ટો વિદેશોમાંથી દાન મેળવે છે અને આજે આ વિદેશમાંથી આવી સંસ્થાઓને મળતા દાનનો મુદ્દો  એક વિવાદનો મુદ્દો બની ગયો છે. વિવાદ ઉભો થવાનું કારણ આ વિદેશોમાંથી આવી સંસ્થાઓ માટે ઉઘરાવાતા દાનો બાબતે થતી ગોબાચારીઓ અને આ દાનના નાણાઓના થતો દુરૂપયોગ છે. જો કે ઘણા બધા ટ્રસ્ટો અને  એનજીઓઝ એવા છે કે જેઓ નાણાકીય વ્યવહારોની બાબતમાં ઘણા ચોખ્ખા છે અને સેવાભાવી કે બીજા કોઇ કલ્યાણકારી હેતુ માટે જ વિદેશોમાંથી મળતા નાણાનો ઉપયોગ કરે છે પરંતુ વિદેશોમાંથી આવતા ભંડોળોનો દુરૂપયોગ  કરતી સંસ્થાઓને કારણે વિદેશોમાંથી મળતી બધી જ સંસ્થાઓ સામે શંકાઓ ઉભી થાય તેવો માહોલ સર્જાઇ ગયો છે.

નોંધપાત્ર સંખ્યામાં એવા લોકો છે જેઓ સેવાભાવના કે એવા કોઇ હેતુનું નામ આપીને ટ્રસ્ટ કે એનજીઓ  સ્થાપીને દેશ-વિદેશમાંથી નાણા ઉઘરાવે છે અને પછી તેમાં ગોબાચારી કરે છે. કેટલીક સંસ્થાઓ વિદેશમાંથી આવતા નાણાનો ઉપયોગ ત્રાસવાદ જેવા હેતુઓસર પણ કરતી હોવાનું ભૂતકાળમાં બહાર આવ્યું છે. ખાસ કરીને  એનજીઓઝ માટે વિદેશોથી આવતા નાણાની બાબતમાં વર્તમાન સરકારે કડકાઇ વધાર્યા બાદ વિદેશી ભંડોળોની બાબતમાં કૌભાંડો ઘણા ઘટી ગયા હોવાનું મનાતુ હતું પરંતુ હાલમાં સરકારી અધિકારીઓની સાંઠગાંઠથી ચાલતું  દેશવ્યાપી કૌભાંડ બહાર આવ્યા બાદ એવું લાગે છે કે એનજીઓ કે ટ્રસ્ટના નામે વિદેશોથી નાણા મંગાવીને કૌભાંડો આચરવાની પ્રવૃતિ આજે પણ બેરોકટોક ચાલુ જ છે.હાલ થોડા દિવસ પહેલા ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોંધાવેલી ફરિયાદના આધારે વિદેશી દાનો અંગેનું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે.

ગૃહ મંત્રાલયની ફરિયાદ પછી સીબીઆઇએ તપાસ શરૂ કરી તેના પછી દેશભરની અનેક  સંસ્થાઓને સંડોવતું કૌભાંડ બહાર આવ્યું છે. દેશવ્યાપી ક્રેકડાઉનમાં સીબીઆઇએ ૪૦ સ્થળોએ આ મંગળવારે ઓપરેશનો હાથ ધર્યા હતા અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ, બિન સરકારી સંસ્થાઓ(એનજીઓ)ના પ્રતિનિધિઓ તથા  વચેટિયાઓ સહિત ૧૪ જેટલા લોકોને પકડ્યા હતા જે લોકો વિદેશથી આવતા દાનોને એફસીઆરએની જોગવાઇઓનો ભંગ કરીને મંજૂરી અપાવવાના કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો આરોપ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય  તરફથી સીબીઆઇને કરવામાં આવેલી ફરીયાદ પછી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું એમ ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે વિદેશી ફાળા નિયંત્રણ ધારા(એફસીઆરએ)ના કથિત  ભંગનો મુદ્દો ગૃહ મંત્રી અમિત શાહના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો, તેમણે આદેશ આપ્યો હતો કે જેઓ સંડોવાયેલા હોય તેમની સામે શક્ય એટલા સૌથી કડક પગલાં લેવામાં આવે. આના પછી ગૃહ મંત્રાલયે સીબીઆઇ સમક્ષ  ફરિયાદ નોંધાવી હતી.પોતાના ઓપરેશન દરમ્યાન, સીબીઆઇએ શોધી કાઢ્યું હતું કે એફસીઆરએનો કથિત ભંગ કરીને એનજીઓઝને માટે આવી રહેલા વિદેશો દાનોને મંજૂરી અપાવવાના કૃત્યમાં ઘણા સરકારી અધિકારીઓ  સંડોવાયેલા હતા. સંકલિત કાર્યવાહીઓ દિલ્હી, ચેન્નાઇ, કોઇમ્બતુર, મૈસુર વગેરે મળીને દેશભરમાં ૪૦ સ્થળોએ હાથ ધરવામાં આવી હતી.

આ ઓપરેશનોને પગલે અત્યાર સુધીમાં રૂ. બે કરોડની આસપાસના હવાલા વ્યવહારો  ખુલ્લા પડ્યા છે એ મુજબ તેમણે જણાવ્યું હતું. બની શકે કે આ તો ફક્ત હિમશીલાની ટોચ હોય, અને ઘણું બધુ હજી બહાર આવ્યું નહી હોય. એફસીઆરએનો ભંગ કરીને વિદેશી દાનો માટે મંજૂરી મેળવવામાં આવતી હતી તેના  પરથી જ સ્પષ્ટ થાય છે કે આ દાનોનો દુરૂપયોગ કરવામાં આવતો હતો. ધર્માદાના હેતુ માટે જ જો વિદેશથી દાન મંગાવવાનું હોય તો તે માટે કોઇ એફસીઆરએના નિયમોનો ભંગ શા માટે કરે? અને આવા દાનને મંજૂરી  અપાવવા માટે લાંચ શા માટે ચુકવે? વાત સ્પષ્ટ છે કે ઘણી બધી સંસ્થાઓ સરકારી અધિકારીઓની મિલીભગતથી આવા કૌભાંડો આચરે છે.

આપણે અગાઉ જ જોયું તેમ ઘણા ધર્માદા ટ્રસ્ટો અને સેવાભાવી સંસ્થાઓ એવી છે કે જેઓ વિદેશોથી દાન મેળવતી હોવા છતાં નાણાકીય વ્યવહારો સહિતની બાબતમાં ઘણી ચોખ્ખી છે. પરંતુ કૌભાંડી સંસ્થાઓને કારણે આવી  સંસ્થાઓ પણ શંકાના દાયરામાં આવી જાય છે. ધર્માદા સંસ્થાઓએ વિદેશોથી નાણા મેળવવા જ શા માટે જોઇએ? એવો પણ એક પ્રશ્ન કેટલાક લોકો કરે છે. ખુદ સુપ્રીમ કોર્ટે હાલમાં વિદેશથી આવતા દાનોની જરૂર શું છે? એવો  પ્રશ્ન ઉઠાવ્યો હતો. પરંતુ આપણા દેશમાંથી કેટલીક સંસ્થાઓને પુરતું દાન મળતુ નહી હોય અને વિદેશમાં વસતા આપણા દેશવાસીઓ આવી સંસ્થાઓને મોટા દાન આપતા હોય અને તેમનો યોગ્ય ઉપયોગ થતો હોય તો કશું ખોટું  નથી. પરંતુ સંસ્થાઓને વિદેશોમાંથી મળતા નાણાની બાબતમાં પારદર્શિતા જરૂરી છે અને તે માટે સરકારે વધુ કડક થવાની જરૂર છે એમ હાલમાં બહાર આવેલા કૌભાંડ પરથી જણાય છે. સરકાર ગમે તેટલા કડક કાયદા ઘડે  પરંતુ તેનું પાલન કરાવનાર તંત્ર જ ભ્રષ્ટ હોય તો કાયદાનો કશો અર્થ રહેતો નથી તે હાલ બહાર આવેલા કૌભાંડ પરથી સ્પષ્ટ થાય છે આથી સરકારે પોતાના જ તંત્રો પર પણ પૂરતી દેખરેખ રાખવાની જરૂર છે.

Most Popular

To Top