Charchapatra

સ્વામી વિવેકાનંદને જન્મજયંતીએ વંદન

૧૨ મી જાન્યુઆરી, ૧૮૬૩ ના રોજ કોલકત્તામાં જન્મેલ નરેન્દ્રનાથ એટલે કે આપણા સૌના સ્વામી વિવેકાનંદની  આજે ૧૫૮ મી જન્મજયંતી છે. માત્ર ૩૯ વર્ષ (ખૂબ ઓછું) જીવીને લોકસેવાના કામમાં પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વામી વિવેકાનંદને દોઢ સદી પછી આજે યાદ કરીને લોકો ગર્વ અનુભવે છે.

શિકાગોની વિશ્વધર્મ પરિષદને પોતાના વ્યાખ્યાનથી ગૂંજતી કરનાર સ્વામીજીએ વિદેશમાં પણ અનેક લોકોના દિલમાં સ્થાન મેળવ્યું. દેશ-વિદેશમાં ફરીને ગરીબોની સેવાને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો. ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડયા રહો’ જેમનું સૂત્ર હતું અને વિશ્વમાં ભારત દેશનું માન વધારનાર સ્વામીજીની ગ્રંથમાળામાંથી કેટલાંક ઉદાહરણો અહીં રજૂ કર્યાં છે.

(૧) આત્મશ્રદ્ધા રાખો. દૃઢ શ્રદ્ધામાંથી જ મહાન કાર્યો જન્મે છે. (૨) અન્યને માટે કરેલું જરા સરખું કાર્ય પણ અંદરની શકિત જગાવે છે. (૩) વિચાર, વાણી અને કાર્યમાં સંગઠિત થયેલા મુઠ્ઠીભર માણસો પણ દુનિયામાં ઉથલપાથલ કરી શકે છે. (૪)  નેતા હોવા છતાં સૌના સેવક બનો. (૫) જે કાંઇ શકિત અને સહાય તમારે જોઇએ એ તમારી પોતાની અંદર જ છે. માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો. (૬) પવિત્રતા, ધૈર્ય અને ખંત એ ફત્તેહ માટેનાં ત્રણ જરૂરી તત્ત્વો છે; તે ઉપરાંત બધા ઉપર પ્રેમ.આવા, ઉત્તમ વિચારોયુકત સાચા સમાજસેવક સ્વામી વિવેકાનંદને જન્મ દિવસે શત શત વંદન.

અમરોલી           -પાયલ વી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top