Charchapatra

વરિષ્ઠ નાગરિકોની વ્યથા

સરકાર સામાન્ય રીતે સાઠ વર્ષની ઊંમર પછી સરકારી કર્મચારીઓને પેન્શન આપે છે. પરંતુ સરકારી નોકરી સિવાયનાં વરિષ્ઠો માટે કોઈ વ્યવસ્થા નથી. નોકરી કરતી વ્યકિત-સરકારી કે બિન સરકારી – પરિવારમાં ઓછા સભ્યો હોય તો થીડી ઘણી બચત કરી શકે છે.

બેંકમાં જમા કરાવે છે જેના પર હાસ્યાસ્પદ વ્યાજ મળે છે અને હવે તો ફિકસ્ડ ડિપોઝીટ પર પણ બેંકોએ દશ ટકાથી ઘટાડી પાંચ-છ ટકા કરી નાંખ્યુ એટલે બચત પણ વરિષ્ઠ વયે યોગ્ય હોતી નથી. વરિષ્ઠ નાગરીકનાં સંતાનો જો સંસ્કારી હોય તો તે પોતાનાં વડીલને સારી રીતે રાખે છે. પરંતુ વરિષ્ઠ નાગરીક બને ત્યારે સંતાનો પણ જીવનની ઝંઝાળ લઈ જીવતાં હોય છે.

વરિષ્ઠ નાગરીક પણ ભારતનો રહેવાસી છે અને દેશનો નાગરિક મોટી કે નાની ઊંમરે દુ:ખી ન થાય. એટલે સરકારે દેશનાં પ્રત્યેક નાગરિકને પેન્શન આપવું જોઈએ. સાંસદો, વિધાનસભાનાં સભ્યો વગેરેને સરકાર અઢળક રકમ પેન્શનરૂપે આપે છે. ઘણાં તો વિધાનસભ્ય તરીકે, સાંસદ તરીકે એમ બંને જગ્યાએથી પેન્શન લે છે.

એ બધાં સરકારી નોકરો નથી હોતાં. સ્વેચ્છાએ પ્રજાની સેવા કરવા આવે છે. ઘણાં તો જન્મથી માલેતુજારો હોય છે. પ્રજાનાં સેવકોને પણ રીટાયર્ડ થાય ત્યારે જીવન નિર્વાહ ચલાવવા પેન્શન આપવું જોઈએ પરંતુ તે આજનાં જેટલું અઢળક ન હોવું જોઈએ અને એક જગ્યાએથી પેન્શન આપવું જોઈએ.

સરકારે પોતાના ઘણાં બધાં ફાલતું ખર્ચા બંધ કરી બિનસરકારી વ્યસ્કોને પેન્શન આપવું જોઈએ. સરકારે સ્વાતંત્ર્ય સૈનિકોને પેન્શનરૂપે  સારી એવી રકમ આપે છે તે પણ બંધ કરી દેવી જોઈએ. સ્વાતંત્ર્ય સૈનિકો પણ દેશની સ્વેચ્છાએ સેવા કરવા આઝાદીની લડતમાં જોડાયા હતાં. જે સરકાર પ્રજાની ચિંતા નથી કરતી તે વધુ ટકી શકતી નથી. આશા છે ભાજપા સરકાર વિચારે !

સુરત     – ડો. કે.ટી.સોની – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top