દિશાઓને પ્રણામ

આશ્રમમાં સાંજે બધાએ સંધ્યાવંદન કરી લીધા બાદ ચારે દિશામાં પરિક્રમા કરી ચારે દિશામાં પ્રણામ કર્યા.ઉપર આભ અને નીચે ધરતીને પણ પ્રણામ કર્યા.એક નવા નવા જોડાયેલા શિષ્યે બાજુમાં ઊભેલા શિષ્યને પૂછ્યું, “આપણે આ ચારે દિશાઓને…ચારે ખૂણાઓને ..અને ઉપર નીચે એમ દશે દિશામાં પ્રણામ શું કામ કરીએ છીએ?” બાજુમાં ઊભેલા શિષ્યે કહ્યું, “ભાઈ, મને ખબર નથી ..ઊભો રે, આ આગળ ગુરુજીનો પટ્ટ શિષ્ય છે તેને પૂછી જોઉં.” પેલા શિષ્યે પટ્ટ શિષ્યને પૂછ્યું, “કે આ દશે દિશમાં પ્રણામ કરવા પાછળ શું કારણ છે?”

દિશાઓને પ્રણામ

પટ્ટ શિષ્યે કહ્યું, “ભાઈ,મને કારણ ખબર નથી, પણ વર્ષોથી આમ જ કરવાનો નિયમ છે.એટલે હું પણ કરું છું અને બીજા બધા પણ કરે છે……..શું કામ પ્રણામ કરવાના તેનો જવાબ તો ગુરુજી જ આપી શકે.”ગુરુજીનું ધ્યાન આ શિષ્યોની ગુસપુસ પર ગયું …તેમણે પટ્ટ શિષ્યને બોલાવી પૂછ્યું, “ભાઈ પ્રાર્થનાના સમયે તમે શું વાતો કરો છો ..મનમાં જે પ્રશ્ન હોય તે મને પૂછો…”

પટ્ટશિષ્યે પૂછ્યું, “ગુરુજી, આ નવા આવેલ શિષ્યના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઇ છે કે આપણે દર વખતે પ્રાર્થના બાદ દશે દિશાઓને પ્રણામ શું કામ કરીએ છીએ અને અમને કોઈને આ પ્રશ્નનો જવાબ ખબર નથી.” ગુરુજીએ કહ્યું, “પ્રશ્ન થવો જરૂરી છે.

કોઈ પણ ક્રિયા તેની પાછળનું કારણ જાણ્યા વિના માત્ર કરવા ખાતર ન કરવી જોઈએ. જુઓ, સાંભળો, પૂર્વ દિશામાં નમસ્કાર કરવાનો અર્થ છે આપણે આપણા પૂર્વજોને પ્રણામ કરીએ છીએ..દરેક કાર્યમાં પહેલાં પૂર્વજોને પ્રણામ કરવા જ જોઈએ.પશ્ચિમ દિશમાં પ્રણામ કરવાનો મતલબ છે કે આપણા અનુગામીઓને નમસ્કાર કરવા..

આપણી વાત અને હુકમ માનનારાઓનું સન્માન કરવું.ઉત્તર દિશામાં નમસ્કાર કરવાનો મતલબ છે કે પોતાના મિત્રોને પ્રણામ કરવા …મિત્રો સ્નેહી સ્વજનો સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો.દક્ષિણ દિશામાં પ્રણામ કરવાનો અર્થ છે પોતાના ગુરુને નમસ્કાર કરવા ..ગુરુનો આદર કરવો અને તેમના દરેક આદેશોનું પાલન કરવું.

ઉપર ઊર્ધ્વ દિશાને નમસ્કાર કરવાનો અર્થ છે કે ધર્મગુરુ અને આચાર્યોનું સન્માન કરવું ..તેમની વાત બરાબર કાને ધરી તેનું પાલન કરવું અને નીચે તરફ પ્રણામ કરવાનું કારણ છે આપણા નોકર ચાકરને પણ માન આપવું. તેમની સાથે બરાબર શાલીનતાભર્યું વર્તન કરવું.ચારે બાજુ પ્રણામ કરવાનો અર્થ છે પ્રકૃતિના દરેક તત્ત્વને પ્રણામ કરી આભાર માનવો.”

ગુરુજીની આ સમજાવટ બાદ બધાના મનનું સમાધાન થયું.           

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts