Columns

ગ્રીનકાર્ડ ધારકો પોતાના પાર્ટનરને ધમકીઓ આપે, તો આવા કિસ્સામાં શું કરવું

નરેન્દ્ર જો તું મમ્મીનું કહેવું નહીં સાંભળે તો પછી મમ્મી મને તારું ગ્રીનકાર્ડ કાયમનું કરવાની જે સંયુક્ત અરજી કરવાની છે એમાં જોડાવવાની ના પાડશે. હું જો તારું ગ્રીનકાર્ડ, જે બે વર્ષની મુદતનું જ છે, એ કાયમનું કરવા માટેની અરજીમાં તારી જોડે નહીં જોડાઉં તો બે વર્ષ પૂરાં થતા તારે ઈન્ડિયા પાછા ચાલી જવું પડશે.’ ‘દીકરા, તારી વહુને સાફસાફ કહી દેજે કે દર પહેલી તારીખે એને જે પગાર મળે છે એ બધો મારા હાથમાં મૂકી દે. હા, નોકરી કરે છે એટલે એ કંઈ ઉપકાર નથી કરતી. સાથે સાથે એણે ઘરકામ પણ કરવાનું હોય છે. એટલે તું એને પણ એ બાબતમાં ચેતવણી આપી દેજે. કહેજે કે જો આ બે શર્ત એ માન્ય નહીં રાખે તો તું એનું બે વર્ષની મુદતનું ગ્રીનકાર્ડ કાયમ કરવા માટે 21 મહિના પછી જે સંયુક્ત અરજી કરવાની રહે છે એમાં જોડાવવાની ના પાડશે અને એનું ગ્રીનકાર્ડ કાયમનું કરવામાં નહીં આવે એટલે એણે ઈન્ડિયા પાછા ચાલી જવું પડશે. તારી વ્હાલી પત્નીને આ બધી વાત બરાબર સમજાવી દેજે.’

‘મમ્મી હું શું કરું? મને જે ગ્રીનકાર્ડ મળ્યું છે એ ફકત બે વર્ષની મુદતનું છે. અનેકો ગ્રીનકાર્ડ માટે બનાવટી લગ્નો કરતા હતા આથી અમેરિકાની સરકારે ‘મેરેજ ફ્રોડ એમેન્ડમેન્ટ એક્ટ’ઘડ્યો છે એની હેઠળ અમેરિકન સિટિઝન યા ગ્રીનકાર્ડધારક જોડે લગ્ન કરતા જે ગ્રીનકાર્ડ આપવામાં આવે છે એ બે વર્ષની મુદતનું હોય છે. 21 મહિના પછી પતિપત્ની બન્નેએ સાથે મળીને એ ગ્રીનકાર્ડ કાયમનું કરવાની સંયુક્ત અરજી કરવાની રહે છે. એ સમયે એમણે એ દેખાડી આપવાનું રહે છે કે એમના લગ્ન ચાલુ છે, એમણે છૂટાછેડા નથી લીધા.

તેઓ એકબીજાની સાથે જ રહે છે જુદા નથી રહેતા અને એમણે પતિપત્ની તરીકેના સંબંધો બાંધ્યા છે. બેઉએ સાથે મળીને એ પુરવાર કરવાનું રહે છે કે લગ્ન આજીવન સાથે ગાળવા માટે કર્યા છે નહીં કે ગ્રીનકાર્ડ મેળવવા માટે. કાયદાની આ શર્તના કારણે મારા સાસુ, સસરા, દિયર, નણંદ, અરે મારો વર સુધ્ધાં, મને સવાર સાંજ ધમકીઓ આપ્યા કરે છે કે જો હું ઘરનું બધું કામ નહીં કરું, એમનું કહેલું નહીં માનું એ લોકો મને મારઝુડ કરે છે એની પોલીસમાં ફરિયાદ કરીશ, તો મારો વર મારું ગ્રીનકાર્ડ કાયમનું કરવા માટેની અરજીમાં મારી સાથે નહીં જોડાય અને મારે બે વર્ષ પછી, ગ્રીનકાર્ડની અવધિ પૂરી થતાં, ઈન્ડિયા પાછા આવી જવું પડશે. એટલે મમ્મી અમેરિકામાં આવેલ આ ન્યુજર્સી તો મારે માટે દોઝક છે.

પણ જો મારું ગ્રીનકાર્ડ કાયમનું ન થાય તો મારે ઈન્ડિયા પાછા આવી જવુ પડશે. પછી હું તમારા માટે, પપ્પા માટે, ભાઈ માટે ગ્રીનકાર્ડની અરજી નહીં કરી શકું એટલે આ બે વર્ષ હું બધું દુ:ખ સહન કરી લઈશ. સાસુ-સસરાનો, વરનો માર ખાઈ લઈશ. નણંદ અને દિયરના મેણાટોણાં સાંભળી લઈશ. તું ફીકર નહીં કર મારી ચિંતા નહીં કર. આ બે વર્ષ તો ચપટી વગાડતા જ પૂરા થઈ જશે. જોને ગાળો ખાતા ખાતા, માર સહન કરતાં કરતાં 8 મહિના તો વીતી ગયા છે.’

લગ્નના આધારે પરદેશીઓને ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. એક પરદેશી જો અમેરિકન સિટિઝન જોડે લગ્ન કરે તો ‘ઈમિજેટ રીલેટીવ’કેગેટરી હેઠળ એને આઠ દસ મહિનાની અંદર ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. જો લગ્ન ગ્રીનકાર્ડધારક જોડે કર્યા હોય તો ‘ફેમિલી સેક્ધડ (એ)’પ્રેફરન્સ કેટેગરી હેઠળ એક બે વર્ષમાં ગ્રીનકાર્ડ મળી શકે છે.

અનેક પરદેશીઓ આ સવલતના કારણે અમેરિકન સિટિઝનો યા ગ્રીનકાર્ડધારકો જોડે પૈસા આપવાની લાલચે બનાવટી લગ્ન કરે છે. અમેરિકનો પણ 10, 20, 25-50 હજાર ડોલરની લાલચે આવા ખોટા લગ્નો કરે છે અને પરદેશીઓ માટે ગ્રીનકાર્ડના પિટિશનો દાખલ કરે છે. પરદેશીને ગ્રીનકાર્ડ મળી જાય, એમને નક્કી કરેલી રકમ મળી જાય પછી તેઓ ‘નો ફોલ્ટ’ડિવોર્સ લઈ લે છે. આવી છેતરપિંડી અટકાવવા અમેરિકાની સરકારે ‘ધ મેરેજ ફ્રોડ એમેન્ડમેન્ટ એક્ટ’ઘડ્યો જેની હેઠળ લગ્નના આધારે અપાતા ગ્રીનકાર્ડ પહેલા ફકત બે વર્ષની મુદતના હોય છે.

ત્યાર બાદ પતિ-પત્નીએ સંયુક્ત અરજી કરીને એ કાયમના કરાવવાના હોય છે પણ મોટાભાગે આ ગ્રીનકાર્ડ કંડિશનલ બે વર્ષની મુદતના હોય છે. 21  મહિના પૂરા થાય પછી અમેરિકન સિટિઝન યા ગ્રીનકાર્ડધારક સાથે એની પરદેશી પત્ની યા પતિએ એ ગ્રીનકાર્ડ કાયમનું કરવાની સંયુક્ત રીતે અરજી કરવાની હોય છે. અનેકવાર એમને ઈમિગ્રેશન ખાતુ સાથે ઈન્ટરવ્યુ માટે બોલાવે છે. આ કાયદાનો અમેરિકન સિટિઝનો અને ગ્રીનકાર્ડધારકો ફાયદો લે છે અને એમની પરદેશી પત્ની યા પતિને ધમકાવે છે, ડરાવે છે, ગભરાવે છે કે જો તેઓ એમનું કહ્યું નહીં માને તો ગ્રીનકાર્ડ કાયમનું કરવા માટે જે સંયુક્ત અરજી કરવાની રહે છે.

એમાં તેઓ નહીં જોડાય અને આથી એમનું ગ્રીનકાર્ડ કાયમનું કરવામાં નહીં આવે અને બે વર્ષ પછી એમણે અમેરિકા છોડીને એમના દેશમાં પાછા ચાલ્યા જવું પડશે. અમેરિકન સિટિઝન યા ગ્રીનકાર્ડધારક જોડે લગ્ન કરતા મોટાભાગના ભારતીયોને આ વાતની જાણ નથી કે એમનું બે વર્ષનું કંડિશનલ ગ્રીનકાર્ડ કાયમનું કરવા માટે જો એમના અમેરિકન સિટિઝન યા ગ્રીનકાર્ડધારક પતિ યા પત્ની ના પાડે તો પણ તેઓ સ્વતંત્ર રીતે એકલા અરજી કરીને એમનું ગ્રીનકાર્ડ કાયમનું કરાવી શકે છે. આ અંગે વધુ માહિતી આવતા અઠવાડિયાની દર્પણ પૂર્તિમાં આપવામાં આવશે.

Most Popular

To Top