Vadodara

મનપાની સભામાં બોટ કાંડના બદલે રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ મુકાતા હોબાળો

વડોદરા, તા. 14
હરણી બોટકાંડ મુદ્દે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બુધવારે પુનઃ એકવાર તડાફડી જોવા મળી હતી. સામાન્ય સભામાં હરણી બોટકાંડના વળતર અંગેની ચર્ચા કરવાના બદલે રામ મંદિર નિર્માણ અભિનંદન પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. સભામાં ભાજપાના જ કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો કે પાલિકા દ્વારા અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે. તો કોંગ્રેસ દ્વારા સભામાં તેઓને બોલવા ન દેવતા હોવાના આક્ષેપ સાથે વોક આઉટ કરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બુધવારે સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં સભા સેક્રેટરીએ રામ મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ મેયરના સૂચના મુજબ વાંચ્યો હતો જે બાદ તેના પર ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી જોકે આ ચર્ચા શરૂ થાય તે પહેલા જ હરણી બોટ કાંડ મુદ્દે મૃતકોના પરિવારને ન્યાય મળે અને વળતર તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે ફ્લોર પર બેસી પોતાની વાત મૂકવામાં આવી હતી. જોકે મેયર પિન્કીબેન સોનીએ આ મુદ્દે આગામી દિવસોમાં સર્વ પક્ષીય બેઠક બોલાવી સાથે મળી નિર્ણય લેવામાં આવશે તેવી વાત મુકતા કોંગ્રેસના કોર્પોરેટરો માની ગયા હતા. અને ફ્લોર પરથી ઊઠી સ્વસ્થાને બેસી ગયા હતા. એક બાદ એક ભાજપના કોર્પોરેટરો એ રામ મંદિર મુદ્દે પોતાની વાત મૂકી અભિનંદન આપ્યા હતા ત્યારે સયાજીગંજ વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય કેયુર રોકડિયાએ પણ રામ મંદિર મુદ્દે પોતાની વાત સામાન્ય સભા સમક્ષ મૂકી હતી જે બાદ પૂર્ણ થતાની સાથે જ ભાજપના ઇલેક્શન વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર આશિષ જોષી ઉભા થયા હતા અને સામાન્ય સભામાં રામ મંદિર મુદ્દે વાત કરતા ગર્વ હોવાની વાત કરી હતી પરંતુ હરણી બોટ કાંડ મુદ્દે પણ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને પરિવારની યોગ્ય વળતર પણ મળવું જોઈએ તે વાત મૂકી હતી. જે માતાએ પોતાની દીકરી ગુમાવી છે તે માતાએ અન્નનો ત્યાગ કર્યો છે ત્યારે તેમના પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરવાની વાત મૂકી પોતાની આક્રમક રીતે રજૂઆત કરી હતી. જો કે આ સભામાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાજર ન હતા જેથી તેઓને પોતાના સવાલોના જવાબ નહિ મળી શકે તેવી રજૂઆત કર્યા બાદ તેઓ સભાની બહાર નીકળી ગયા હતા. તેઓ સાથે તેઓના વોર્ડના સાથી કોર્પોરેટર પણ નીકળી ગયા હતા. આ બાબતે તેમને મીડિયામાં પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી જોકે સભામાંથી તેમના સાથી કોર્પોરેટર રણછોડ રાઠવા નું સ્વાસ્થ્ય સારું ન હોવાથી સભામાંથી નીકળ્યા હોવાનું તેમને ઉમેર્યું હતું. આશિષ જોષીના સભામાંથી નીકળ્યાના તુરત જ બાદ વિપક્ષ દ્વારા પણ પોતાની વાત મુકવાની શરૂઆત કરી હતી પરંતુ તેઓને બોલવા ન દેવતા તેઓએ પણ વોક આઉટ કર્યું હતું. કોંગ્રેસના વોક આઉટ બાદ ભાજપના કોર્પોરેટરો દ્વારા અભિનંદન પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો અને સભા પૂર્ણ કરવામાં આવી હતી

Most Popular

To Top