અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump અને ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping વચ્ચે થનારી હાઈપ્રોફાઈલ બેઠકને લઈને સમગ્ર વિશ્વમાં રાજકીય અને આર્થિક સ્તરે ભારે ચર્ચા ચાલી રહી છે. ચીને સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ 13 મેથી 15 મે દરમિયાન ચીનના રાજકીય પ્રવાસે જશે. આ મુલાકાત દરમિયાન બેઇજિંગમાં બંને નેતાઓ વચ્ચે અનેક મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી વેપાર યુદ્ધ, ટેકનોલોજી પર પ્રતિબંધો, તાઇવાન મુદ્દો અને વૈશ્વિક સુરક્ષાને લઈને તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે. ત્યારે ટ્રમ્પ અને શી જિનપિંગની આ બેઠકને “સુપર મીટિંગ” તરીકે જોવામાં આવી રહી છે. વિશ્લેષકોનું માનવું છે કે આ મુલાકાત આગામી સમયમાં વૈશ્વિક અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય રાજકારણની દિશા નક્કી કરી શકે છે.અહેવાલો અનુસાર, બેઠકમાં વેપાર સંબંધોને મજબૂત બનાવવાના મુદ્દા પર ખાસ ભાર રહેશે. અમેરિકી પ્રશાસન ચીન તરફથી કૃષિ ઉત્પાદન, ખાસ કરીને સોયાબીન, બીફ અને અન્ય કૃષિ માલની મોટી ખરીદીની અપેક્ષા રાખે છે. બીજી તરફ ચીન અમેરિકી સેમિકન્ડક્ટર અને ટેકનોલોજી પ્રતિબંધોમાં રાહત ઈચ્છે છે. બંને દેશો વચ્ચે ટ્રેડ ટ્રૂસને આગળ વધારવા માટે પણ ચર્ચા થઈ શકે છે.
આ બેઠકમાં તાઇવાનનો મુદ્દો પણ કેન્દ્રસ્થાને રહી શકે છે. ચીન સતત અમેરિકા સામે તાઇવાનને મળતા સમર્થનનો વિરોધ કરતું આવ્યું છે. અમેરિકી નેતાઓના તાઇવાન પ્રવાસ અને સૈન્ય સહયોગને લઈને બેઇજિંગ નારાજગી વ્યક્ત કરતું રહ્યું છે. માનવામાં આવે છે કે શી જિનપિંગ ટ્રમ્પ સમક્ષ આ મુદ્દે કડક વલણ રજૂ કરી શકે છે.મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન સંબંધિત તણાવ અને હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા મુદ્દે પણ બંને દેશો વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે. અમેરિકા ઈચ્છે છે કે ચીન ઈરાન પર દબાણ બનાવે અને વૈશ્વિક સ્થિરતા માટે સહયોગ આપે. આ સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને રેર અર્થ મિનરલ્સ જેવા ટેકનોલોજીકલ મુદ્દાઓ પણ એજન્ડામાં સામેલ હોવાનું કહેવાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પણ આ પ્રવાસને “ખૂબ મહત્વપૂર્ણ” ગણાવ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકા AI ક્ષેત્રમાં વિશ્વમાં આગળ છે અને તેઓ ચીન સાથેની સ્પર્ધા અને સહયોગ બંને મુદ્દે ચર્ચા કરવા માંગે છે.ખાસ વાત એ છે કે અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિનો ચીનનો આ પ્રકારનો રાજ્ય પ્રવાસ લગભગ નવ વર્ષ બાદ થઈ રહ્યો છે. ટ્રમ્પ અગાઉ 2017માં પણ ચીન ગયા હતા અને તે સમયે શી જિનપિંગે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. હવે ફરી એકવાર બંને નેતાઓ સામસામે આવી રહ્યા છે, દુનિયા ભરના રાજકીય નિષ્ણાતોની નજર આ બેઠક પર ટકી છે.
હાલ વિશ્વમાં વધી રહેલા ભૂરાજકીય તણાવ, આર્થિક મંદી અને વેપારી અનિશ્ચિતતા વચ્ચે ટ્રમ્પ-શી બેઠકથી કોઈ મોટો કરાર થાય છે કે નહીં, તે જોવું મહત્વપૂર્ણ રહેશે. જોકે પ્રાથમિક અહેવાલો મુજબ કોઈ મોટા બ્રેકથ્રૂની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે, પરંતુ બંને દેશો વચ્ચે સંવાદ જાળવવાનો પ્રયાસ વિશ્વ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.