Columns

જાણો શિવલિંગ અને જ્યોતિર્લિંગમાં શું ફરક હોય છે

શિવલિંગ વિશે પંડિત ગોપીનાથ કવિરાજ સંપાદિત તંત્ર સંગ્રહના પ્રથમ ભાગમાં “અનુભવ સૂત્ર નામનો તંત્ર ગ્રંથ છે. આ ગ્રંથમાં શૈવદર્શનના સિદ્ધાંતો વર્ણવાયા છે. આ ગ્રંથના તૃતીય અધિકરણમાં કહેવાયું છે કે શિવ પોતે જ લિંગ છે. લિંગ એટલે લીયતે ગમ્યતે યત્ર યેન સર્વ ચરાચરમ્‌! અર્થાત્ જેમાં ચરાચર જગત લીન થઇ જાય છે અને જેના દ્વારા ચરાચર જગતને પામી શકાય છે તેમજ સર્વ જગત જેમાં લીન થઇ જાય છે, તેને લિંગ કહેવાય છે. આ રીતે ભગવાન શિવ પોતે જ સકલ અને નિષ્કલ હોવાથી પોતે જ લિંગ કહેવાય છે. લિંગના મુખ્ય ત્રણ પ્રકારો છે.

1. ભાવલિંગ 2. પ્રાણલિંગ 3. ઇષ્ટલિંગ. જે નિષ્કલ છે તે ભાવલિંગ કહેવાય છે. તે ભાવના ને ભક્તિથી પામી શકાય છે. પ્રાણલિંગ મનોગ્રાહ્ય છે. પ્રાણની અંદર મન લિંગરૂપે રહે છે. ઇષ્ટલિંગ ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ કરાવે છે. તેનું પૂજન કરી શકાય છે. ભક્તોને તે ઇચ્છિત વસ્તુઓ આપે છે. ભાવલિંગ ‘સત્ છે. પ્રાણલિંગ ‘ચિત્ છે અને ઇષ્ટલિંગ ‘આનંદ’ છે. ભાવલિંગ આત્મસ્વરૂપ છે. તે પરમતત્ત્વ છે. પ્રાણલિંગ સૂક્ષ્મ છે અને ઇષ્ટલિંગ સ્થૂળ છે.ભાવલિંગ બિંદુ સ્વરૂપ છે. પ્રાણલિંગ નાદ સ્વરૂપ છે અને ઇષ્ટલિંગ કલા સ્વરૂપ છે.

શિવ અને શક્તિ બંનેનો પ્રાદુર્ભાવ થાય છે અને શિવ અને શક્તિના પ્રભાવથી જ્યોતિર્લિંગ બને છે. જ્યોતિર્લિંગ પરમતત્ત્વનું તેજોમય સ્વરૂપ છે. તેને જ્ઞાનથી પામી શકાય છે. આ સમગ્ર શરીર પણ શિવલિંગ છે. અનુભવ સૂત્રના છઠ્ઠા અધિકરણમાં કહેવાયું છે કે ‘ન કાર લોહીમાં રહે છે. ‘મ કાર’ માંસમાં વ્યાપેલો છે. ‘શિ-કાર’ શરીરની ચરબીમાં વ્યાપ્ત છે. ‘વ-કાર’ હાડકાંઓમાં રહેલો છે. ‘ય-કાર’ માથામાં રહેલો છે. આવી રીતે સમગ્ર દેહમાં જે શિવમૂર્તિની કલ્પના કરે છે તે શિવને પામે છે.

‘નમઃ શિવાય’ મંત્રમાં નમઃ શબ્દ જીવવાચક છે. શિવ પરમાત્માવાચક છે. ‘શિવાય” માં “અય” શબ્દ જીવ અને શિવનું તાદાત્મ્ય બતાવે છે. આ રીતે ૐ નમઃ શિવાય મંત્રથી જીવ અને શિવનું મિલન થાય છે.
નમ: પદં તત્ખલુ જીવવાચિ
શિવ: પદં તત્પરમાત્મવાચિ!
ગયેતિ તાદાત્મ્યપદં તદેતત્‌
નમ: શિવાયેતિ જગાદ મન્ત્ર:!!
(અનુભવ સૂત્ર 6-46)
જ્યોતિર્લિંગ સંમુખ મન્ત્રજપ કરવાથી શીઘ્ર ફળ મળે છે.

Most Popular

To Top