World

અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘર પર FBIના દરોડા

નવી દિલ્હી: અમેરિકા(America)ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ(Former president) ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ના ફ્લોરિડા(Florida)માં માર એ લાગો રિસોર્ટ(Mar-a-Lago Resort) પર FBIએ દરોડા પાડ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે એક નિવેદન જહેર કરી આ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે એફબીઆઈ અધિકારીઓએ પામ બીચ પર સ્થિત માર એ લાગો પર દરોડા પાડ્યા છે અને તેને જપ્ત કરી લીધો છે. આ દરમિયાન તેઓની તિજોરી પણ તૂટી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એફબીઆઈનો આ દરોડો રાષ્ટ્રપતિના સત્તાવાર કાગળોની શોધમાં છે, જે ટ્રમ્પના વ્હાઇટ હાઉસ છોડ્યા પછી ફ્લોરિડા લાવવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે એફબીઆઈએ દરોડા પાડ્યા ત્યારે ટ્રમ્પ ફ્લોરિડામાં હાજર ન હતા.

દેશ માટે આ કાળો સમય છે- ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું, આપણા દેશ માટે આ કાળો સમય છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે આવું ક્યારેય બન્યું નથી. સંબંધિત સરકારી એજન્સીઓ સાથે કામ કરવા અને સહકાર આપવા છતાં, મારા ઘર પર આ અઘોષિત દરોડા વાજબી નથી. ટ્રમ્પે કહ્યું છે કે આ દરોડા ન્યાય પ્રણાલીનો દુરુપયોગ છે. આ રેડિકલ લેફ્ટ ડેમોક્રેટ્સનો હુમલો છે, તેઓ નથી ઈચ્છતા કે હું 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડું. તેણે આ ઘટનાને હુમલો ગણાવ્યો છે અને કહ્યું છે કે આ બધું ફક્ત ત્રીજા વિશ્વના દેશોમાં જ થઈ શકે છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે અમેરિકા પણ તે દેશોમાંથી એક બની ગયું છે, જે પહેલા ક્યારેય જોવા મળ્યું નથી.

ટ્રમ્પ ફ્લોરિડામાં હાજર નથી
અમેરિકન મીડિયા અનુસાર, દરોડા દરમિયાન ટ્રમ્પ ફ્લોરિડામાં તેમના નિવાસસ્થાને હાજર ન હતા. તેઓ ન્યુયોર્કમાં હતા.અધિકારીઓ ટ્રમ્પની ઓફિસ અને પર્સનલ ક્વાર્ટર પર ફોકસ કરીને સર્ચ કરી રહ્યા છે. ન્યાય વિભાગ અને વ્હાઇટ હાઉસે આ મામલે નિવેદન બહાર પાડ્યું નથી. ન્યાય વિભાગ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બે કેસની તપાસ કરી રહ્યું છે. પહેલો કેસ 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને ઉલટાવી દેવાના પ્રયાસના સંબંધમાં અને બીજો કેસ દસ્તાવેજોના હેન્ડલિંગના સંબંધમાં. ટ્રમ્પ પર રાષ્ટ્રપતિ ભવન છોડતી વખતે બોક્સ ભરીને કાગળો લઈ જવાનો આરોપ છે. તે બોક્સમાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ હતા. ટ્રમ્પે નેશનલ આર્કાઈવ્સના લગભગ 15 બોક્સ પણ પોતાની પાસે રાખ્યા હતા. કાર્યવાહીની ધમકી બાદ તે પરત ફર્યો હતો. જો કે, હવે પૂર્વ રાષ્ટ્રપતિના નિવાસસ્થાને દરોડા અંગે ઘણી બધી વાતો થવા લાગી છે. એપ્રિલ-મેમાં પણ તપાસ એજન્સીએ આ કેસમાં ફ્લોરિડામાં ટ્રમ્પના નજીકના મિત્રોની પૂછપરછ કરી હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે એફબીઆઈના હાથમાં કેટલાક મહત્વપૂર્ણ પુરાવા હશે, તો જ તેઓ ન્યાયાધીશો પાસેથી સર્ચ વોરંટ મેળવી શક્યા હોત.

Most Popular

To Top