SURAT

સુરત: આદિવાસી દિવસની શહેરમાં ધામધૂમથી ઉજવણી, 12 હજારથી વધુ લોકો રેલીમાં જોડાયા

સુરત: સુરત (Surat) શહેરમાં આદિવાસી સમાજ (Adivasi samaj) દ્વારા આજે વિશ્વ આદિવાસી દિવસની (World Indigenous Day) ઉજવણીના ભાગ રૂપે રેલીનું (Rally) આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 કલાકે સુરતના ઉધના માનદરવાજા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની વિધિવત પૂજા કરી આ રેલી આગળ પ્રસ્થાન કરી અઠવાગેટ ખાતે પૂર્ણ થશે. આ રેલીમાં 11 જ્ઞાતિ મંડળના સભ્યો તેમજ 16 યુવક મંડળો હાજર રહેશે. આ રેલીમાં 10 અલગ અલગ ટ્રેક્ટરમાં આદિવાસી સમાજની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.

9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત ખાતે રેલીનું આયોજન કરી વિશ્વ આદિવાસી દિવસની સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સુરત શહેરમાં ટ્રેક્ટર રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી. આ રેલીનો પ્રારંભ ઉધના માનદરવાજા ડૉ, બાબા સાહેબની પ્રતિમાથી કરવામાં આવ્યો હતો. ત્યારે બાદ આદિવાસી સમાજની ઝાંખીનું પ્રદર્શન કરતા રેલી રીંગરોડ થઈ સિવિલ ચાર રસ્તા થઈ મજુરાગેટ પહોંચી હતી. ત્યાર બાદ ટ્રેક્ટર રેલી અઠવાગેટ થઈ જિલ્લા સેવા સદન થઈ ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં એસ.એમ.સી. અઠવા પાર્ટી પ્લોટ મેદાન ખાતે પૂર્ણ કરી હતી. આ રેલીમાં મહિલા, બાળકો, વડિલો સહિત 10થી 12 હજાર લોકો જોડાયા હતા.

શહીદ બિરસામુંડાના બલિદાનની ઝાંખી રજૂ કરવામાં આવશે
આ વર્ષે આદિવાસી સમાજની થીમ શહિદ બિરસામુંડા, ડૉ બાબા સાહેબ, તેમજ સ્વત્રંત્રતામાં જે આદિવાસીઓએ બલિદાન આપ્યા છે તેમના માનમાં, માનગઢ કિલ્લાની ઝંખી 10 ટ્રેક્ટરોમાં રજૂ કરવામાં આવી હતી. તેમજ આદિવાસ સમાજની મહિલાઓ પરંપરાગત ઘરેણાં, ડ્રેસ તેમજ રીત-રિવાજો મુજબ પહેરવેશ સાથે વાંજીત્રો, હથિયારો, પારંપારિક ઘરેણાં ધારણ કરી આદિવાસી સમાજ સાથે થતાં અન્યાયને વાચા આપી હતી. આદિવાસી સમાજનો ઝંડો તેમજ રાષ્ટ્ર ધ્વજ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજના આગેવાનો પણ રેલીમાં હાજર રહ્યા હતા. આદિવાસી સમાજની મહિલાઓ અને બાળકો આદિવાસી સંસ્કૃતિની કલા પ્રદર્શન કર્યું હતું. આ રેલીમાં ઢીંગલા બાપા, આદિવાસી નૃત્યો-ભીલો ગીતો, આદિવાસી સંસ્કૃતિ બચાવે-આદિવાસી બચાવો, પર્યાવરણ બચાવો-આદિવાસી બચાવો જેવી થીમ સાથે 10 ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી.

આદિવાસી સમાજ દ્વારા શહેરમાં વિશાળ રેલી બાદ અઠવાગેટ ખાતે મેદાનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં શહીર બિરસામુંડાના જીવનચરિત્ર પર નાટક રજૂ કરવામાં આવશે. આ સિવાય આદિવાસીઓ અને પ્રકૃતિ સાથેનો નિસ્વાર્થ પ્રેમ પણ રજૂ કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત પહેલા પ્રકૃતિ પૂજા કરવામાં આવશે તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. સુરત સહિત સમગ્ર જિલ્લામાંથી આદિવાસીઓ આ રેલીમાં જોડાયા હતા.

Most Popular

To Top