SURAT

આવો પતિ તેની પત્નીની નજીક જઈ શકે નહીં, સુરતની કોર્ટનો આદેશ

સુરત: ચારિત્ર્ય પર શંકા રાખી દારૂડિયા પતિ દ્વારા મારઝૂડ અને માનસિક ત્રાસના એક ચાલુ કેસમાં પતિને શિક્ષિકા પત્નીના કામના અને રહેઠાણના સ્થળે ન જવાનો કોર્ટે વચગાળાનો હુકમ કર્યો હતો. પતિનો ત્રાસ ચાલુ કેસમાં રેકર્ડ પર આવતા કોર્ટે પત્નીની તરફેણમાં હુકમ કર્યો હતો.

  • ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીને હેરાન કરતાં પતિને શિક્ષિકા પત્નીના કામના અને રહેઠાણના સ્થળે ન જવાનો કોર્ટનો હુકમ
  • પતિનો ત્રાસથી પરેશાન પત્નીએ ફેમિલી કોર્ટમાં કેસ કર્યો હતો , આ કેસ ચાલતો હોવા છતાં પતિ દ્વારા હેરાનગતિ ચાલુ રહેવાનું રેકર્ડ પર આવતા કોર્ટે પત્નીની તરફેણમાં રક્ષણાત્મક આદેશ કર્યો

કેસની વિગત એવી છે કે એશ્વર્યા મરાઠે( નામ બદલ્યું છે)ના લગ્ન લિંબાયતમાં રહેતા અજય મરાઠે( નામ બદલ્યું છે) સાથે 2006માં થયા હતા. એશ્વર્યા સરકારી સ્કૂલમાં શિક્ષિકા છે. અજયે લગ્નના થોડા મહિનાઓ બાદ એશ્વર્યાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અજયને દારૂ પીવાની ટેવ હતી તે દારૂ પીને પત્નીને ત્રાસ આપતો હતો. પત્ની અને સંતાનોને માર મારતો હતો. એશ્વર્યાનો પગાર પણ અજય મારઝૂડ કરીને લઈ લેતો હતો. એશ્વર્યાને નોકરી પરથી આવતા થોડું મોડું થતું ત્યારે અજય તેના ચારિત્ર્ય પર શંકો કરી ત્રાસ ગુજારતો હતો. અજય કોઈ પણ કામધંખો સરખો કરતો ન હતો. 2019માં અજય પત્ની અને સંતાનોને છોડીને જતો રહ્યો હતો ત્યાર બાદ પણ અજય પત્નીને હેરાન પરેશાન કરતો હતો. પત્નીના કામના અને રહેઠાણના સ્થળે જઈને સતત ધાકધમકી આપતો હતો. તેથી એશ્વર્યાએ એડવોકેટ પ્રીતિ જોષી અને સંદિપ પટેલને મારફતે સુરતની કોર્ટમાં ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ દાદા માંગતી અરજી કોર્ટમાં કરી હતી.

અરજી ચાલુ હતી તે દરમિયાન પણ અજય એશ્વર્યાના કામના સ્થળે અને રહેઠાણના સ્થળે આવીને ધાકધમકી આપતો અને પગારની માંગણી કરતો હતો. એશ્વર્યા જ્યાં નોકરી કરે તે સ્કૂલના પ્રિન્સિપલને ફોન કરીને ગમે તેમ વર્તન કરતો હતો. આથી કોર્ટમાં રક્ષણ મેળવવા માટે વચગાળાની અરજી કરી હતી. જેના આધારે અધિક સિનિયર સિવિલ જજ એમ.વાય સ્વામીએ અરજદાર પત્ની એશ્વર્યાની અરજી મંજૂર કરીને અરજદાર પત્ની જ્યાં રહે છે ત્યાં અને અરજદાર પત્ની જ્યાં કામ કરે છે ત્યાં સામાવાળા પતિ અજયે પ્રવેશ કરવો નહીં તેવો એશ્વર્યાના હિત અને કલ્યાણમાં હુકમ કર્યો હતો.

Most Popular

To Top