Columns

વાર્તાની વાર્તા

હા, આ વાર્તાની વાર્તા છે! આમાં ભાભો ઢોર ચારતા નથી પણ કેટલાક લેખકો ચારે છે પણ છેલ્લે ચપટી બોર પણ લાવતા નથી! હા, કેટલાક લેખકો એકદમ પ્રવાહી સ્વરૂપ હોય છે એટલે કે એમનું શરીર તો ઘન જ હોય પણ વ્યક્તિત્વ એકદમ પ્રવાહી હોય છે. તેઓ પાણી જેવા હોય છે. પાણી જે પાત્રમાં ભરો તેવો આકાર ધારણ કરે છે એ જ રીતે તેઓ જે પ્રકારનો માહોલ હોય તેવો આકાર ધારણ કરે છે. ટૂંકમાં ચાલતી ગાડીએ ચડી જાય છે. હાસ્યલેખનમાં માહોલ સારો હોય તો હાસ્યલેખો લખવામાં ઝંપલાવે છે. ચિંતનચૂર્ણ વાચકોને વધુ માફક આવતું હોય તો ચિંતનના ચાકડે ચડી જાય છે. નવલિકામાં રસ-કસ દેખાય તો તેઓ એક દિવસમાં નવ-નવ નવલિકાનો ઘાણ ઉતારવા માંડે છે.

તેથી મને પણ થયું કે આપણે હાસ્યલેખો ફટકાર્યા કરીએ છીએ તેની સાથોસાથ વાર્તામાં હાથ કેમ ન અજમાવવો? મને થયું કે વાર્તામાં ઝડપથી લોકપ્રિય થઇ શકાય એવું છે પણ આપણને લાંબી કે ટૂંકી એવી કોઈ વાર્તા લખવાનો મહાવરો નહિ તેથી મેં મારા મિત્રની સલાહ લીધી. મિત્રે કહ્યું, નવલિકાઓ લખ એટલે કે ટૂંકીવાર્તાઓ લખ અને તેમાં પણ ખાસ કરીને લવસ્ટોરીઓ લખ જામી જશે. મિત્રની વાત સાચી હતી. આજકાલ ગમે તેવી લવસ્ટોરી જામી જાય છે. લવ ભલે લાંબો ન ચાલે પણ સ્ટોરી તો લાંબી ચાલે જ! એટલે કે ચાલતી ગાડીએ ચડી જવા જેવું ખરું.

પણ જેમ સરકસનો રીંગ માસ્ટર પ્રાણીઓ પાસે ખેલ કરાવતો હોય તેમ દર અઠવાડિયે બે પાત્રો પાસે પ્રેમનો ખેલ કરાવવો એ મારા માટે બહુ અઘરું કામ હતું. હા એવા ખેલમાંથી હું હાસ્ય પ્રગટાવી શકું ખરો. પણ ‘અષાઢ સુરતી’ અને ‘હેલી હાલારી’ ને એકબીજા સાથે પ્રેમ કરાવવો તે મારા માટે સહારાના રણમાં વરસાદ વરસાવવા જેવું અઘરું કામ હતું. ‘અષાઢ સુરતી’ અને ‘હેલી હાલારી’ આ બધા છાપાની અઠવાડિક વાર્તાઓના રોકડા પાત્રો છે. આ જ વાર્તા ઉનાળામાં લખાય તો ‘વિષમ સુરતી’ અને ‘ઉષ્મા’ એવા પાત્રો હોઈ શકે. આવા નામ વાંચીને ક્યારેક આપણને એવું પણ લાગે કે આપણે વાર્તા વાંચીએ છીએ કે ખગોળ ભૂગોળ ભણીએ છીએ? મેં ફરીથી મિત્ર સામે સમસ્યા રજૂ કરી કે યાર, દર અઠવાડિયે બે પાત્રોને ઓર્ડર મુજબ પ્રેમ કરાવવો એ બહુ અઘરું કામ છે.

 મિત્ર મારા પર ખિજાયો, ‘ડોબા, TVની સીરિયલો નથી જોતો? માણસ TV સીરિયલ 6 મહિના જુએ એટલે ઓછામાં ઓછા 3 વર્ષ સુધી વાર્તાઓ લખી શકે એટલો મસાલો મળી જાય.’ અરે ભગવાન આજ મને સમજાયું કે TV સીરિયલોની- એકતા કપૂરની સીરિયલોની અવગણના કરીને કેટલું બધું ગુમાવ્યું છે. મિત્રના માર્ગદર્શન મુજબ મેં નિર્ધાર કર્યો કે TV સીરિયલનેય આંટી જાય એવી લવસ્ટોરીઓ લખવી. આ લવસ્ટોરીઓ એવી હોવી જોઈએ કે મધરાતે વાચકની ઊંઘ ઊડી જાય અને દિવસે ઊંઘ આવવા માંડે, વાચક સાનભાન ભૂલી જાય.

ખાવાનું ભૂલી જાય, ઊછીના લીધેલાં નાણાં ચૂકવવાનું ભૂલી જાય, ઓફિસે જવાનું ભૂલી જાય છતાં ઓફિસે જાય તો બોસે સોંપેલા કામ ભૂલી જાય, ડાયાબિટીસ અને BPની દવાનું સેવન કરવાનું ભૂલી જાય. પત્નીએ મંગાવેલી ચીજો લાવવાનું ભૂલી જાય અને પાડોશણની ચીજો લેતો આવે. વીજબિલ ચૂકવવાનું ભૂલી જાય અને હંસાબેનનું ગેસનું બિલ ભરતો આવે. બસ! બધું જ ભૂલી જાય. તેને યાદ રહેવી જોઈએ એક માત્ર અમારી લખેલી લવસ્ટોરી અને તેના પાત્રો. આવું મનોમન નક્કી કર્યું અને દૃઢતાપૂર્વક તે માર્ગે આગળ વધવા માટે કદમ ઉઠાવ્યા. કદમ નહીં સોરી કલમ ઉઠાવી.

બે પાત્રો નક્કી કર્યા ‘કદંબ’ અને ‘લજામણી’ એટલે કે આ કોઈ ફોરેસ્ટ ખાતાનો મામલો નથી કે ‘જંગલ મેં મંગલ’ વાળી વાત નથી. વાર્તાના આ બંને પાત્રો સ્ત્રીપાત્રો પણ નથી. તેથી ગેરસમજ ન કરવી. આધુનિક વાર્તામાં ગેરસમજ થવાની સંભાવના ઘણી હોય છે માટે યાદ રાખો કે કદંબ એક યુવાન છે, તે હળવી દાઢી રાખે છે. કોહલી કટ વાળ રાખે છે. આમ છતાં જો ગરબડ થાય તો વાર્તામાં કદંબ લખ્યું છે ત્યાં કદંબો વાંચવું એટલે વસ્તુસ્થિતિ આપોઆપ સ્પષ્ટ થઇ જશે.

 જો કે આમાં કશું સ્પષ્ટ ન થાય તો પણ મજા આવશે કારણ કે છેલ્લે સુધી કશું સ્પષ્ટ જ ન થાય તેની પણ એક મજા હોય છે. હવે સમસ્યા એ ખડી થાય કે બંનેને પ્રેમ કઈ રીતે કરાવવો? કારણ કે કૂતરા હુડદ્દાવતા હોય એમ પ્રેમ ન કરાવી શકાય. હા, વાર્તામાં બંનેએ એકબીજાને ઘણી વાર જોયા છે પણ રૂબરૂ વાત કરી નથી. વળી તે સ્માર્ટફોન કે સોશ્યલ મીડિયાનો જમાનો નહોતો. આમ છતાં બંને પોતાને ઘેર હોય ત્યારે બંનેના આત્માઓનો સંવાદ તો 24 કલાક ચાલ્યા જ કરતો હોય. પિતાજી બાજુમાં બેઠા હોય તો પણ યુવા દિલનો આત્મા સંવાદ તો સાધી શકે. એટલે તો કહ્યું છે કે આત્માને પવન સૂકવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી અને પિતાજી જાણી શકતા નથી. તેથી કદંબ અને લજામણીના આત્માને પ્રેમવટી ખવડાવીને સંવાદ કરતા કર્યા.

પછી તે સંવાદોને મેં એક જુદા કાગળમાં લખ્યા પછી જેટલી વાર વાંચ્યા તો તે દરેક વખતે મને કંઈક ને કંઈક ચડિયાતા લાગ્યા. છેવટે મને થયું કે બસ જામી ગયું તેથી આટલી સ્ટોરી બીજા એક મિત્રને વંચાવી. મિત્ર તો આ અદભુત ચીજ વાંચીને ઊભો થઇ ગયો પણ તે સંવાદો વાંચીને બોલ્યો કે આ શું? ‘જંગલમેં મંગલ’ વાળી કથા છે, પંચતંત્રની વાર્તા છે કે ઈસપની બોધકથાઓ છે? મેં કહ્યું, ‘ડફોળ આ નવલિકા છે, લવસ્ટોરી છે.’ તેણે કહ્યું, ‘લવસ્ટોરી છે તો પછી આમાં ‘કદંબ’ અને ‘લજામણી’ એવાં વૃક્ષોની વાત કેમ છે?’ મેં તેના હાથમાંથી વાર્તા આંચકી લીધી.  જો કે આજકાલ આ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઘણી વાર પાત્રોના નામ વાંચીને આપણે નક્કી જ ન કરી શકીએ કે આ વૃક્ષોની વાર્તા છે, પશુપંખીની વાર્તા છે કે જળચર જીવોની વાર્તા છે. ઘણી વાર પાત્રોના નામ પરથી એ પણ ખબર નથી પડતી કે તે પુરુષ છે કે સ્ત્રી! ( અને જરૂર પણ નથી.)

 આવી વાર્તાઓ લખવાનો મૂળભૂત રીતે આપણને મહાવરો નહીં એટલે મહામહેનતે બંનેને એક ટ્રેનના જનરલ ડબ્બામાં ચડતી વખતે થતી ધક્કામુક્કીના માધ્યમથી પ્રેમ કરાવ્યો. પછી તો બંને પોતાના માટે રોકેલી જગ્યાઓ એકબીજા માટે કુરબાન કરવા લાગ્યા. એમનો આગ્રહ એટલો ઉચ્ચ કક્ષાએ ગયો કે ‘એક બેસે ને બીજું પાત્ર ઊભું રહે’ તેના કરતાં બંનેએ ઊભા રહેવાનું પસંદ કર્યું. તેથી ત્યાં કોઈ ત્રીજો જ બેસી ગયો.( આને કહેવાય બેમાં ત્રીજો ફાવે!) વળી એક હળવા વિવેચકે કહ્યું કે આમાં કદંબ મલ્ટિનેશનલ આયુર્વેદિક કંપનીમાં મેનેજર છે તો પછી તેને ટ્રેનના AC કોચમાં જ બેસાડાય ને! અરે ભલા માણસ ટ્રેનને બદલે સીધો પ્લેનમાં જ બેસાડો તો તમારે ક્યાં ખિસ્સામાંથી ભાડું દેવું પડે છે?  મેં કહ્યું, ‘‘તો પછી બંને વચ્ચે પ્રેમ કઈ રીતે કરાવવો!? પ્લેનમાં કે AC કોચમાં તો ધક્કામુક્કી થાય નહીં અને એમને એમ પ્રેમ પ્રગટાવવાનું આપણને ફાવે નહીં. જનરલ ડબ્બામાં આવું બધું થઈ શકે.’’

 બસ પછી તો પ્રેમ પૂરબહારમાં ખીલી ઊઠ્યો પણ હવે લોકહૃદયને આંચકો આપે એવું તો કંઈક આવવું જોઈએ ને! રસ્તામાં ય આંચકા આવે તો જીવનમાં કેમ ન આવે? એટલે મેં ફરીથી મિત્રની સલાહ લીધી. તો મિત્રે કહ્યું કે હવે તે યુવતીને ઉતાવળમાં કોઇ અજાણ્યા સ્ટેશને ઉતારી દે. બસ પછી તો મેં લજામણીને અચાનક સ્ટેશન પર ઉતારી દીધી અને ટ્રેન ઉપડી ગઇ. હવે તે અજાણ્યા સ્ટેશન પર ભટકે છે અને બીજી અજાણી ટ્રેનમાં બેસી જાય છે. તે ગુજરાત પાર કરી બીજા રાજ્યમાં ચાલી જાય છે. ત્યાં અજાણ્યા રેલવે સ્ટેશન પર તે નિરાધાર અવસ્થામાં ભટકે છે. પછી તે દુબળીપાતળી અને કાળી બની ગઈ છે. તેનું શરીર હાડપિંજર બની ગયું છે. અલબત્ત અંતમાં પાછું તેનું શરીર હતું તેવું જ સુંદર અને ઘાટીલું બનાવી દેવું પડશે. મેં મિત્રને કહ્યું, ‘‘આટલે સુધી થયું. હવે શું કરવું?’’

 મિત્રે કહાની વાંચીને કહ્યું, ‘‘એકદમ બક્વાસ છે. સ્ટેશન પર ભટકનારી યુવતી એકદમ દૂબળી, પાતળી અને કાળી ન ચાલે. તે ભલે ભટકતી હોય છતાં પણ ગોરી અને ઘાટીલી હોવી જોઈએ.’’ તેણે કહ્યું, ‘‘તું છાપાની પૂર્તિઓ નથી વાંચતો? તેની વાર્તાઓ નથી વાંચતો? જેમાં યુવતી રખડતી હોય, ભટકતી હોય, નિરાધાર હોય, પાગલ હોય છતાં પણ ગોરી, ઊંચી, ઘાટીલી અને સુંદર તો હોય જ. ભલે તેને કમળો, ટાઈફોઈડ કે કોલેરા થયા હોય છતાં તે સુંદર તો હોય જ. આટલે સુધી વાર્તા પહોંચાડ્યા પછી મને ખ્યાલ આવ્યો કે ‘વાર્તામાં તો ડગલે ને પગલે વાર્તા કરવી પડે એવું છે.’ હવે દૂબળી, પાતળી યુવતીને ગોરી, રૂપાળી કેવી રીતે બનાવવી? હું મુંઝાઈ ગયો! છેવટે થયું કે વાર્તાનો વરઘોડો કાઢીએ ને જાન લીલા તોરણે પાછી ફરે તો આપણી આબરૂ શું? એટલે પછી વિચાર્યું કે ‘મેલ કરવત…!’ અને એ જ વાર્તામાંથી હાસ્યલેખ રાંધી નાખ્યો!

ગરમાગરમ
એક વિદ્યાર્થીએ મને જણાવ્યું કે ‘‘અમારી B.Ed. કોલેજમાં આમ તો બધા જ પ્રોફેસરો સારું ભણાવે છે પણ એક પ્રોફેસર એવા છે જે અત્યંત કંટાળાજનક ભણાવે છે. પીરિયડ પૂરો કરવો અઘરો પડી જાય છે. આવાને કોલેજમાં શું કામ રાખતા હશે?’’ મેં કહ્યું, ‘‘B.Ed. એ, ‘કેમ ભણાવવું’ તેની તાલીમ આપતો અભ્યાસક્રમ છે. તેમાં આવાને એટલા માટે રાખે કે તેનાથી વિદ્યાર્થીઓને ખબર પડે કે ‘કેવું ન ભણાવાય!’ તો જ સંપૂર્ણ તાલીમ થઈ ગણાય ને!

Most Popular

To Top