Columns

અમેરિકા કે કેનેડા?

igજરાતમિત્ર’ની ‘દર્પણ’ પૂર્તિમાં છેલ્લાં 15 વર્ષથી દર બુધવારે મારા જે અમેરિકાના વિઝાને લગતા લેખો પ્રકાશિત થાય છે અને કોઈક કોઈક વાર હું કેનેડાના સ્ટુડન્ટ વિઝા તેમ જ પરમેનન્ટ રેસીડન્ટ એટલે કે PRને લગતા લેખો લખું છું એ વાંચીને અનેક વાચકો ફોન કરીને પૂછે છે કે જો પરદેશમાં ભણવું હોય, બિઝનેસ કરવા જવું હોય, નોકરી કરવા જવું હોય, સ્થળાંતર કરીને કાયમ રહેવા જવું હોય તો કયો દેશ સારો? અમેરિકા કે કેનેડા?

વાચકો મિત્રો, ભારતના લાખો લોકોને આ જ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. ફરવા માટે અમેરિકા જઈએ કે કેનેડા? સંતાનોને ભણવા માટે અમેરિકા મોકલાવીએ કે કેનેડા? નોકરીની તકો કયા દેશમાં વધારે છે? બિઝનેસ કરવો હોય તો કયો દેશ વધુ સારો? કાયમ રહેવા જવું હોય તો કયા દેશમાં જવું જોઈએ? અમેરિકા કે કેનેડા? તમારા મનમાં આ સવાલ ઉદભવે એ વાજબી છે પણ આનો જવાબ તમારે જાતે જ, તમારી જાતને આપવાનો રહે છે.

તમારી આર્થિક પરિસ્થિતિ કેવી છે? તમારાં સગાંસંબંધીઓ, ઓળખીતાપાળખીતાઓ, મિત્રો વધારે પ્રમાણમાં કયાં રહે છે? કયા દેશમાં રહેતા લોકો તમને વધુ પડતો સપોર્ટ આપે એમ છે? કયાં સુધી ભણેલા છો? કયા વિષયમાં વધુ અભ્યાસ કરવો છે? શેનો બિઝનેસ કરો છો? ઉંમર કેટલી છે? પરણેલા છો કે કુંવારા? શું ગમે છે, એકલતા કે ગીચપણું? ઠંડો પ્રદેશ માફક આવે એમ છે કે પછી બારે માસ હવામાન સમતોલ હોય એવી જગ્યાએ રહેવાનું તમને પસંદ છે? અંગ્રેજી બોલતા ફાવે છે? ફ્રેન્ચમાં વાતચીત કરી શકો છો? આવા અનેક પ્રશ્નોના ઉત્તરો ઉપર તમારે અમેરિકા જવું જોઈએ કે કેનેડા એનો જવાબ અવલંબિત રહે છે.

કેનેડા અમેરિકા કરતાં અનેકગણો મોટો દેશ છે પણ એની વસતિ અમેરિકા કરતાં દસમા ભાગની છે. ત્યાંના મોટાં શહેરો જેવા કે ટોરેન્ટો, મોન્ટ્રિયલ, વાનકુંવર સિવાયના અન્ય નાનાં શહેરોમાં વસતિ ખૂબ જ પાંખી છે. સૌથી મોટા અને સૌથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં પણ આપણા સુરત કરતાં વસતિ ઓછી છે. સાંજના પાંચ-છ વાગ્યા પછી તો ત્યાંના શહેરોના રસ્તાઓ સૂમસામ થઈ જાય છે. અમેરિકામાં પણ ભારતની સરખામણીમાં વસતિ ખૂબ જ ઓછી છે. આમ છતાં કેનેડાની સરખામણીમાં અમેરિકાની વસતિ 10 ગણી વધારે છે.

કેનેડા અમેરિકાની ઉત્તરમાં, ઉત્તર ધ્રુવની નજીક આવેલો હોવાથી ત્યાં બારે મહિના ઠંડી રહે છે. એના અડધાથી વધુ પ્રદેશોમાં તો વર્ષના 6 મહિના બરફ છવાયેલો હોય છે. શિયાળામાં ટોરેન્ટો જેવા શહેરમાં પણ પારો 0 ડિગ્રીથી નીચે જઈને માઈનસ 20 સુધી પહોંચતો હોય છે. અમુક યુનિવર્સિટીઓ કેનેડામાં ખૂબ જ સારી છે. અમેરિકાની યુનિવર્સિટીઓની સરખામણીમાં કેનેડામાં ભણતરનો ખર્ચો અડધો અને અનેક યુનિવર્સિટીમાં તો પા ભાગનો હોય છે પણ ભણી રહ્યા બાદ અમેરિકામાં નોકરી કરતાં તમને જે પગાર મળે છે એના કરતાં કેનેડામાં ભણી રહ્યા બાદ સૌ પ્રથમ તો નોકરી મેળવવા માટે ફાંફાં મારવા પડે છે. તમે જે વિષયમાં અભ્યાસ કર્યો હોય એ ક્ષેત્રમાં નોકરી ખૂબ  નસીબદાર હશો તો જ સાંપડશે. કેનેડામાં કોઈને પણ નોકરીએ રાખતા પહેલાં એ વ્યક્તિ પાસે કેનેડિયન એક્સપીરિયન્સ છે કે નહીં એ તેઓ જાણવા માંગે છે. જો કે ભણી રહ્યા બાદ કેનેડામાં રહીને નોકરી કરવાની ત્યાંના કાયદાઓ અમેરિકા કરતાં વધુ પ્રમાણમાં છૂટ આપે છે.

જો તમે અમેરિકામાં ગ્રેજ્યુએટ થયા હોવ તો ભણી રહ્યા બાદ એક વર્ષ નોકરી કરવાની છૂટ આપતો ‘ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ’ પીરિયડ આપવામાં આવે છે. આ એક વર્ષમાં તમે ભણવા માટે જે ખર્ચો કર્યો હોય એ બધો જ પાછો મેળવી શકો છો. જો તમે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરીંગ યા મેથેમેટિક્સ આ વિષયોમાં અમેરિકાની યુનિવર્સિટીમાં માસ્ટર્સનો કોર્ષ કર્યો હોય તો તો તમને ભણી રહ્યા બાદ 1 વર્ષ નહીં પણ 3 વર્ષ ત્યાં રહીને નોકરી કરવાની છૂટ આપવામાં આવે છે. તમને 3 વર્ષ પ્રેક્ટિકલ ટ્રેનિંગના મળે છે.

આ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગના સમયમાં તમે જો ધારો તો H1B વિઝા માટે પ્રયત્ન કરી શકો છો. જો તમારું પિટિશન લોટરીમાં ચૂંટાય, તમારા લાભ માટે H1B વિઝાનું પિટિશન દાખલ કરાય અને એ મંજૂર થાય તો તમે 6 વર્ષ અમેરિકામાં નોકરી કરી શકો. એ દરમિયાન તમારા અમેરિકન માલિક તમારા માટે ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે અને તમે અમેરિકામાં કાયમ રહી શકો. ગ્રીનકાર્ડ મળ્યા બાદ 5 વર્ષ પછી તમે અમેરિકન સિટિઝન બનવાની અરજી કરી શકો. તમે જો અમેરિકન સિટિઝન જોડે લગ્ન કરો યા ગ્રીનકાર્ડધારક જોડે લગ્ન કરો તો પણ તમને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળી શકે. કેનેડામાં વસતિ ખૂબ જ ઓછી છે આથી કેનેડા પરદેશીઓને પોતાને ત્યાં આવકારે છે.

દર વર્ષે 4 લાખ પરદેશીઓને પોતાને ત્યાં આવવા દેવા એવું કેનેડાએ ઠરાવ્યું છે પણ કેનેડા ભણેલાગણેલા, અનુભવી, ધનિક અને શિક્ષિત તેમ જ યુવાનોને જ પોતાને ત્યાં આવવા દે છે. હવે તમારે જ નક્કી કરવાનું છે કે તમારા માટે કયો દેશ સારો છે? આવતા અઠવાડિયે તમને કેનેડામાં ભણવા જવું હોય તો ‘સ્ટડી પરમિટ’ અને અમેરિકાના સ્ટુડન્ટ વિઝા PR કેમ મેળવી શકાય એ વિશે માહિતી આપવામાં આવશે.

Most Popular

To Top