Columns

ઇરાનમાં દબાયેલી સ્ત્રીઓની સ્પ્રિંગ ઊછળી પડી, શાસન અવાચક રહી ગયું

ઇરાનની પ્રજા ખાનગીમાં જરથોસ્તી ધર્મ (ઇસ્લામના આગમન પૂર્વેનો ઇરાન, પર્શિયાનો ધર્મ) તરફ ઢળી રહી છે. કેટલાક ખાનગીમાં તો અમુક જાહેરમાં જરથોસ્તી રીતરિવાજો અને ધર્મ અપનાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ અહેવાલો છપાયા ત્યારે જ ઇરાનના રૂઢિવાદી શિયા ઇસ્લામી શાસકોએ સાવચેત બનવાની જરૂર હતી પણ સાવચેત બનીને તેઓ કરે શું? વધુ કડક બને તો પણ એક દિવસ દબાયેલા લોકોનો રોષ ફાટી નીકળે અને છૂટછાટ આપે તો પણ લોકોને ગુસ્સો કાઢવાની તક મળી જાય. આજનો યુગ નરેન્દ્ર મોદી કહે છે તેમ યુધ્ધ લડવાનો નથી, ત્રાસવાદી કૃત્યો આચરવાનો પણ રહ્યો નથી કે લોકોને દબાવી, ધમકાવી સત્તા ભોગવવાનો નથી.

જયાં લોકો શિક્ષિત નથી અને ટેકનોલોજી ચલનમાં નથી ત્યાં હજી તાનાશાહોનું શાસન ડઝન-બે ડઝન વરસ ચાલશે. પરંતુ આજની ટેકનોલોજી સારા લોકોના વિચારો, વર્તનને આદર આપે છે. સમાજની બહુમતી પ્રજાને અભિપ્રાયની છૂટ આપે છે અને સમાજમાં બહુમતી પ્રજા સારી છે. હજારો વરસથી ચાલતું આવ્યું છે કે ક્રૂર, દગાબાજ, બેશરમ, વિકૃત અને પરપીડનવૃત્તિ ધરાવતા લોકો જ સમાજ પર કબજો જમાવી રાજ ચલાવતા આવ્યા હતા અને કયાંક કયાંક હજુ પણ એ જ સ્થિતિ છે પણ સમાજમાં આવા વિકૃતોની સંખ્યા ખાસ મોટી હોતી નથી.

સોશ્યલ મીડિયા અને પ્રત્યાયન, સંદેશવ્યવહારની નવી વ્યવસ્થામાં લોકો એક થઇને આવા વિકૃતો સામે અવાજ ઉઠાવી શકે છે. સમાજ અને પ્રજાના હિતમાં રાજ કરનારા શાસકો હતા પણ ખૂબ ઓછા. કયારેક પ્રજાના સદ્‌નસીબે અકસ્માતે જન્મતા હતા. આજના ઘણા રાજાશાહી શાસકો સમજી ગયા છે કે પ્રજાને વધુ સમય વધુ પ્રમાણમાં દબાવી શકાશે નહીં. ઘણા રાજવીઓનાં પોતાનાં સંતાનો જ પરંપરા કે વશમાં ચાલતાં નથી. જેમણે આવી સમજણ કેળવી છે તેઓ પ્રજાને ધીમે ધીમે છૂટછાટો આપી રહ્યા છે.

વધુ ને વધુ પ્રજાભિમુખ બન્યા છે પરંતુ 40 વરસ પૂર્વેની ઇસ્લામિક ક્રાન્તિના અનુસંધાને ઇરાનના શાસકોએ અમુક અતિ કડક નીતિઓ અપનાવી કે હવે પ્રજા શાસકોથી ખૂબ નારાજ છે. તેઓ વિમુખ બની વિરોધમાં જોડાઇ રહ્યા છે અને તે માટે મહસા અમીની નામની એક 22 વરસની નિર્દોષ યુવતીનું પોલીસ કસ્ટડીમાં મરણ થયું તે નિમિત્ત બન્યું છે. મહસા એક વિદ્યાર્થિની હતી અને એણે નિયમ મુજબ હિજાબ પહેર્યો હતો પરંતુ થોડો ઢીલો પહેર્યો હતો. વસ્ત્ર થોડું ઢીલું રહી ગયું તે બદલ ઇરાનની ધાર્મિક પરંપરા પોલીસે મહસાની ગઇ 16 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી. પરંપરાપાલન પોલીસે કસ્ટડીમાં મહસાને મારઝૂડ કરી અને માસૂમ કન્યા જુલમી તાનાશાહોના હાથે મરણ પામી. પ્રજાનો પરંપરા પોલીસ સામેનો 4-4 દસકથી દબાવી રાખેલો ગુસ્સો ફાટી નીકળ્યો.

ઇરાનના અનેક શહેરો અને નગરોમાં મહિલાઓ વિરોધ કરવા રસ્તા પર, ચોકમાં અને સરકારી કચેરીઓ સામે એકઠી થઇ. તેઓએ જાહેરમાં હિજાબના વસ્ત્રો સળગાવ્યાં. પોતાના લાંબા વાળ જાહેરમાં જ કાપીને મોરચો માંડયો. ઇરાનની સરકારે પોલીસ દમનનો આશરો લીધો. સ્ત્રીઓના ટેકામાં કેટલાક ઇરાની ભાઇઓ પણ આંદોલનમાં જોડાયા હતા. પોલીસે ગોળીબારનો આશરો લીધો. હિંસક અથડામણોમાં કેટલીક મહિલાઓ સહિત ઇરાન પોલીસના અમુક સિપાહીઓ પણ માર્યા ગયા. આ આંદોલન માત્ર ઇરાન પૂરતું સીમિત ન રહ્યું.

પડોશના ઇરાન અને અન્ય દેશોમાં ફેલાયું. ઇરાનની સરકારે પ્રથમ દિવસથી જ ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ્સ બંધ કરી દીધાં છે, જેથી આંદોલન વધુ જોર ન પકડે પરંતુ એલન મસ્કની સેટેલાઇટસ ઇન્ટરનેટ કંપની ઉપગ્રહો દ્વારા યુક્રેનમાં ઇન્ટરનેટ ચાલુ રાખવામાં સફળ થઇ અને રશિયાની મુરાદ પર પાણી ફેરવી દીધું તેવું એલન મસ્ક ઇરાનમાં કરવા ધારે છે. એમણે જાહેર કર્યું છે કે ઇરાનમાં લોકોને ઉપગ્રહ દ્વારા મફતમાં ઇન્ટરનેટ સેવા પૂરી પડાશે. તેના પર ઇરાનનો કાબૂ નથી. લાગે છે કે મસ્ક તેમ કરશે તો રાજાઓ પોતાની ખીજ પ્રજા પર કાઢશે.

મદાંધ લોકો ભવિષ્યના પરિણામોનો વિચાર કર્યા વગર કંઇ પણ એલફેલ બોલતા હોય, કરતા- કરાવતા હોય. રશિયાના પુતિને યુક્રેન પર અણુ બોમ્બની ધમકી આપી છે તેને યુરોપે તો ગંભીરતાથી લીધી છે અને અમેરિકા તેમ જ નાટો દેશોએ અગમચેતી તરીકે વળતાં પગલાંનો કાર્યક્રમ નક્કી કરી જ રાખ્યો હોય પરંતુ પુતિનના આ નિવેદનનું પરિણામ એ આવ્યું કે ખુદ રશિયન પ્રજા જ ડરી ગઇ છે.

પુતિન અણુ યુધ્ધ આદરે તો દુનિયા શાંત થોડી બેસી રહેવાની? સામે રશિયાના ઘણા બાપ બેઠા છે. જર્મની, ઇંગ્લેન્ડ, પોલેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડસ, ઇટલી વગેરે વગેરે. રશિયાના પિટર ધ ગ્રેટ બનવાની વ્યકિતગત મહેચ્છામાં 15 કરોડ પ્રજાના જીવ અધ્ધર લટકાવવાની કે બલિદાન કરવાની છૂટ પ્રજાએ પુતિનને શા માટે આપવી જોઇએ? તાનાશાહ, આપખુદ શાસકોને કયારેય સાચો ખ્યાલ આવતો નથી કે પ્રજા શું ઇચ્છે છે? આવે તો તેઓ પરવા પણ કરતા નથી. રશિયન પ્રજા અને વિદ્યાર્થીઓ હવે પુતિન સામે આંદોલને ચડયા છે કે અમારે યુધ્ધ જોઇતું નથી.

યુક્રેન સામે હારી રહેલા પુતિન બમણો જુગાર ખેલવા માગે છે. નવા લબરમૂછિયા, લશ્કરની તાલીમ નહીં પામેલા યુવાનોને પકડી પકડીને તેઓને લશ્કરમાં ભરતી કરી દેવામાં આવે છે. વિદાયવેળાએ સ્ટેશનો પર માતાઓ અને પુત્રો, બહેનો ચોધાર આંસુએ રડે છે. ટીનેજર યુવાનો શહેરોમાંથી ભાગીને દૂરદરાજના રશિયન ગામોમાં કે જંગલોમાં જતા રહ્યા છે જેથી તેઓને પકડીને લડવા માટે મોકલી દેવામાં ન આવે. અનેક હૃદયવિદારક કરુણકથાઓ સામે આવી રહી છે. રશિયાએ 80 હજારથી વધુ સૈનિકો અને લશ્કરના વડાઓ આ યુધ્ધમાં ગુમાવ્યા છે. પુતિનને આ બધું દેખાતું નથી. એણે રશિયાના પિટર ધ ગ્રેટ (બીજા) અથવા પુતિન ધ ગ્રેટ બનવું છે.

આવું જ રશિયાના મિત્ર દેશ ઇરાનના શાસકો કરી રહ્યા છે. એક તથાકથિત ભૂલ માટે એક યુવતીને કસ્ટડીમાં મારી નાખવી એટલે શું? અવિચારી કૃત્યનો પડઘો એ પડયો કે હિજાબની સરેઆમ બેઇજ્જતી થઇ. અગાઉ ફ્રાન્સ, જર્મની અને ભારતમાં હિજાબના વિવાદો થયા છે અને ભારતમાં હજી ચાલી રહ્યો છે પણ એક ઇસ્લામિક સંસ્કૃતિના દેશ અને શાસનમાં જ હિજાબનો વિરોધ થાય તે અસાધારણ કહેવાય. શાસનની પ્રેરણાથી મોટી ઉંમરની અમુક ઇરાની મહિલાઓએ હિજાબની તરફેણમાં એક સરઘસ કાઢયું પણ તેઓની દીકરીઓને, નવી પેઢીને હિજાબ પહેરવો નથી. પહેરે તો પણ પોલીસની ક્રૂર દાદાગીરી જોઇતી નથી.

જાગતિક મીડિયાના અહેવાલો પ્રમાણે ઇરાનમાં ઇસ્લામિક ક્રાન્તિને 4 દસક થયા તે દરમિયાન સ્ત્રીઓએ વધુ સહન કરવું પડયું છે. ઇરાન અને પર્શિયાની પ્રજા જગતની સૌથી બુધ્ધિશાળી અને સાહિસક પ્રજાઓમાંની એક છે. જો અમુક સામાજિક પ્રતિબંધો ન હોત તો તેઓ આજે દુનિયા પર રાજ કરતા હોત. છતાં આજે ઇરાનમાં જન્મેલાં કે ભણેલાં વિજ્ઞાનીઓ દુનિયાભરમાં ફેલાયેલા છે. અમેરિકા, યુરોપમાં તેઓની એક મોટી વસતિ છે. એ લોકો ઇરાનની વિફરેલી મહિલાઓને સોશ્યલ મીડિયાના માધ્યમ વડે મદદ કરે છે.

ઇરાનની સ્ત્રીઓ, બિઝનેસ વિમેનો ઇરાન છોડીને વિદેશોમાં ધંધાર્થે કે પ્રવાસમાં જાય ત્યારે બુરખો છોડીને ત્યાંનો આધુનિક પોશાક અપનાવે છે. મુંબઇમાં આવે તો જીન્સ અને શર્ટ ધારણ કરે છે. અંદરખાને તેઓ ઇચ્છે છે કે ઇરાનમાં નિયમોમાં છૂટછાટ અપાય અને કડક નિયમોને હળવા કરવામાં આવે. બીજો એક મોટો વર્ગ છે જે સુધારા ઇચ્છતો નથી અથવા સરકારની સાથે રહેવા માગે છે. 40 વરસ પૂર્વે આયાતોલ્લાહ ખૌમેનીએ ઇરાનમાં શાહ રઝા પહેલવીની લિબરલ અમેરિકા તરફી સરકારને દૂર કરીને ઇસ્લામિક ક્રાન્તિ આણી હતી. હવે એમનું સ્થાન અને સુપ્રીમ લીડરનો હોદ્દો શોભાવી રહ્યા છે તે પણ આયાતોલ્લાહ અલી ખામેની છે.

હમણાંનાં વરસોમાં એમણે શાસન અને વ્યવસ્થા તંત્રોમાંથી સુધારાવાદીઓને દૂર કર્યા છે અને પોતાના વિશ્વાસુ ધર્મધુરંધરોને એ જગ્યાઓ પર બેસાડયા છે. તેમાંના એક ઇરાનના કટ્ટરતાવાદી પ્રમુખ ઇબ્રાહિમ રઇસી પણ છે. પોતાનો અંકુશ મજબૂત કરવા માટે રઇસીએ હિજાબ અને પવિત્રતાના સંદર્ભમાં એક હુકમ બહાર પાડયો છે જેને કારણે પરંપરાનિભાવ પોલીસને વધુ સત્તા અને બળ મળ્યાં છે. CCTV કેમેરાની મદદ વડે તેઓએ અનેક સ્ત્રીઓને પકડીને પુન: શિક્ષણ કેન્દ્રોમાં દાખલ કરી છે. સ્ત્રીઓ પોલીસની આવી જોહુકમીથી ત્રાસી ગઇ હતી.

મહસાના મૃત્યુ બાદ જોતજોતામાં ઇરાનના 31 પ્રાન્તોમાં તોફાનો ફેલાઇ ગયા. લોકોએ 7 થી 8 મૌલવીઓને મારી નાખ્યા છે. લશ્કરનાં દળોને પણ ગાંઠયા નથી. પ્રમુખ રઇસીએ કાવતરાબાજો પર ગદ્દર ફેલાવવાનો આરોપ મૂકયો છે. 35થી વધુ લોકોના મરણ નીપજયા છે. ડઝનબંધ ઘવાયા છે. કેટલાક ગંભીર છે. લશ્કરના 5 જવાનો પણ માર્યા ગયા. હમણાં તો સ્થિતિ થાળે પડી છે. રઇસીએ વધુ કડક બનવાની ચેતવણી આપી છે.

નિરીક્ષકો કહે છે કે પ્રમુખ વધુ કડકાઇ અપનાવશે તો વધુ ખરાબ પરિણામો આવશે. ઇરાનમાં આજ સુધી લોકોએ લશ્કરના જવાનોને નિશાન બનાવ્યા ન હતા. ઇરાનમાં 2009માં સરકારવિરોધી તોફાનો થયા હતા પરંતુ રાજકારણ વધુ જવાબદાર હતું. 1979માં ઇસ્લામિક ક્રાન્તિ આવી ત્યાર બાદ 2009માં મોટા શહેરોમાં તોફાનો થયા હતા. આ વખતે વિરોધ અને તોફાનો નાના નગરો સુધી પહોંચ્યા છે.

ઇરાનના પુરુષોએ પણ સાર્વત્રિક નારા લગાવ્યા કે અમે અમારી બહેનો અને મહિલાઓની સ્વતંત્રતા અને જીવનનું રક્ષણ કરીશું. અમારી સ્ત્રીઓને અમારો ટેકો છે. જો આ ભાવના વ્યાપક હોય તો ઇસ્લામિક શાસન માટે જોખમકારક છે. આટલી વિશાળ સંખ્યામાં સ્ત્રીઓએ હિજાબનો બહિષ્કાર અને અપમાન કર્યું હોય તેવું અગાઉ બન્યું નથી. અમુક અહેવાલો કહે છે કે તેહરાનમાં મહસાએ હિજાબ ધારણ કરવાનો ઇન્કાર કરી દીધો હતો એટલે એની ધરપકડ કરવામાં આવી હતી.

સરકારે ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું છતાં લોકોએ સંદેશા, ચિત્રો, વીડિયોની આપ લે કરવાની તરકીબો પોતાની રીતે શોધી કાઢી હતી. વળી ઇન્ટરનેટ બંધ કરવામાં શાસન સફળ રહ્યું હશે તો પણ તોફાનો અને વિરોધને વ્યાપક બનતાં રોકી શકયું નથી. ઇરાનની બહાર વસતા મૂળ ઇરાનના અને બિનઇરાની મહાનુભાવો, સેલિબ્રિટીઓ, કલાકારો, ખેલાડીઓ વગેરેએ હિજાબ વિરૂધ્ધ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. ઇરાનની બહેનોને સમર્થન જાહેર કર્યું હતું. સરકાર હવે કિંકર્તવ્યમૂઢ બની ગઇ છે. આજે એવો જમાનો આવ્યો છે જેમાં પ્રજાને પ્રેમ અને વહાલથી સાચવશો તો જ તમારી બનીને રહેશે.

યુધ્ધ અને જોહુકમીના જમાના ગયા. નવી તરાહ એવી બની રહી છે કે જેમાં આપખુદ શાસકની પ્રજા પોતે કરીને વિરોધ નહીં કરે તો આખી દુનિયા એની મદદે આવશે. લોકશાહી દેશોની પ્રજા પોતાના શાસકોને ફરજ પાડશે કે ફલાણા દેશની પ્રજા કે ફલાણા દેશની મહિલા કે બાળકોની વહારે જાઓ. યુક્રેનમાં આપણે એ જોયું. હવે ઇરાનમાં થઇ રહ્યું છે. તેને કાવતરું ગણાવો તો કાવતરું અને માનવીય સંબંધોમાં પ્રગતિ ગણાવો તો પ્રગતિ પણ તે થઇને જ રહેવાના છે. રશિયા ગેસ ન આપે તો રશિયાની ઐસીતૈસી. તકલીફો સહન કરીને પણ યુરોપ-અમેરિકાની પ્રજા યુક્રેનની સાથે જ છે અને એ બળ વડે યુક્રેન ટકી રહ્યું છે.

Most Popular

To Top