Columns

કામ આપણા ભૂત- પલીત જેવા..

માણસથી કદાચ હવે જીન ડરતાં હશે. ‘ભાવેશભાઈ, તમને ખબર છે, આપણા ગામના તળાવ પાસે જીન રહે છે?’ કિરીટભાઈએ પોતાની બાજુના મકાનમાં નવા રહેવા આવેલા પાડોશીને જાણકારી આપી. ભાવેશભાઈ નવા ઘરની ઓસરીમાં શાંતિથી સવારના 10 વાગે હીંચકે ઝુલતા હતા, તો આ સાંભળીને એમણે હીંચકો અટકાવી દીધો. ‘અચ્છા…જીન એટલે પેલી અલાદ્દીનની વાર્તામાં આવતો હતો તે જીન ને?’

‘એ તો નહીં પણ એવા પ્રકારનો. જીન તો બહુ ભલા હોય! આપણને કાંઈ ન કરે. ગુંડા–બદમાશોને હેરાન કરે.’ કિરીટભાઈએ ઉત્સાહથી પોતાનું જ્ઞાન ઠાલવ્યું. ‘બસ ત્યારે હેરાન ન કરે પછી શું વાંધો છે આપણને હેં…? ભૂત હોય કે પલીત હોય કે જીન!’ ભાવેશભાઈએ પાછો પોતાનો હીંચકો ઝુલાવ્યો એટલે કિરીટભાઈને ન ગમ્યું. જીનની વાત આટલી હળવાશથી લેવાતી હશે? ‘તમે રોજ સાંજે તળાવ બાજુ લટાર મારવા જાઓ છો ને એટલે તમને કહ્યું. જરા સંભાળીને રહેજો…આખરે આ બધા અમાનુષી તત્ત્વોનો ભરોસો ન કરાય.’

ભાવેશભાઈ હસી પડયા. રિટાયર્ડ થઈને એ શાંતિથી ગામમાં કુદરતી વાતાવરણમાં રહેવા માંગતા હતા એટલે આ રૂપકડી બંગલી જેવું મકાન ખરીદ્યું હતું. આખી જિંદગી શહેરની ભીડભાડમાં પસાર કરી હતી એટલે નિવૃત્તિ નજીક આવી કે બાપદાદાના ગામમાં મકાન ખરીદી લીધું. ભાવેશભાઈના પત્ની રીટાબેનને શહેર છોડવાનું મન ન હતું એટલે વારાફરતી શહેર અને ગામમાં રહેવું તેવી વાત પર બન્ને સહમત થયાં હતાં. કિરીટભાઈની વાત રીટાના કાન સુધી નથી પહોંચી ને! એની ખાતરી કરવા ભાવેશભાઈ ઊભા થઈને ઘરમાં એક નજર કરી આવ્યા. રીટાબહેન ફોન પર વાતમાં બિઝી હતાં એ જોઈને એમણે રાહતનો શ્વાસ લીધો. રીટાને આ જીનબીનની જાણ થાય તો તરત શહેર પાછા જવા માટે બહાનું મળી જાય.

‘તમે કદી જીન જોયું છે કિરીટભાઈ?’ ‘મેં નથી જોયું પણ મારા દાદીમાને વળગ્યું હતું. દાદી બહુ ઘરડાં હતાં, મારી મા સાથે એમને ફાવતું નહીં એટલે એ જુદાં રહેતાં. જીન એના પર એટલું પ્રસન્ન હતું કે દાદી સવારે ઊઠે ત્યારે ઘરમાં બધું કામ થઈ ગયું હોય. કચરાં–પોતા થઈ ગયા હોય, પણિયારે માટલાં છલકાઈ ગયા હોય અને ચૂલા પર નાહવા માટે ગરમ પાણી ઊકળતું હોય. દાતણ પણ ઉંબરે મૂકેલાં જડે. દાદીએ તો દાતણ કરીને નાહી–ધોઈને ચા જ મૂકવાની બાકી રહે.’

કિરીટભાઈની જીનની વાત સાંભળીને રેશનલ એવા ભાવેશભાઈને રમૂજ થતી હતી. એમણે મજાક કરી, ‘તમારી દાદી માટે જીન ચા મૂકવાનું કામ કેમ બાકી રાખતો હતો?’ આ પ્રશ્ન સાંભળીને કિરીટભાઈ ગૂંચવાઈ ગયા. જ્યારે બીજા આપણી વાત પર સહમત ન હોય ને ત્યારે એમના પર અટેક કરીને એમને સહમત કરાવવા એવું દરેક શ્રધ્ધાળુ કરતો હોય છે. અસલ એવું જ કિરીટભાઈએ કર્યું. ‘તમને મજાક સૂઝે છે પણ જે ’દી જીનનો ભેટો થશે તે દી  તમને ખબર પડી જશે!’ કિરીટભાઈ પગ પછાડતા ઘરમાં જતા રહ્યા. ભાવેશભાઈ હસી પડયા. નાનપણથી જ એ રેશનલ હતા. જે વાત સાયન્સની દૃષ્ટિથી પુરવાર ન થતી હોય તે એમને મન અંધશ્રધ્ધા હતી.

2–4 દિવસ એમ જ પસાર થઈ ગયા. રોજ સાંજે ભાવેશભાઈનો તળાવ પાસે ફરવા જવાનો ક્રમ ચાલુ હતો. નવરાત્રીના દિવસો ચાલુ થઈ ગયા હતા. સૂરજદાદા 6 વાગતાં તો ક્ષિતિજમાં અલોપ થઈ જવા લાગ્યા એટલે અંધારું વહેલું થતું હતું. રોજની જેમ એક સાંજ એ ઘર બહાર નીકળ્યા ત્યાં રીટાબહેન પાછળથી બોલ્યા, ‘ભાવેશ…હવેથી તું તળાવ પાસે ફરવા ન જતો. અંધારું વહેલું થઈ જાય છે અને એ વિસ્તાર બહુ સેફ નથી.’ ‘એક કામ કર. મારી સાથે આવતી જા એટલે આપણે બેઉ હોઈએ તો વાંધો ન આવે!’ ભાવેશભાઈના પ્રસ્તાવને રીટાબહેને ફગાવી દીધો.

‘ના..હોં…મને તો જીન–બીનની બહુ બીક લાગે.’ રીટાને જીન વિશે માહિતી મળી ચૂકી છે છતાં એ ગામ છોડવાની વાત નથી કરતી એ જોઈને ભાવેશભાઈને આનંદ થયો. ‘સારું, તું કહે છે તો હું તળાવ પાસે ફરવા નહીં જાઉં. નદી તરફ જઈશ.’ 2–3 દિવસ એ નદી તરફ ગયા. નદીના કિનારે સરસ મજાના ઘાસમાં એ બેસતા–ચાલતા  અને પક્ષીઓ જોતા. પક્ષીઓના ચહેકાટ અને નદીના પ્રવાહનો ખળખળ અવાજ સિવાય બધે શાંતિ હતી. એ નદીના કાંઠે સમાધિ લાગી ગઈ હોય તેમ કલાક બેઠાં રહ્યાં.

ઘરે પહોંચ્યા ત્યારે આજુબાજુવાળા બધા ભેગા થઈ ને એના ઘર પાસે ઊભા હતા. ભાવેશભાઈને ધ્રાસકો પડયો, રીટાને તો કશું થયું નહીં હોય ને?’ એ હાંફળાફાંફળા ઘરમાં ગયા તો રીટાબેન રડતાં બેઠાં હતાં, ‘શું થયું? કેમ રડે છે?’ ‘આ બધાં કહે છે કે હવે નદીએ પણ જીન રહે છે એટલે મને તારા માટે ડર લાગતો હતો!’ રીટાબહેનની વાત સાંભળીને એમને ગુસ્સો આવ્યો પણ ગામના લોકો હતા એટલે સમય સમજીને એ કશું બોલ્યા નહીં. અંધશ્રધ્ધાળુ સાથે ચર્ચા કરવી નકામી છે એ અનુભવે એ શીખ્યા હતા. સામ–દામ–દંડ–ભેદવાળી નીતિ અપનાવીને પણ વહેમીલા લોકો આપણને એમની જમાતમાં ભેળવવા ઉત્સુક હોય છે.

‘તમે તમારા ઘરે જાઓ. હું હવે આવી ગયો છું એટલે મારી અને રીટાની ચિંતા કરશો નહીં.’ બધાના ગયા પછી એમણે રીટાબહેનને રસોઈ બનાવવામાં મદદ કરી. બીજા દિવસે સવારે વહેલા ઊઠીને એમણે ચા–નાસ્તો બનાવી દીધો. ઘરમાં ડસ્ટિંગ કરી દીધું. ફૂલછોડને પાણી પીવડાવ્યું. માટલું વિછળીને તાજું પાણી ભરી દીધું. ટૂંકમાં જે કામ રીટાબહેન કરતાં હતાં તે બધાં કામ કરી દીધાં.

રીટાબહેન ઊઠયા ત્યારે ચા–નાસ્તો તૈયાર જોઈને ખુશ થઈ ગયા. ઘરમાં બધે નજર કરી તો એ જે કરતાં હતાં તે સવારના બધાં કામ આટોપાઈ ગયાં હતાં. રીટાબહેન ફ્રેશ થઈને હીંચકે ચા–નાસ્તો કરવા આવ્યા એટલે ભાવેશભાઈએ કહ્યું, ‘જો…જીન તને કે મને વળગે તો એ ઘરનું કામ કરવાનો છે…બીજું  કશું કરતો નથી ને! એટલે ડર્યા વિના જીવ અને લોકોની વાત એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાંખ…નહીં તો શાંતિથી જીવવા માટે શહેર છોડીને આવ્યા છીએ તે શાંતિ જ નહિ રહે!’ રીટાબહેન આ વાત સાંભળીને વિચારમાં પડયા.

‘તારી વાત સાચી છે…હું ગામના લોકોને એવું કહી દઉં કે અમારા ઘરમાં જીન મળસ્કે આવીને કામ કરી જાય છે તો કેવું? પછી લોકો આપણને ડરાવતા બંધ થઈ જશે.’ ભાવેશભાઈ આ ઉકેલ સાંભળીને ખુશ થઈ ગયા. ‘ચોક્કસ એમ જ કર….આખરે હું તારો જીન જ છું ને!’ ‘ઓકે…  જીનજી…લંચ બના દીજીએ…મેં ચલી ગોસિપ કર ને!’ રીટાબહેન હસતાં હસતાં ઘર બહાર નીકળ્યાં અને ભાવેશભાઈ રસોડા તરફ ગયા ત્યારે બહારનો હીંચકો પવનથી સહેજ હાલ્યો અને પછી સ્થિર થઈ ગયો.

Most Popular

To Top