Comments

તીખી તીખી ચટણી ને ભજીયાની મૌજ…!

એક બાજુ, કડાકા ભડાકા સાથે, છીમ્મ..છીમ્મ વરસાદ વરસતો હોય, દેડકાઓ ડ્રાઉં..ડ્રાઉં કરતાં હોય, મોરલાઓ ટેહુક..ટેહુક કરી મરઘાંના અવાજને દબાવતા હોય, ત્યારે એમ નહિ માનવાનું કે, આ બધાં ‘કળા’ કરે છે..! વરસાદી માહોલ જામે ત્યારે એમને પણ કંઈ ને ‘’ટેસ્ટી’ ખાવાની ઉપડે. બિચારાં જાય ક્યાં? ઘરવાળી જેવું હોય તો કકળાટ પણ કરે..! આસપાસની રેંકડીમાં ભજીયાં તળાતાં હોય ત્યારે, ‘ફાટ ફાટ’ ગંધમાં માણસ જેવાં માણસનું મન, ‘મેરા મન ડોલે, તેરા તન ડોલે’જેવું થઇ જાય તો, એમને પણ ‘ચિત્ત’ હોય છે દાદૂ..! એમનું ચિત્ત પણ ચત્તુંપાટ નહિ થાય..?

આ તો પેલાં જેવું છે બોસ..! અધિક માસ આવે ને ભક્તિના ધરખમ ફણગાં ફૂટવા માંડે, એમ વરસાદ પડે ને ભજીયાં ખાવાની ‘રસગ્રંથી’ ઉભરાય..! ભજીયાનું નામ પડે ને મોંઢામાં રેલ આવવા માંડે..! ઢીંચીને રોજ ‘ટલ્લી’ થતાં ને દીવ-દમણ કે આબુમાં જઈને એવું પૂછીએ કે તમને કયું ‘કોલ્ડ્રીંકસ’ ફાવશે, તો બાબરનો કિલ્લો આપણે તોડી નાંખ્યો હોય એમ, ડોળા કાઢે..! એમ વરસાદ વરસતો હોય ત્યારે કોઈને એવું થોડું પુછાય કે, ‘તમને ભજીયાં ફાવશે કે નહિ..! પૂછીએ તો ભોંચું..લાગીએ..!

કુંવારાપણામાં પાકટ થયો હોય ને, એમ પૂછીએ કે, ‘’તારી લગન કરવાની ઈચ્છા છે ?’તો કેવું રબીશ લાગે..? ’પૂછવા ગયા તો પૂછનારના ગળામાં ગાળિયો ભેરવાઈ જાય કે, ‘ઈચ્છા તો ઘણા વખતથી થાય છે, પણ પીઠી ચઢાવે જ છે કોણ..? ભજીયાનું પણ આવું જ છે ! તળાતાં હોય ત્યારથી જ ભલભલાનો કોઠો ‘તબડક તબડક’ થવા માંડે, કે ક્યારે ઘાણ ઉતરે ને મુખપ્રવેશ કરાવી કોઠો ટાઢો ‘પાડું..! એના કપાળમાં કાંદા ફોડું, એ વખતે વરસાદી માહોલની અદા જ એવી કે, વાસી ભજીયાં પણ ફેસિયલ કરીને આવેલી કન્યા જેવાં રૂપાળાં લાગે.!

રખે એવું માનતા કે, આ વર્ણવ્યવસ્થાની માયાજાળ, માત્ર માણસમાં જ છે. ભજીયાંમાં પણ ખરી..! ભજીયાંનાં પણ કેટલા પ્રકાર ? કોઈ મેથીના, કોઈ બટાકાના, કોઈ મરચાંના, કોઈ જાડા મરચાંના, કોઈ આડા મરચાંના, કોઈ રતાળુના, કોઈ ટામેટાંના, કોઈ કાંદાના, કોઈ મિક્ષ ભાજીના તો કોઈ કુંભણિયાનાં ભજીયાં પણ હોય..! સાંભળ્યું છે કે, સુરતમાં તો હવે આઈસ્ક્રીમના ભજીયાંની પણ બોલબાલા.! દુનિયા ઝૂકતી હૈ ઝુકાનેવાલા ચાહીએ..!
તીખી તીખી ચટણી ને ભજીયાંની મૌજ
મૌસમનો ખમકારો બોલે ભજીયાં બનાવો રોજ
તાક થૈયા..થૈયા તાક થૈઈ..!

‘ખાધું-પીધું ને રાજ કર્યું’ની માફક ભજીયાંની શોધ કોણે કરેલી એ જ સમજાતું નથી. ખુદ ગુગલ-દેવ પણ મૌન છે.પણ મારી ‘મગજગ્રાફી’ એવું કહે છે કે, એનો શોધક પણ વ્હાલો સુરતી જ હોવો જોઈએ. કેડ જેટલાં રેલનાં પાણીમાં પણ ભજીયાં ઉલાળવાની ક્ષમતા સુરતી સિવાય બીજામાં હોય જ નહિ..! ભલે કોઈ એમ કહેતું હોય કે, ‘સુરતી લોકોના નસીબમાં ‘સેવ ખમણ’ વગરનું કંઈ નથી, પણ મૌજ-મસ્તી અને મહેફિલ તો સુરતીઓનું વેન્ટીલેટર છે…! શું કહો છો ચમનીયા..? ભજીયાંના પ્રકારની યાદી આમ તો ખેંચીએ એટલી લાંબી થાય. પણ મારી ઈચ્છા ભજીયાંના માધ્યમ દ્વારા આપ સૌને ગલગલિયાં કરાવવાની છે, એટલે ખેંચી નથી.

હાસ્યનું માધ્યમ દાળવડું હોય, દાબેલી હોય કે, ગલકાનું ભજિયું હોય, એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે, તમે કેટલાં કિલોગ્રામ ‘લાફી’ શકો, ને બીજાને ‘લફાવી’શકો..? Phd સુધીનાં ચોપડાં ભલે ફાડ્યાં હોય, પણ રતનજી કહે એમ, હસતાં નહિ આવડે તો સરવાળે મીંડું..! હાસ્યનું કામ ‘તડકા-દાળ’ જેવું છે, થુવારીયા બ્રાંડ ચહેરા જેવું નહિ..! પગલું પડે એટલે સામેવાલામાં રોનક આવવી જોઈએ. ‘રતનજી કહે એમ, હસતાં રહીએ તો ચોક્કસ જગ્યાએ કાગડો પણ ચાંચ નહિ મારે.!. હાસ્ય વગરનો ચહેરો એટલે ઘાસલેટમાં તળેલાં ભજીયાં જેવો હોય..! માટે હાસ્ય સાથે ૩૬ નો આંકડો તો રાખવો જ નહિ. બાકી જેનાં ચહેરા તાલ વગરના તબલાં જેવાં છે, એને જ્યોતીન્દ્ર દવે -વિનોદ ભટ્ટ- રતિલાલ બોરીસાગર-અશોક દવે કે રમેશ ચાંપાનેરીનાં ચોપડાં વાંચવા આપો તો, ચોપડાં પણ રડવા માંડે..! એનો બરડો પણ ભીન્નો નહિ થાય..!

ખબર નહિ હોય તો એક વાત કહું..? ‘માણસ જાતને ભગવાને સાત કરોડ, સિત્તોતેર લાખ, સીત્તોતેર હજાર સાતસો સીત્તોતેર ની (બજાર ભાવ પ્રમાણે આંકડાઓમાં વધ-ઘટ થવાની શક્યતાઓ છે, માટે હિસાબ કરવા બેસવું નહિ) ‘બોડી’ અને મફતમાં હસવાની શક્તિ સાવ મફતમાં ભગવાને આપી છે. છતાં, એની જાતને, હસવાની વાત આવે ને હોઠ ઉપર ગંઢેલ ડંખ મારી ગઈ હોય એમ, હસે નહિ..! કાનમાં ભમરો ઘુસી ગયો હોય, એમ કાનને ખંજવાળ-ખંજવાળ કરે..! અલ્યા બૂચા..!

સરસ મઝાનું ચોમાસું જામ્યું હોય ત્યારે ભજીયાં ખાવાનો ચહકડો શાંત કરવાને બદલે, ઝાંઝીબારનાં જંગલી બિલાડા જેવું મોંઢું લઈને ફરે તે સારું લાગે..? મોંઘાદાટ અવતારને શું આંથવાનો..? જીભડામાં સ્વાદના કુરકુરિયા ને ચેતના નહિ ફૂટે તો શરીર ઉપર મોંઢા લટકાવેલા કામના શું? એનાં કરતાં તો ઉંમરના આંટે ચઢેલા ભાભડા સારાં કે, તેલ લેવા જાય મોક્ષ કહીને પણ ભજીયાં ઉપર તૂટી પડે..! એક બાજુ ભજન થતાં હોય ને બીજી બાજુ ભજીયાં તળાતાં હોય, તો ભગવાન કરતાં ભજીયાંમાં જીવડો વધારે ચોંટાડે. એને ખાતરી કે, ભજન લલકાર્યા પછી મોક્ષ મળે કે નહિ પણ મળે, એની કોઈ ગેરંટી નહી, પણ ભજીયાંનો સાક્ષાત્કાર તત્કાળ થાય છે, એ જ એની ફળશ્રુતિ..! ઝાપટી લે..!

કોઈ દેવી દેવતાએ ભજીયાં ખાધાં નથી. છતાં મોટે ભાગનાં ભજીયાં સેન્ટરો ભગવાનના નામે ‘લાઈસન્સ’ લીધાં હોય એમ, ચાલે છે બોલ્લો..! ગાયત્રી ભજીયાં સેન્ટર, માધવ ભજીયાં હાઉસ, જલારામ ભજીયાં, ખોડિયાર ભજીયાં, કનૈયાલાલ ભજીયાં હાઉસ, કષ્ટભંજન ભજીયાં હાઉસ, સાંઈ ભજીયાં સેન્ટર, બાલાજી ભજીયાં હાઉસ, પ્રભુના ભજીયાં હાઉસ, બાપા સીતારામ ભજીયાં હાઉસ, પંચવટી ભજીયાં કોર્નર, રામદેવ ભજીયાં હાઉસ, ગણેશ સમોસા એન્ડ ભજીયાં સેન્ટર, ઘનશ્યામ ભજીયાં હાઉસ, શ્રી શક્તિ ભજીયાં હાઉસ, શ્યામ ભજીયાં હાઉસ, વગેરે વગેરે..! આ તો માત્ર સેમ્પલ..! બાકી જેમ સુરતમાં ટામેટાં અને કુંભાણિયાનાં ભજીયાં પ્રખ્યાત, એમ તિથલના દરિયા કિનારે દરિયા કરતાં સંદીપનાં ભજીયાં પ્રખ્યાત..! એમનાં ભજીયાં ખાધા વગર દરિયો છોડયો તો જાણે ખાંડ વગરનો ફાલુદો ખાઈ નાંખ્યો હોય એટલો વસવસો થાય..!

શું ભજીયાંની જાહોજલાલી છે? ભજીયાં સામું જોઉં છું ને એમ થાય કે, ભજીયાને કોઈ રાષ્ટ્રીય દરજ્જો આપવો જોઈએ. એટલા માટે કે, ‘ફાસ્ટ-ફુડ’ના પ્રવાહમાં પણ ભજીયાંએ લોકપ્રિયતા ગુમાવી નથી. સેવ-પાપડી-ગાંઠીયા-ફૂલવડી-લોચો વગેરે બધાં જ ચણાના લોટના ફરજંદ હોવા છતાં, એના કપાળમાં કાંદા ફોડું, ભજીયાંની તોલે હજી કોઈની શાખ વધી નથી. એમાં નવવધૂ સાથે આવેલી કુરેલી જેવી તમતમતી ચટણીનો તો રૂઆબ જ અલગ..! ભજીયાંની સાળી હોય એવો રંગ રાખે. ચટણી વગરનું ભજિયું વિધુર જ લાગે. ઘરવાળી કરતાં સાળી ઉપર વ્હાલ વધારે ઉપજે એમ, ક્યારેક તો ભજીયાં કરતાં ચટણીનો ઉપાડ વધી જાય..! મેનકાને જોઇને જેમ મહર્ષિ વિશ્વામિત્ર ચલિત થઇ ગયેલા એમ, ચટણીને જોઇને ઘણાંનાં મોંઢામાં ભજીયાં ખાવાના ફૂવ્વારા છૂટવા માંડે. એક વાત છે, ભજીયાં માટે કદાચ કોઈએ મારામારી કરી હશે, બાકી છુટ્ટાં ભજીયાં ઉલાળીને કોઈએ મારામારી કરી હોય એવું ધ્યાનમાં નથી. આપના ધ્યાનમાં હોય તો કહેજો મામૂ..!

લાસ્ટ ધ બોલ
દાદા તળાવના પાણીમાં ક્યાર-ક્યારથી શું શોધો છો?
હસવામાં ને હસવામાં મારું દાંતનું ચોગઠું પાણીમાં પડી ગયું, મળતું જ નથી..!
એક મિનીટ..! હું શોધી આપું. બોલો તમને શું વધારે ભાવે..?
ભજીયાં..!
મારા માછલી પકડવાના ગલ સાથે હું ભજિયું બાંધુ, એટલે તમારું ચોગઠું તરત ભજિયું ખાવા આવશે, એટલે પકડાઈ જશે…!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top