Columns

શું છે કોરોનાની ત્રીજી વેવનું રહસ્ય: આવશે કે નહીં?

કરોનાની (Corona) બીજા વેવથી આ મહામારી કેટલી ઘાતકી છે તે પુરવાર થઈ ચૂક્યું છે. હવે ભીતિ ત્રીજા વેવની છે અને શું ખરેખર ત્રીજા વેવ આવશે? મહામારીમાં શું આ પ્રકારે વાઇરસ સમયાંતરે ત્રાટકતો હોય છે? બીજા વેવની જેમ શું ત્રીજા વેવ પણ વધુ નુકસાન કરનારી હશે? બીજા વેવમાં જેમ ઑક્સિજન ક્રિટિકલ બાબત બની તેમ અન્ય કઈ શક્યતા ત્રીજા વેવમાં (Third wave) છે? વેક્સિનેશન થયું હશે તેઓને ત્રીજા વેવમાં ઓછું નુકસાન થશે? ત્રીજા વેવ ક્યારે આવશે? બાળકોને ત્રીજા વેવમાં વધુ નુકસાન છે?… કોરોના સાથે સંકળાયેલાં આવા અનેક સવાલો હવે આપણી સામે આવી રહ્યા છે. તેનો જવાબ એક્સપર્ટ આપી રહ્યા છે. પણ તેમાં ખરેખર તથ્ય શું છે તે તપાસીએ….

કોરોનાએ માત્ર સામાન્ય લોકોને જ નહીં, સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાંતોને પણ મૂંઝવણમાં મૂક્યા છે. તેના અલગ અલગ સ્વરૂપના કારણે પણ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આવેલી આ કટોકટી વધુ ગંભીર બની છે. કોરોનાના જ પરિણામે ફંગસની બીમારી તો અત્યારે ઓર વધુ લોકોની જાન લઈ રહી છે. કોરોનાની ત્રીજા વેવને લઈને હાલમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નિવેદન આવ્યું છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પીડિત રહ્યું છે અને તેઓ આગોતરા આયોજનના કારણે તેની સામે ઝઝૂમી પણ શક્યા છે. હવે મહારાષ્ટ્ર સરકાર ત્રીજા વેવમાં પણ થાય તેટલું અગાઉથી આયોજન કરશે તેવું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે.

મહારાષ્ટ્ર સરકાર તરફથી આવેલું નિવેદન આગોતરી તૈયારીરૂપે તો આવ્યું જ છે, પણ તેમના જ એક જિલ્લા અહમદનગરના અનુભવથી પણ આવ્યું છે. અહમદનગર જિલ્લામાં મે મહિનામાં આઠ હજારથી વધુ બાળકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. અહમદનગરમાં કુલ આવેલા કેસીસમાં દસ ટકા કેસ બાળકોના છે. કોરોનાનો અત્યાર સુધીનો સંક્રમિતના ટ્રેન્ડમાં બાળકો સુરક્ષિત રહી શક્યા છે, પણ હવે બાળકોને પણ તેની અસર થઈ રહી છે અને આ જ કારણે મહારાષ્ટ્ર સરકાર ત્રીજા વેવને લઈને ગંભીર છે અને તેની તૈયારી પણ આરંભી દીધી છે. મહારાષ્ટ્ર સરકારે તે માટે પીડિયાટ્રિશ્યનની ટીમ બનાવી છે અને બાળકો માટે વોર્ડ કેવાં હોય તે માટે પણ વ્યવસ્થા આરંભી દીધી છે. મહારાષ્ટ્ર સરકારનું માનીએ તો ત્રીજી લહેર આવશે જ અને તે પણ જુલાઈના અંત સુધીમાં.

મહારાષ્ટ્ર સરકારનું જેમ ઠોસ રીતે માનવું છે કે ત્રીજાે વેવ આવશે, તે જ પ્રમાણે કેન્દ્ર સરકારના પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઇઝર કે વિજય રાઘવને પણ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે,“ત્રીજા વેવને ટાળી નહીં શકાય. તે ક્યારે આવશે અને તે કેવાં સ્વરૂપે આવશે તે નિશ્ચિત નથી પણ તે આવશે જરૂર.” જો કે પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઇઝરના આ નિવેદનની ચર્ચા મીડિયામાં ખૂબ થઈ, તેથી અંતે તેઓએ બે દિવસ બાદ એવું નિવેદન આપ્યું કે ત્રીજાે વેવ આવશે પણ પૂરતી તૈયારીથી તેને અટકાવી શકાશે.

મહામારીમાં વેવના આવાં ટ્રેન્ડને જોઈએ તો તેમાં કોઈ નિશ્ચિત સમયગાળો નથી હોતો. પરંતુ વેવને લાંબા ગાળામાં વધતાં અને ઓછાં થતાં કેસોના સંદર્ભે જોઈ શકાય. અને તેનાથી જ ‘ગ્રોથ કર્વ’ શેપ લે છે, જે સ્પષ્ટ રીતે વાઇરસની વધતી-ઓછી અસરને દાખવે છે. સામાન્ય રીતે આપણે બીમારીને સિઝન મુજબ પણ જોઈએ છીએ. ઘણાં વાઇરસ સિઝન મુજબ આવે છે ને વિદાય લે છે. એ પ્રમાણે કોરોના પણ સમયાંતરે અપ-ડાઉન થઈ રહ્યો છે. અને વિવિધ ક્ષેત્ર-સ્થાન મુજબ તેનો વ્યાપ અને ઘાતકતા પણ ઓછીવત્તી જોવા મળે છે. આમ ભારતમાં સ્પષ્ટ રીતે બે વેવનો ભેદ પાડી શકાય. પણ દિલ્હીનું ઉદાહરણ લઈએ તો દિલ્હીમાં અત્યાર સુધી ચાર વેવ આવ્યા છે તેવું નોંધી શકાય. દિલ્હીમાં ગત્ માર્ચથી માંડીને અત્યાર સુધી ચાર વખત કેસ વધ્યા છે અને ફરી ઘટ્યા છે તેવો ટ્રેન્ડ જોવા મળ્યો છે.

બીજા વેવમાં મહારાષ્ટ્રની જેમ કર્ણાટક પણ સૌથી ગંભીર રીતે અસરગ્રસ્ત રહ્યું છે. અને તેથી જ કોરોનાની ત્રીજા વેવનો મુદ્દો કર્ણાટક સરકાર ગંભીરતાથી લઈ રહી છે. રાજ્યના ટેકનિકલ એડવાઇસર કમિટિના સભ્ય ગિરીધર બાબુના મુજબ “એ બાબત સ્પષ્ટ છે કે ત્રીજાે વેવ આવશે અને આપણે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનાવું પડશે કારણ કે ત્રીજા વેવમાં વધુ કેસીસ આવશે.”  ગિરીધર બાબુ તેમના અભ્યાસ મુજબ બાળકોને વધુ જોખમ છે તેવું દર્શાવે છે. અને આ તેઓ કર્ણાટકમાં જે રીતે બાળકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે તેના આંકડા પરથી કહી રહ્યાં છે. જેમ કે કર્ણાટકમાં કોરોનાની પ્રથમ વેવમાં માર્ચથી સપ્ટેમ્બર-2020માં દસ વર્ષથી નીચેના વયના 19,378 બાળકો સંક્રમિત થયા હતા. ઑક્ટોબરથી એપ્રિલ સુધી આ આંકડો 49,257 સુધી પહોંચ્યો અને મેમાં 68,635 સુધી બાળકો સંક્રમિત થયા છે. કર્ણાટકનો આ કોરોના ટ્રેન્ડ ભયાવહ છે અને તેથી જ કર્ણાટકમાં આગોતરી તૈયારી આરંભાઈ ચૂકી છે.

જો કે કોરોનાની અસર બધા જ રાજ્યોમાં એકસરખી નથી તેવું અત્યારે અનુભવે જોઈ શકાય છે. કેટલાંક રાજ્યો સાવ બિન્દાસ રહીને પણ તેની ઘાતક અસર ત્યાં જોવા મળી નથી.

તે જ પ્રમાણે સ્વાસ્થ્ય ક્ષેત્રના નિવેદનો પણ કોરોનાના સંદર્ભે એકસરખા નથી આવી રહ્યા. જેમ કે ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ દ્વારા હાલમાં એવું નિવેદન આવ્યું હતું કે “આવનારી વેવની પ્રેડિક્ટ ન કરી શકાય.” હવે જ્યારે ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ દ્વારા ત્રીજા વેવની સંભાવના ન કરવાનું વલણ દાખવ્યું છે ત્યારે જાણીતાં ડોક્ટરો ત્રીજી વેવનું અનુમાન કરી રહ્યા છે, પણ સાથે સાથે હર્ડ ઇમ્યુનિટીથી હવે બચી શકાશે તેમ પણ કહી રહ્યા છે. મતલબ, જેટલાં નિષ્ણાતોના મત સાંભળીએ તેટલાં વધુ મૂંઝવણમાં મૂકાઈએ.

સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાંત પોતપોતાના અનુભવથી ત્રીજો વેવ આવે કે નહીં તે અંગેનું પ્રિડિક્શન કરી રહ્યા છે. પણ ઇતિહાસ પર નજર કરીએ તો સો વર્ષ અગાઉ આવેલાં સ્પેનિશ ફ્લૂ વખતે ચાર વેવ આવ્યા હતા. તે વખતે વિશ્વની ત્રીજા ભાગની વસતી સંક્રમિત થઈ હતી. 1918ના આરંભમાં સ્પેનિશ ફ્લૂથી લોકો સંક્રમિત થવાના શરૂ થયા હતા પરંતુ વર્ષના મધ્યમાં વાઇરસનું જોર ઘટ્યું હતું. બીજી વેવની શરૂઆત 1918ના ઑગસ્ટમાં થઈ હતી અને સ્પેનિશ ફ્લૂનો આ વેવ સૌથી ઘાતક પુરવાર થઈ હતી. સ્પેનિશ ફ્લૂની બીજા વેવમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં અમેરિકામાં જ ત્રણ લાખ મૃત્યુ થયા હતા. તત્કાલિન ભારતમાં પણ બીજા વેવ જ ઘાતકી બની હતી અને એક અંદાજ મુજબ તેમાં એક કરોડ ભારતીયોના મૃત્યુ થયા હતા. હિંદીના જાણીતા કવિ સૂર્યકાંત ત્રિપાઠીએ ગંગામાં શબ વહીને આવતા હતા, તેવો ઉલ્લેખ પોતાના સંસ્મરણોમાં કર્યો છે.

1918ના સેનેટરી કમિશ્નરના રિપોર્ટમાં પણ નદીઓમાં શબો વહી રહ્યા હતા તેવી નોંધ કરી છે. તે વખતે અગ્નિદાહ અર્થે લાકડાંની અછત હતી. આ પછી સ્પેનિશ ફ્લૂની ત્રીજી અને ચોથી લહેર પણ આવી હતી, જે પ્રમાણમાં ઓછી ઘાતકી હતી. મહામારીમાં આવતી વેવ સંદર્ભે ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંલગ્ન ‘ધ સેન્ટર ફોર એવિડન્સ-બેસ્ડ મેડિસિન’ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેમાં મહામારીના વેવ સંદર્ભે માહિતી મૂકવામાં આવી છે. છેલ્લા એક સદીમાં આવેલી મહામારીનો તેમાં અભ્યાસ છે અને તે અભ્યાસને જોતાં એવું ક્યાંય નિશ્ચિત કરી શકાતું નથી કે કઈ વેવ સૌથી ઘાતકી છે.

આ ઉપરાંત દરેક મહામારીનું સ્વરૂપ, વ્યાપ અને અસર અલગ-અલગ હોય છે, તેથી વેવ સંદર્ભે કોઈ જ ભવિષ્ય ભાખી શકાતું નથી. અને તેમના અભ્યાસ મુજબ જે મહામારી ખૂબ ઝડપથી પ્રસરતી હોય તેનો ઇલાજ માત્ર સાવચેતી અને સ્વાસ્થ્ય ક્ષેત્રનું મજબૂત માળખું છે. કોરોનાના કેસીસ-મૃત્યુના આંકડાને લઈને ઘાલમેલ થતી હોય તો તેની સચોટ માહિતી કાઢવી અશક્ય છે, તેથી પણ સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાત આ સંદર્ભે સમય આવે ચિત્ર સ્પષ્ટ થશે તેવુંય અનુમાન કરી રહ્યા છે. દેશ અને વિશ્વના જુદા જુદા સંદર્ભો વેવ બાબતે જોઈએ તો એટલું સ્પષ્ટ છે કે તેમાં આગોતરું આયોજન જ એકમાત્ર ઉપાય છે, કારણ મહામારીમાં અનિશ્ચિતતા સદા બરકાર છે.

Most Popular

To Top