National

કેરળમાં ચોમાસાનું આગમન, 10 જૂન સુઘી મહારાષ્ટ્ર પહોંચશે

નવી દિલ્હી: (Delhi) દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ (Monsoon) ગુરુવારે બે દિવસના વિલંબ સાથે કેરળમાં આગમન કર્યુ હતુ. કેરળમાં ચોમાસાના આગમન સાથે જ દેશમાં ચાર મહિનાનો વરસાદી (Rain) માહોલ શરૂ થયો છે. ભારત હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મોહપત્રાએ કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ કેરળના દક્ષિણ ભાગોમાં શરૂઆત કરી છે. 10 જૂન સુધીમાં તે મહારાષ્ટ્ર (Maharashtra), તેલંગાણા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના ભાગોમાં પહોંચે તેવી સંભાવના છે. જૂન મધ્યમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધતાં સમગ્ર મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય અને દક્ષિણ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ,, ઝારખંડ અને દક્ષિણ ઓડિશાના ભાગોને આવરી લેશે. જુલાઈના મધ્ય સુધીમાં તે આખા દેશમાં પહોંચી જાય છે.

આ વર્ષે 103 ટકા વરસાદ રહેશે

દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન કેરળમાં પહોંચવાની સ્થિતિ થોડા દિવસો પહેલાં જ બનવાની શરૂ થઈ ગઈ હતી, જોકે આ વખતે ચોમાસું સમય કરતાં 2 દિવસ મોડું છે. ખાનગી એજન્સી સ્કાઈમેટ અગાઉ જ અનુમાન કરી ચૂકી છે કે આ વખતે વરસાદ સામાન્ય કરતાં વધુ, એટલે 103 ટકા થશે. જૂનથી સપ્ટેમ્બર મહિનામાં ઉત્તર પશ્ચિમ ભારતમાં 92 થી 108 ટકા વરસાદ થવાનું અનુમાન છે. દક્ષિણ ભારતમાં 93 થી 107 ટકા વરસાદનું અનુમાન છે. ઉતરપૂર્વ ભારતમાં 95 ટકા વરસાદ જ્યારે મધ્ય ભારતમાં 106 ટકા વરસાદ થવાનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.

કેરળમાં છેલ્લા 4 દિવસથી પ્રી-મોન્સૂન વરસાદ ચાલુ છે. બુધવારે અહીં સેટેલાઈટ ઈમેજમાં તટવર્તી વિસ્તારો અને એની નજીકના દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં વાદળો જોવા મળ્યાં. મોસમ વિજ્ઞાન વિભાગ(IMD)નું કહેવું છે કે કેરળમાં વરસાદ પડવામાં વધારો થયો છે. દક્ષિણ સાગરના નીચલા સ્તરોમાં પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે 31 મેના કેરળ (Kerala)માં ચોમાસાનું આગમને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું હતું. સાથે 5 દિવસ આગળ પાછળ ચોમાસુ બેસવાનું અનુમાન હતું પરંતુ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 3 જૂન એટલે કે આજે ચોમાસાનું કેરળમાં વિધિવત આગમન થઈ ગયું છે.

ગુજરાતમાં ચોમાસુ (Monsoon in Gujarat) 15 જુનથી શરૂ થાય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ગુજરાતમાં ચોમાસની સિઝનનો વરસાદ 15 થી 22 જૂન સુધીમાં આવી જશે. જોકે ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી (Pre Monsoon Activity) ચાલી રહી છે અને થન્ડર સ્ટોમ (Thunder Storm)ના કારણે પણ દક્ષિણ ગુજરાતના ડાંગ, સાપુતારા વગેરે વિસ્તારમાં વરસાદ થયો છે.

Most Popular

To Top