Editorial

દેશની મોટી કંપનીઓ તેમની પાસેના જમા નાણાં બજારમાં ફરતા કરે તો રેપોરેટ વધારવો નહીં પડે

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં વધી રહેલી મોંઘવારી હજુ પણ કાબુમાં આવી નથી. ફુગાવો સતત વધી જ રહ્યો હોવાને કારણે આરબીઆઈએ ફરી વખત રેપોરેટમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. આ આરબીઆઈની રેપોરેટ વધારવાની હેટ્રિક છે. જે રીતે આરબીઆઈ દ્વારા ત્રીજી વખત રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો તેણે બતાવ્યું કે મોંઘવારી હજુ પણ વધી જ રહી છે અને તે આર્થિક રીતે ભારતને નબળું પણ બનાવી રહી છે. કોરોનાની મહામારી બાદ ભારતની આર્થિક સ્થિતિ સુધરવાને બદલે સતત બગડી જ રહી છે. દેશના અર્થતંત્રને ટકાવી રાખવા અને સાથે સાથે તેને મજબૂત કરવા માટે આરબીઆઈ દ્વારા ઢીલી મોનિટરી પોલિસી લાગુ કરવામાં આવી હતી પરંતુ તેની અવળી અસરને જોતાં હવે રેપોરેટ વધારવાની નીતિ અપનાવવામાં આવી છે. જે રીતે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી બાદ માંગ ઉંચકાઈ છે તેને કારણે મોંઘવારી માઝા મુકી રહી છે.

મોંઘવારીને ડામવા માટે ભારતની સાથે સાથે વિશ્વની અનેક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. હજુ ગયા અઠવાડિયે જ અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા અમેરિકાનો 28 વર્ષનો અત્યાર સુધીનો સૌથી મોટો બીજા ક્રમનો વ્યાજદરનો વધારો કરવામાં આવ્યો હતો. અમેરિકા બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા પણ વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો. વિશ્વમાં વધી રહેલા વ્યાજદરને કારણે ભારતની રિઝર્વ બેંક દ્વારા પણ રેપોરેટમાં વધારો કરવા માટે બેઠકો કરવામાં આવી હતી અને શુક્રવારે વ્યાજ દરમાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી. માર્ચથી શરૂ કરીને અત્યાર સુધીમાં આ ત્રીજી વખત રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં વધારા સાથે હવે રેપોરેટ 5.40 થયો છે. આટલો રેપોરેટ કોરોનાની મહામારી પહેલા હતો. નિષ્ણાંતોને એવી અપેક્ષા હતી કે રિઝર્વ બેંક દ્વારા મોનિટરી પોલિસીમાં 0.35 ટકાનો વ્યાજ દરનો વધારો કરવામાં આવશે, પરંતુ રિઝર્વ બેંક દ્વારા સીધો 0.50 ટકાનો વધારો કરાયો છે.

રિઝર્વ બેંક દ્વારા રેપોરેટરની સાથે એસડીએફ પણ વધારીને 5.15 ટકા કરવામાં આવી છે. એમએસએફના દરમાં પણ 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક દ્વારા નાણાંકીય વર્ષ 2023 માટે દેશનો વૃદ્ધિદર 7.20 ટકા રહેશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસના કહેવા પ્રમાણે દેશમાં મોંઘવારીમાં હજુ પણ વધારો થશે પરંતુ તે અંકુશની બહાર નહીં હોય. જોકે, જે રીતે આખા વિશ્વની હાલત છે અને તેમાં પણ ભારતમાં આયાત-નિકાસની વચ્ચેની ખાઈ, બેંકોમાં જમા થઈ રહેલા નાણાંને જોતાં મોંઘવારી કાબુમાં રહે તેવી શક્યતા ઓછી છે. આખા ભારત દેશમાં હાલમાં સ્થિતિ એવી છે કે મોટા ઉદ્યોગકારો કરોડો કમાઈ રહ્યા છે. જ્યારે નાના વેપારીઓની હાલત ખરાબ છે. ધંધા-રોજગારમાં આ પરિસ્થિતિમાં એવું થઈ રહ્યું છે કે મોટી કંપનીઓ નાણાં કમાઈને બેંકોમાં જમા કરી રહી છે. જેને કારણે નાણાં ફરતાં નથી અને મંદીનો માહોલ દિવસેને દિવસે ઘેરો બની રહ્યો છે.

ભૂતકાળમાં જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે એક કાર્યક્રમમાં તેમણે મોટી મોટી કંપનીના ચેરમેન તેમજ સીઈઓને તેમની કંપનીમાં પડેલા નાણાં બજારમાં ફરતા કરવા માટે કહ્યું હતું. આર્થિક બાબતોના નિષ્ણાંત મનમોહનસિંહની તે સમયની દૂરદર્શિતા આજના સમયમાં નથી. જો દેશની મોટી કંપનીઓ દ્વારા નાણાં બજારોમાં ફરતાં કરવામાં આવે તો મોંઘવારી પર કાબુ આવે તેમ છે. આ માટે જોકે, સરકાર અને મોટી કંપનીઓએ સાથે જાગૃતિ બતાવીને નાણાંની તરલતા વધારવી પડશે. જો તેમ થશે તો બની શકે છે કે ભારત ધીરેધીરે આવી રહેલી વૈશ્વિક મંદીને પણ અગાઉની જેમ પાર કરી જશે તે નક્કી છે.

Most Popular

To Top