Columns

યુરોપની મંદીને કારણે યુરોના ભાવો ઘટીને ડોલરની બરોબર થઈ ગયા

કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધને કારણે જગતના અર્થતંત્રમાં કલ્પનાતીત ફેરફારો થઈ રહ્યા છે. યુક્રેન ઉપર હુમલો કરવાને કારણે અમેરિકા દ્વારા રશિયા પર જે આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા તે બૂમરેંગ થયા છે. રશિયા નબળું પડવાને બદલે વધુ મજબૂત થઈ ગયું છે. રશિયા અને ચીન મજબૂત બન્યા છે તો યુરોપ અને અમેરિકા ફુગાવો અને મંદીની સંભાવનાથી ભયભીત છે. યુરોપ અને અમેરિકા પૈકી યુરોપના દેશોને મંદીનો માર વધુ લાગ્યો છે. યુરોપના મોટા ભાગના દેશો તેમની ખનિજ તેલની અને ગેસની જરૂરિયાતો માટે રશિયા પર નિર્ભર છે.

રશિયાએ તેમના પુરવઠા પર કાપ મૂક્યો હોવાથી તેઓ ઉર્જા કટોકટીનો સામનો કરી રહ્યા છે, જેનો પ્રભાવ તેમના અર્થતંત્ર પર પણ પડી રહ્યો છે. યુરોપની સરખામણીમાં અમેરિકાનું અર્થતંત્ર વધુ મજબૂત બન્યું હોવાથી ડોલરની સરખામણીમાં યુરોના ભાવો સડસડાટ ઘટી રહ્યા છે. બુધવારે અમેરિકાનો ડોલર વધીને યુરોની બરોબર થઈ ગયો હતો. આવું બે દાયકામાં પહેલી વખત બન્યું છે. યુરો હજુ ગબડી શકે છે.

યુરોપિયન યુનિયનનું ગઠન થયું તે પછી યુરોપના ૧૯ દેશોએ મળીને એક કોમન કરન્સી તરીકે યુરોને લોન્ચ કર્યો હતો. યુરોનો જન્મ થયો ત્યારે તેનો ભાવ ૦.૮૫ ડોલર જેટલો નીચો હતો. યુરોપના દેશો અને અમેરિકાએ મળીને ૨૦૦૦ની સાલથી પુરૂષાર્થ કર્યો તેના પગલે ડોલરની સામે યુરો ઉત્તરોત્તર મજબૂત થતો જતો હતો. ૨૦૦૮માં અમેરિકામાં મહામંદી આવી ત્યારે યુરોના ભાવો વધીને ૧.૬૦ ડોલર પર પહોંચી ગયા હતા. ધીમે ધીમે યુરો લગભગ ૧.૨૫ ડોલર આજુબાજુ સ્થિર થયો હતો. કોરોનાને કારણે યુરો પાછો નીચે સરકવા લાગ્યો હતો. ફેબ્રુઆરીમાં યુરો ઘટીને ૧.૧૫ ડોલર પર પહોંચી ગયો હતો. યુક્રેનના યુદ્ધ પછી તેમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે. અમેરિકાનો ડોલર મજબૂત થયો છે તેનું મુખ્ય કારણ ફેડરલ રિઝર્વ દ્વારા વધારવામાં આવેલા વ્યાજના દરો છે. હકીકતમાં રશિયામાં રૂબલની સરખામણીમાં ડોલરના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે.

યુરોપના ૧૯ દેશોના ૩૪ કરોડ લોકો કરન્સી તરીકે યુરોનો ઉપયોગ કરે છે. દુનિયામાં જે ચાર રિઝર્વ કરન્સીઓ છે, તેમાં યુરોનો પણ સમાવેશ થાય છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સૌથી વધુ નુકસાન ઇટાલી અને જર્મની જેવા દેશોને થયું છે. યુરોપમાં ફુગાવાનો દર વધીને ૯ ટકા પર પહોંચી ગયો છે. ઇટાલીનું અર્થતંત્ર તો લગભગ દેવાળું કાઢવાની પરિસ્થિતિમાં મૂકાઈ ગયું છે તો યુરોપનું સૌથી મોટું ગણાતું જર્મનીનું અર્થતંત્ર પણ કટોકટીમાં છે. જર્મનીની સેન્ટ્રલ બેન્ક દ્વારા અગાઉ ૪.૨ ટકાની વૃદ્ધિનો અંદાજ બાંધવામાં આવ્યો હતો, જે હવે ઘટાડીને ૧.૯ ટકા કરવાની ફરજ પડી છે. રશિયા દ્વારા ગેસનો પુરવઠો ઘટાડી કાઢવામાં આવ્યો હોવાથી જર્મનીના નાગરિકો માટે ગરમ પાણીથી સ્નાન કરવાનો ખર્ચ પણ વધી રહ્યો છે. હેમ્બર્ગ શહેરના સત્તાવાળાઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે તેમને હવે ગરમ પાણીનું પણ રેશનિંગ કરવાની ફરજ પડશે.

જર્મનીના ઉદ્યોગો પણ ઉર્જા કટોકટીનો માર ઝીલી રહ્યા છે, જેને કારણે તેમને પોતાનું ઉત્પાદન ઘટાડવાની ફરજ પડશે. યુક્રેનના યુદ્ધને કારણે માર્ચમાં જર્મનીના ઔદ્યોગિક ઉત્પાદનમાં માર્ચ મહિનામાં ૩.૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એપ્રિલમાં તેમાં ૦.૭ ટકાની અને મેમાં ૦.૨ ટકાની જ વૃદ્ધિ જોવા મળી હતી. રશિયાનો ગેસ યુરોપને પહોંચાડવા માટે બાલ્ટિક સમુદ્રમાં થઈને નોર્ડ સ્ટ્રિમ નામની બે પાઇપલાઇન નાખવામાં આવી છે.  રશિયાએ તેમાંની એક પાઈપલાઈન ૧૦ દિવસથી સમારકામના બહાને બંધ કરી રાખી છે. હવે તેણે બીજી પાઇપલાઈન પણ ૧૦ દિવસ બંધ રાખવાની જાહેરાત કરી છે. રશિયા આ રીતે જર્મનીની સહનશક્તિની કસોટી કરી રહ્યું છે. જર્મનીને ડર છે કે સમારકામ પછી નોર્ડ સ્ટ્રિમ પાઇપલાઇનની ક્ષમતા ઘટાડી કાઢવામાં આવશે.

યુરોપના દેશો તેમની ૪૦ ટકા ઉર્જાની જરૂરિયાતો માટે રશિયા પર નિર્ભર છે. તેમનો મોટા ભાગનો ગેસ રશિયાથી પાઈપલાઈન મારફતે આવે છે. યુક્રેનનું યુદ્ધ શરૂ થયું તે પછી રશિયાએ યુરોપના ગેસ પુરવઠામાં ૬૦ ટકાનો ઘટાડો તો કરી જ નાખ્યો હતો. હવે જર્મનીના ઉદ્યોગોને ડર છે કે રશિયા પાઈપલાઈનના સમારકામના નામે ગેસનો પુરવઠો જ બંધ કરી રહ્યું છે. તેને કારણે યુરોપના દેશોમાં ગયાં વર્ષની સરખામણીએ ગેસના ભાવોમાં ૩૮૦ ટકા જેટલો વધારો થયો છે. જર્મનીના અર્થતંત્રમાં જુન મહિનામાં વિશ્વાસનો સૂચકાંક માઇનસ ૨૮ જેટલો હતો. જુલાઈમાં તે ઘટીને માઇનસ ૫૩.૮ પર પહોંચી ગયો છે. જો જર્મની મંદીમાં સરકી જશે તો સમગ્ર યુરોપના અર્થતંત્ર પર પણ તેની ખરાબ અસર થશે. નબળા અર્થતંત્રોને તો કદાચ દેવાળું જાહેર કરવું પડશે.

ડોલર સામે યુરોની કિંમત ઘટવાને કારણે યુરોપના દેશોમાં જે ચીજોની આયાત કરવામાં આવે છે, તેના ભાવો વધી રહ્યા છે. યુરોપમાં જે ચીજોની આયાત કરવામાં આવે છે તે પૈકી ૫૦ ટકાની ચૂકવણી ડોલરમાં કરવામાં આવે છે, જ્યારે ૪૦ ટકા ચૂકવણી યુરોમાં થાય છે. યુક્રેનના યુદ્ધ પછી ડોલરના ભાવોમાં ૧૨ ટકા જેટલો વધારો થયો હોવાથી સ્થાનિક બજારોમાં ચીજવસ્તુઓના ભાવોમાં ભારે વધારો થયો છે. યુરોપના લોકોને ઉર્જા પાછળ ત્રણ ગણો વધુ ખર્ચ કરવો પડતો હોવાથી તેમની ખરીદશક્તિ પણ ઘટી ગઈ છે, જેને કારણે ડિમાન્ડ વધતાં ઉત્પાદન પણ ઘટશે. જો ફુગાવો ઘટાડવા સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજના દરો વધારવામાં આવે તો બજારમાં મંદી આવી શકે છે. યુરોપની સેન્ટ્રલ બેન્કે છેલ્લાં ૧૧ વર્ષથી વ્યાજના દરો વધાર્યા નથી, પણ હવે તે વધારવા જ પડશે. જો વ્યાજના દરો વધારવામાં આવે તો નાણાંનો પુરવઠો ઘટતાં બજારમાં મંદીનું મોજું આવી શકે છે.

યુરો અને રૂપિયા જેવી કરન્સીની કિંમત ઘટવાનું મુખ્ય કારણ અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં કરવામાં આવેલો ૦.૭૫ ટકા જેટલો વધારો છે.  ફેડરલ રિઝર્વ હજુ તેના વ્યાજ દરમાં બીજો ૦.૫૦ થી ૦.૭૫ ટકા જેટલો વધારો કરવાનું છે. અમેરિકાનો વ્યાજ દર વધીને ૩.૫૦ ટકાના સ્તર સુધી પહોંચી શકે છે. અમેરિકાના વ્યાજ દરમાં વધારો થવાને કારણે દુનિયાભરના દેશોની કંપનીઓ બીજી કરન્સીમાં કરવામાં આવેલાં રોકાણો પાછા ખેંચીને ડોલર તરફ ધસી રહી છે, જેને કારણે ડોલરના ભાવો ઊંચકાઇ રહ્યા છે. ઉદ્યોગો દ્વારા ધિરાણ ઊંચી કિંમતે લેવામાં આવતું હોવાથી ફુગાવો વધી રહ્યો છે. લોકોની ખરીદશક્તિ ઘટી ગઈ હોવાથી મંદીનો પવન ફૂંકાઈ રહ્યો છે.

પહેલાં કોરોના અને પછી યુક્રેન યુદ્ધના પડદા પાછળ સમગ્ર વિશ્વમાં એક નવી વ્યવસ્થા આકાર ધારણ કરી રહી છે. આ નવી વ્યવસ્થામાં યુરોપ અને અમેરિકા નબળા પડશે, પણ ચીન તેમ જ રશિયા વધુ મજબૂત બની રહ્યા છે. ભારતની હાલત ત્રિશંકુ જેવી છે. ભારત નક્કી નથી કરી શકતું કે તેણે પશ્ચિમના દેશો સાથે રહેવું કે રશિયા અને ચીન સાથે? રશિયા સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો છે, માટે રશિયા પર ભરોસો કરવામાં વાંધો નથી; પણ ચીન સાથે ભારતને જૂની દુશ્મનાવટ છે. તેમ છતાં ચીન ભારતનું પહેલા નંબરનું વેપારી ભાગીદાર બની ગયું છે. ભારતની રિઝર્વ બેન્ક દ્વારા તાજેતરમાં ઇન્ટરનેશનલ ટ્રેડ રૂપિયામાં કરવાની જાહેરાત કરવામાં આવી છે તે પણ ડોલરની સામે આપણા રૂપિયાને મજબૂત બનાવવાની દિશાનું કદમ છે. જો રશિયા, ભારત અને ચીન સંપી જાય અને કોમન કરન્સી વિકસાવે તો યુરોપ અને અમેરિકાની હાલત ખરાબ થઈ શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top