Columns

આત્મવિશ્વાસની શક્તિ

જીમ કોર્બેટ એક મહાન શિકારી તરીકે પ્રખ્યાત હતા.તેમના જીવનનો એક પ્રસંગ છે.ગામમાં એક વ્યક્તિને હૈજા [કોલેરા] ની બીમારીથી અને ગામમાં બધાને લાગ્યું કે હવે તે નહિ જીવે અને બધાએ તેને તેના હાલ પર છોડી દીધો.જીમ કોર્બેટ તે મૃત્યુના દ્વારે ઊભેલા વ્યક્તિને જાળવીને પોતાના ઘરે લઇ ગયા.રોગીની હાલત એકદમ ખરાબ હતી. બચવાની કોઈ આશા દેખાતી ન હતી. જીમ કોર્બેટે તે વ્યક્તિને પોતાના ઘરે લઈ જઈને આરામથી સુવાડ્યો તેની દવા લાવીને બાજુમાં ટેબલ પર મૂકી.પાણી મૂક્યું.તેને સમયસર પૌષ્ટિક ખોરાક આપ્યો અને થોડી વાતો કરી.થોડા દિવસમાં મૃત્યુના દ્વારે પહોંચેલો વ્યક્તિ સ્વસ્થ થઇ ગયો અને ગામલોકો તેને સ્વસ્થ થયેલો જોઇને મોઢામાં આંગળા નાખી ગયા.બધાને બહુ નવાઈ લાગી.

ગામલોકોએ જીમ કોર્બેટને પૂછ્યું, ‘તમે એવી તે કઈ દવા કરી કે આ મરવા પડેલો વ્યક્તિ સાજો થઈ ગયો?’ જીમ કોર્બેટે કહ્યું, ‘જે દવા તેના ઘરના લોકો ગામના ડોક્ટર પાસેથી લાવીને તેને આપતા હતા મેં પણ તે જ દવા આપી છે.’ ગામલોકોએ પૂછ્યું, ‘સાહેબ, આ જ દવા આપવા છતાં તે સાજો થયો ન હતો. મરવાની તૈયારીમાં હતો તો પછી હવે કેવી રીતે સાજો થઈ ગયો?’ જીમ કોર્બેટ કંઈ જવાબ આપે તે પહેલાં પેલો સાજો થયેલો વ્યક્તિ ત્યાં આવ્યો. તેણે કહ્યું, ‘હું કેવી રીતે સાજો થયો તે હું કહું છું. સૌથી પહેલાં સાહેબે મને માત્ર દવા જ નથી આપી, મારું પ્રેમથી ધ્યાન રાખ્યું અને તેમણે હર ઘડીએ તું સાજો થઈ જઈશ અને ફરીથી સામાન્ય અને સ્વસ્થ જીવન જીવી શકીશ તેવો આત્મવિશ્વાસ મને સતત આપ્યો અને તેમણે મને સમજાવ્યું કે જો તું આત્મવિશ્વાસ નહીં રાખે અને જો જીવવાની ઈચ્છા જીવંત નહિ રાખે તો તું જીવી નહિ શકે.

મરવાને બદલે જીવવાના વિચાર કર અને આત્મવિશ્વાસ મજબૂત કરી નક્કી કરી લે કે મારે જીવવું જ છે તો તું ચોક્કસ જીવી જઈશ.સાહેબે મને આત્મવિશ્વાસનું મહત્ત્વ સમજાવ્યું અને એટલું જ નહીં, તેઓ મારી સાથે રોજ એવી વાતો કરતા, જેથી મારો આત્મવિશ્વાસ મજબૂત થાય અને તેમને આપેલા આત્મવિશ્વાસને લીધે જ હું સાજો થઈ શક્યો છું.દવા કરતાં વધારે તેમણે આપેલી હિંમત અને આત્મવિશ્વાસે મને સાજા થવામાં મદદ કરી છે.’ આટલું કહી તેણે સાહેબને પ્રણામ કર્યા અને ગામલોકોએ જીમ કોર્બેટનો આભાર માન્યો. આત્મવિશ્વાસ એક એવી શક્તિ છે કે તેનાથી તમે જે ઈચ્છો તે કરી શકો છો તે કયારેય ન ભૂલતા અને હંમેશા આત્મવિશ્વાસની અમૂલ્ય મૂડી જાળવી રાખજો.  
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top