Columns

પુણ્ય નો મારગ

એક વારની વાત છે એક બહુ પુણ્યશાળી વ્યક્તિ પોતાના પરિવાર સાથે તીર્થ યાત્રાએ નીકળ્યો …થોડા કોસ આગળ ચાલતા બધા સભ્યોને તરસ લાગી ….જેઠ મહિનો હતો ,બહુ ગરમી હતી,તેમની પાસે પાણી હતુ તે ખલાસ થઇ ગયું હતુ આજુ બાજુ કયાંય પાણી દેખાતું ન હતુ. હવે પેલો વ્યક્તિ ચિંતામાં મુકાયો શું કરવું તે કઈ ખબર પડતી ન હતી.

પુણ્યશાળી વ્યક્તિએ ભગવાનને પ્રાર્થના કરી કે ‘પ્રભુ હવે તમેજ માલિક છો ….કોઈ રસ્તો બતાવો’તેણે થોડે દૂર એક સાધુને તપ કરતા જોયો. તે સાધુ પાસે ગયો અને પોતાની તકલીફ કહી અને પાણી ક્યાં મળશે તે પૂછ્યું.સાધુએ કહ્યું અહીંથી એક કોસ દૂર એક નાનું તળાવ છે ત્યાં જઈ પાણી ભરી તરસ બુઝાવી લે.પુણ્યશાળી વ્યક્તિ રાજી થયો.અને પરિવારના સભ્યોને કહ્યું, “તમે અહીજ રહો હું એક કોસ જઈ પાણી લઇ આવું છું.”જયારે તે તળાવમાંથી પાણી ભરીને આવતો હતો ત્યાં રસ્તામાં તેને થોડા તરસ્યા માણસો મળ્યા.વ્યક્તિને દયા આવી અને પોતાની પાસેનું બધું પાણી તે તરસ્યા લોકોને પીવડાવી દીધું પાછું પાણી ભરવા ગયો, ફરી થોડા તરસ્યા લોકો મળ્યા .. પેલા વ્યક્તિએ પાછું બધું પાણી તેઓને પીવડાવી દીધું.

આવું ફરી ફરી થઇ રહ્યું હતુ ……ઘણો સમય વીતી ગયો,સાધુને નવાઈ લાગી કે પોતાના પરિવાર માટે પાણી લેવા ગયેલો વ્યક્તિ કેમ હજી પાછો ન આવ્યો.સાધુ તેને શોધવા તળાવની દિશામાં ગયા.પેલો માણસ દેખાયો તેનું પુણ્યકાર્ય પણ સમજાયું.પછી સાધુએ પેલા વ્યક્તિને કહ્યું,”હે પુણ્યશાળી જીવ, તું તળાવમાંથી પાણી ભરી લાવે છે અને જે તરસ્યા મળે તેને પીવડાવી દે છે …તેનાથી તને શું લાભ થાય છે?” પેલા વ્યક્તિએ કહ્યું, “હું મને શું લાભ થાય છે તે વિષે વિચારતો નથી … મારું ધર્મ કાર્ય કરું છે.” સાધુએ કહ્યું,”એવા ધર્મ કાર્યનો શું લાભ જેનાથી પોતાના પરિવારને તકલીફ થાય તેઓ હજી પાણી માટે તરફડે છે.તું ધર્મ બીજી રીતે પણ નિભાવી શક્યો હોત.”

વ્યક્તિએ પૂછ્યું,”કઈ રીતે?” સાધુએ કહ્યું,”જેમ મેં તને તળાવનો રસ્તો દેખાડ્યો …તેમ તારે પણ તેમને  તળાવનો રસ્તો બતાવી દેવો જોઈએ જેથી તારી પણ તરસ છીપાય અને તે તરસ્યા લોકોને પણ પાણી મળી જાય તારે તારું પાણી ખાલી કરવાની જરૂર નથી.”આટલું કહી સાધુ અદ્રશ્ય થઇ ગયા.પુણ્યશાળી વ્યક્તિને સમજાયું કે પોતાની પાસેથી પુણ્ય આપવા કરતા અન્યને પુણ્ય નો મારગ બતાવી દો. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top