Charchapatra

બાળકો ફરી વર્ગખંડમાં પાછા ફરશે ત્યારે

કોરોનાને કારણે વર્ગખંડ શિક્ષણનું  સ્થાન ઓનલાઇન શિક્ષણે લીધું છે.આ એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હવે ધીરે ધીરે વર્ગખંડ શિક્ષણ શરૂ થઈ રહ્યું છે, ત્યારે સૌથી મોટો પડકાર શિક્ષકો માટે ઊભો થશે! લગભગ દોઢેક વર્ષથી બાળક નાની – મોટી સ્ક્રીન પર શિક્ષણ મેળવી રહ્યો છે ત્યારે અચાનક વર્ગખંડમાં કેદ થવું કદાચ વિદ્યાર્થીને ન પણ ગમે. આ પરિસ્થિતિમાં પોતાને એડજસ્ટ કરવામાં તકલીફ પડે.

વળી કેટલાંક બાળકો જુદી જુદી શૈક્ષણિક ઈ-લર્નિંગ એપ્સની મદદથી કોઈ પણ મુદ્દાને આકૃતિ/ચિત્રો સહ  તકનીકથી સમજયા છે જે એને વધુ ગમે છે અને સમજાય પણ છે .જેથી વર્ગખંડ શિક્ષણ કદાચ ન પણ ગમે! આ પરિસ્થિતિમાં શિક્ષકોએ પોતાના કન્ટેન્ટને રસપ્રદ બનવું જ પડશે. અગાઉનાં વર્ષોમાં જે શૈક્ષણિક પદ્ધતિઓથી વર્ગખંડમાં કામ કરતા હતા તેમાં સંપૂર્ણ બદલાવ લાવવો પડશે. બાળકોને ખૂબ જ ધીરજ અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી સમજવાં પડશે.

વર્ગખંડમાં શિક્ષકોએ પ્રેઝન્ટેશનની સાથે સાથે સંવેદનશીલતા, પ્રેમ અને હૂંફને પણ કામે લગાડવાં પડશે.જટિલ મુદ્દાઓને સરળમાં સરળ રીતે, બાળકો કંટાળે નહીં , રસ કેળવે તે રીતે મૂકવા પડશે. નાનાં નાનાં એકમોમાં શીખવવું પડશે. વધુ પડતી અપેક્ષા, ઉપેક્ષા, ઉતાવળ કે શૈક્ષણિક ભારણ બાળકો સહી ન પણ શકે! અસરકારક શિક્ષણની સાથે બાળકોની લાગણીઓને સ્પર્શવી, સમજવી પડશે.ઓનલાઇન શિક્ષણમાં બાળકોનું ધ્યાન ઓછું હતું ત્યારે ઓફલાઈન શિક્ષણમાં બાળક એકાગ્રતા કેળવે તે બાબતે પણ વધુ પ્રયત્નો કરવા પડશે. શહેર અને ગ્રામ્ય કક્ષાની શાળાઓ તથા હાઈટેક અને સામાન્ય શાળાઓનાં શિક્ષકોની સમસ્યાઓ અલગ અલગ રહેશે એ યાદ રહે. શિક્ષકોમાં મને વિશ્વાસ છે.  સમસ્યાઓનો સામનો કરી વર્ગને સ્વર્ગ જરૂર બનાવશે. સુરત     – અરુણ પંડ્યા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top