Health

દેશમાં ઓમિક્રોનના દર્દીની સંખ્યા 100ને પાર, આ રાજ્યમાં સૌથી વધુ 32 કેસ, જાણો કયા રાજ્યમાં કેટલાં દર્દી?

નવી દિલ્હી:(New Delhi) ભારતમાં ઓમિક્રોનના (Omicron) આંકડા 100ને પાર પહોંચી ગયા છે. હાલ દેશમાં ઓમિક્રોનના એક્ટિવ કેસની સંખ્યા 101 છે. કોરોનાના (Corona) નવો વેરિએન્ટ 11 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થય મંત્રાલયના (Health Minsitry) જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે અધિકૃત રીતે આ જાહેરાત કરી છે. આ અગાઉ આજે સવારે રાજધાનીમાં દિલ્હીમાં ઓમિક્રોનના 10 નવા કેસ નોંધાયા હતા.  

દેશમાં છેલ્લાં 20 દિવસમાં નવા દૈનિક કેસ 10,000ની નીચે નોંધાઈ રહ્યા હતા, પરંતુ હવે ફરી એકવાર કેસ વધે તેવી દહેશત ઉભી થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, ઓમિક્રોનના વધતા કેસોના પગલે દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે દેશના 11 રાજ્યોમાં ઓમિક્રોનના 101 કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં 5થી 10 ટકાના સાપ્તાહિક દરે કોવિડનો ચેપ ફેલાઈ રહ્યો છે. છેલ્લાં 10 દિવસથી કોવિડના દર્દીઓનો દૈનિક આંકડો 10,000થી ઓછો હતો પરંતુ ઓમિક્રોનના લીધે હવે સાવચેત રહેવાની જરૂર છે. સરકારે રાજ્યોને કોવિડના રસીકરણનો કાર્યક્રમ ઝડપથી પૂરો કરવા તાકીદ કરી છે.

ઓમિક્રોનના મહારાષ્ટ્રમાં સૌથી વધુ 32 કેસ નોંધાયા

અત્યાર સુધીમાં સૌથી વધુ 32 કેસ મહારાષ્ટ્રમાં મળી આવ્યા છે. જ્યારે દિલ્હીમાં અત્યાર સુધીમાં 22 લોકોને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે. કોરોનાનો આ નવો વેરિએન્ટ ઓમિક્રોન આવનારા દિવસોમાં ડેલ્ટા વેરિએન્ટને રિપ્લેસ કરી દેવાનો ભય સ્વાસ્થ્ય મંત્રાલયે વ્યક્ત કર્યો છે.

કયા રાજ્યમાં ઓમિક્રોનના કેટલાં કેસ છે?

  • મહારાષ્ટ્ર 32
  • રાજસ્થાન 17
  • દિલ્હી 22
  • ગુજરાત 5
  • કર્ણાટક 8
  • તેલંગણા 8
  • કેરળ 5
  • આંધ્રપ્રદેશ 1
  • ચંદીગઢ 1
  • પં.બંગાળ 1
  • તમિલનાડુ 1
  • કુલ 101

સરકારે WHOને ટાંકીને કહ્યું કે, દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વાઈરસની ડેલ્ટા પેટર્ન કરતા વધુ ઝડપથી ફેલાઈ રહી છે. એવી આશંકા છે કે જ્યાં કમ્યુનિટી ટ્રાન્સમિશન છે. ત્યાં ઓમિક્રોન ચેપ ડેલ્ટા પેટર્નથી આગળ નીકળી જશે. અત્યાર સુધી 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓમિક્રોનના 101 કેસ નોંધાયા છે. આજે સવારે દિલ્હીમાં ઓમિક્રોનના 10 અને તેલંગાણામાં 2 નવા કેસ નોંધાયા છે. તેલંગણામાં ઓમિક્રોનના દર્દીની સંખ્યા 9 થઈ છે. દિલ્હીમાં 20 એક્ટિવ દર્દી છે.

તમને જણાવી દઈએ કે જીનોમ સિક્વન્સિંગ માટે 40 લોકોના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા, જેમાં 10 લોકોમાં ઓમિક્રોનનું ઈન્ફેક્શન જોવા મળ્યું છે. હવે દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કુલ 97 કેસ સામે આવ્યા છે. જ્યારે દિલ્હીમાં આ આંકડો 20 પર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે ગત દિવસે કોરોનાના (Corona) 85 નવા કેસ સામે આવ્યા હતા, જેમાં 40 જેટલાં લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આમા નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત આ તરફ દક્ષિણ ભારતમાં પણ ઝડપથી કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે. અહીં તમિલનાડુમાં (Tamilnadu) કોરોનાના 28 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે.

ગુજરાતમાં (Gujarat) પણ ગઈકાલે મહેસાણાના વિજાપુરની એક 43 વર્ષીય મહિલાને ઓમિક્રોનનું ઈન્ફેક્શન લાગ્યું હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 5 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં હોય આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે.

Most Popular

To Top