Columns

સૌથી મહત્વની મિલકત

એક યુવાન કપલ, ઋતા અને રીતેશ સાથે ભણ્યાં અને પ્રેમલગ્ન કર્યા અને સાથે મળીને એક સ્ટાર્ટ-અપની શરૂઆત કરી. તેમાં પણ સરસ સફળતા મળવા લાગી. ફાઈનાન્સીઅલ એડવાઈઝર તરીકે ઋતાનાં દીદી જ સાથ આપી રહ્યાં હતાં. બહુ સફળતા મળી ત્યારે બધા એકદમ ખુશ હતા અને દીદીની સલાહ પ્રમાણે જે નફો થતો હતો તેનું બરાબર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા હતા. ઋતા અને રીતેશ એકમેકને ખુશ કરવા મોંઘી ભેટ આપતા તે પણ દીદીની સલાહ પ્રમાણે.

જેથી પૈસા ખોટી જગ્યાએ વેડફાઈ ન જાય. બહુ સફળતા મળી ત્યારે હવે પતિ-પત્ની હતા છતાં મારે કારણે આ સફળતા છે તેવો ઈગો ટકરાવા લાગ્યો અને જ્યાં નકારાત્મકતા પ્રવેશે ત્યાં નિષ્ફળતા આવે જ. એક નાનકડી ભૂલને લીધે મોટું નુકસાન ગયું. હવે માર્કેટમાં બ્રૅન્ડ વેલ્યૂ અને વિશ્વાસ બનાવી રાખવા માટે 6 કરોડ રૂપિયા ચુકવવા પડે તેમ હતું નહીં તો બિઝનેસ પડી ભાંગે અને ન ચૂકવે અને નાદારી નોંધાવે તો પણ આગળ કોઈ કામ ન કરી શકે એટલે આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી પરિસ્થિતિ હતી.

ઋતા અને રીતેશ બંને શું કરવું તેની સલાહ લેવા દીદી પાસે ગયા અને દીદીની સામે બસ એકમેક પર દોષારોપણ કરતા રહ્યા. દીદીએ કહ્યું, ‘તમારે મારી પાસેથી સલાહ જોઈએ છે? કોઈ રસ્તો કાઢવો છે કે પછી આમ ઝઘડતા જ રહેવું છે?’ બંને ચૂપ થઈ ગયા, થોડી વાર રહીને રીતેશે કહ્યું, ‘દીદી, માર્કેટમાં રહેવું હશે તો ઘણા પૈસા ચૂકવવા પડશે અને મને લાગે છે, જેટલી મિલકત છે તેમાંથી લગભગ બધી જ વેચવી પડશે, હવે તમે જ સલાહ આપો કે આપણી પાસે જે છે તેમાંથી સૌથી સારી અને ભવિષ્ય માટે જરૂરી અને ફાયદાકારક કઈ મિલકત આપણે બચાવીએ અને કઈ વેચીએ?’ ઋતા ખિન્ન મને ચૂપચાપ બેઠી હતી.

દીદીએ બધી ગણતરી કરી અને પછી કહ્યું, ‘મને લાગે છે કે બંગલો અને ઓફિસ બધું વેચવું જ પડશે તો જ પૈસા ચૂકવી શકીશું અને જો ખૂટે તો ઋતાનાં દાગીના પણ હમણાં વેચી નાખવા પડશે.’ ઋતા ચીસ પાડીને બોલી ઉઠી, ‘દીદી તો તો કઈ નહીં બચે, કોઈ મિલકત નહીં હોય તો ભવિષ્યનું શું?’ દીદીએ ઋતાને પાણી આપ્યું અને પછી બોલ્યા, ‘જો સૌથી મહત્ત્વની અને જરૂરી મિલકત તમારે બચાવવી છે?’ ઋતા અને રીતેશ બંને એક સાથે બોલ્યા, ‘હા, દીદી કઈ મિલકત આપણે બચાવી શકીશું?’

દીદીએ કહ્યું, ‘સૌથી જરૂરી અને સૌથી મહત્વની મિલકત છે આપણી માનસિકતા, આપની મગજની સ્થિતિ અંગ્રેજીમાં કહું તો ‘માઈન્ડસેટ’. કોઇપણ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે માનસિકતા બહુ મોટો ભાગ ભજવે છે. જો મન અને મગજથી મજબૂત અને હકારાત્મક હશો તો કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકશો એટલે તમે તમારા માઈન્ડસેટને સૌથી મહત્ત્વની મિલકત સમજો અને તેને હંમેશા પોઝિટીવ રાખજો. જો મન અને મગજ સ્થિર, શાંત અને હકારાત્મક હશે તો દરેક કામ કરી શકાશે અને ફરી બીજી બધી મિલકત મેળવી શકાશે.’ દીદીએ જરૂરી સલાહ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top