Charchapatra

કર્મ, કર્તવ્ય અને પરિણામનું ગણિત

ભારત દેશ વિસ્તૃત છે. ત્રણ બાજુએ જળ છે. તે વિશાળ રત્નાકરની સંપદા છે. દક્ષિણમાં રામેશ્વરનો શિવ રામરક્ષણની ગ્વાહી છે. ઉત્તરમાં  ગૌરીશંકર હિમાલય અડગ ઊભો છે. કૈલાસધામનો શિવજી સંરક્ષણનો વિશ્વાસ છે. પણ ચીન અને પાકિસ્તાનના અધમ માનવીઓનો બંદોબસ્ત કરવા અમને વ્યસ્ત રહેવું પડે છે. પણ દેશની અંદર જે માનવી સંહાર થઇ રહ્યો છે જે અરાજકતા છે, જે કૌભાંડો વિકસિત થઇ રહ્યા છે, ગરીબ, દલિત, મજૂર, ખેડૂત, ભૂખથી મરી રહ્યો છે, બેકારીથી ત્રસ્ત છે. મોંઘવારીથી તડફડે છે. ઉદાસ છે. ભયમાં છે. તેના તરફ કોનું ધ્યાન છે? પરદેશમાં અમારા દેશની વાહવાહ થાય તો અમારા ગરીબની ભૂખ મટી જવાની છે?

દેશના મુખિયાની વિશ્વ પ્રશંસા કરે તો શું મણિપુરના નારીની દુર્દશા મટી જાય? વરસાદના પાણીથી તણાઇ ગયેલા જીવો શું જીવિત થશે? શું ભાષાચારી સુધરે? શું બળાત્કારી મરી જાય? વિપુલ અનાજ પાકે? મોંઘવારી ઘટે? ના ના નો જ નાદ ગુંજશે. દેશ રડી રહ્યો છે. સંપૂર્ણ ભારતના સર્વ પ્રદેશોના સુખ દુ:ખની જવાબદારી કેન્દ્રની છે. દેશનો પ્રત્યેક પ્રદેશ, રાજય અને ત્યાંની પ્રજા કેન્દ્ર સરકારના મંત્રીઓ અને સંસદ સભ્યોના અવયવો છે. માણસ જેમ શરીરનું નખ પણ દુખે તો ત્વરિત ઇલાજ કરે છે તેમજ કોઇ પણ પ્રાન્તની પ્રજા દુ:ખ સહેતી હોય તો બધા જ મંત્રીગણ અને સમગ્ર પાંચસો ચાળીસ સાંસદોને પીડા ઉપડવી જોઇએ.

કારણ તમે પ્રજાથી છો, પ્રજાના છો અને પ્રજા થકી છો. તમે ભલે અલગ અલગ પક્ષના હશો. પણ સંસદ ભવનમાં એકબીજાના ભાઇ છો. તમારે એક થઇને પ્રજા પરનું દુ:ખ દૂર કરવા અવાજ ઉઠાવવો જોઇએ. પ્રજાજનોનું દુ:ખ પોતાના રાજયનું દુ:ખ સમજીને આગળ આવવું જોઇએ. તમે પોતાનું પદ, પ્રતિષ્ઠા, પગાર ભથ્થાઓના સ્વાર્થમાં રહેશો તો પ્રજાનો શાપ તમને લાગશે. સુપ્રીમ કોર્ટનો રણકાર પણ તમે સાંભળતા નથી તો અક્ષમ્ય અપરાધ કરી રહ્યા છો. નારીની દયા ન આવે તો કાયા ભ્રષ્ટ થશે, એ કુદરતનો ન્યાય છે.
સુરત              – બાળકૃષ્ણ વડનેરે– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top