Dakshin Gujarat

લ્યો બોલો, લાખોની લૂંટ કર્યા બાદ લૂંટારો વાપી પોલીસમાં નોકરીએ જોડાઈ ગયો

વાપી: (Vapi) બે વર્ષ પહેલાં 2020માં વાપીમાં રૂપિયા 16 લાખની થયેલી લૂંટના (Robbery) ગુનાનો ભેદ આખરે ઉકેલાયો છે. આ સનસનીખેજ અપહરણ (Kidnap) અને લૂંટના ગુનામાં વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે (Police) ગેંગના ચાર સાગરિતોને (Arrest) પકડી પાડ્યા છે. ઓછા પગારની નોકરી કરતા મિત્રોએ શોર્ટકટમાં રાતોરાત લખપતિ બનવાના ચક્કરામાં એક પરિચિતને જ શિકાર બનાવી તેનું અપહરણ કરી રૂપિયા 16 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે રૂપિયા 16 લાખની લૂંટ ચલાવ્યા બાદ લૂંટારા પંથક છોડી ભાગી જવાના બદલે વાપીમાં જ સેટલ થયા હતા. લૂંટારાઓ પૈકી એક તો લૂંટ ચલાવ્યાના છ મહિના બાદ જ વાપીના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જીઆરડી (GRD) તરીકે નોકરી કરવા લાગ્યો હતો.

ઘટનાની વિગતો એવી છે કે 27 જાન્યુઆરી 2020ના રોજ વાપી જીઆઈડીસી મોરારજી સર્કલ પાસે રૂપિયા 16 લાખની લૂંટનો બનાવ બન્યો હતો. આ ચકચારી ઘટના એવી હતી કે વાપીની એક ઓનલાઈન શોપિંગ એજન્સીનો કલેક્શન બોય શનિ-રવિની રજા બાદ બે દિવસમાં ભેગી થયેલી રોકડ રકમનું કલેક્શન અંદાજે રૂપિયા 16 લાખ બેન્કમાં જમા કરાવવા જઈ રહ્યો હતો તે વખતે પાછળથી બાઈક પર આવેલા બે શખ્સોએ તેને રસ્તા વચ્ચે ઉભો રાખી મારી બહેનની છેડતી કેમ કરે છે તેવો આક્ષેપ કરી ઝઘડો કર્યો હતો. દરમિયાન યુવકોએ કલેકશન બોય સાથે ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ બંને શખ્સો કલેક્શન બોય યતીન પટેલને પોતાની બાઈક પર બેસાડી દમણગંગા બ્રિજ સુધી અપહરણ કરી લઈ ગયા હતા અને ત્યાં મોકો મળતા જ યતીનને રોડ પર ફેંકી તેની બેગ લઈ ફરાર થઈ ગયા હતા.

છેલ્લાં બે વર્ષથી આ ગુનો ઉકેલાયો નહોતો. યતીનની ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી હતી પરંતુ કોઈ સફળતા મળી નહોતી. આખરે આ ગુનો ઉકેલાયો છે. વલસાડ એસઓજી અને એલસીબી પોલીસે લૂંટના મુખ્ય સૂત્રધારને મહારાષ્ટ્રમાંથી પકડી લીધો છે. તેની પૂછપરછ કરતા વાપી અને દમણમાં રહેતા અન્ય 3 લૂંટારાને પકડી પાડવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર પોલીસથી બચવા માટે આરોપીઓએ પોતાનો વ્યવસાય બદલી નાંખ્યો હતો. આરોપીઓ પૈકી એક છેલ્લાં કેટલાંક સમયથી વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જીઆરડી (ગ્રામ રક્ષક દળ)માં નોકરી કરતો હતો. જે આરોપીઓ પકડાયા છે તે પૈકી એક અઝીઝ મેમણ દમણની વાઈન શોપમાં નોકરી કરતો હતો. બીજો નીલ જોન્સાએ પોતે કોમ્પ્યૂટર ટેક્નોલોજીમાં ડિપ્લોમા કર્યું છે પરંતુ તે ઝોમેટો કંપનીમાં ડિલીવરી બોય તરીકે કામ કરતો અને વાપીના ચલામાં રહેતો હતો. લૂંટ બાદ તે મહારાષ્ટ્રના મલાડમાં ઓટો સર્વિસના શો રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. ત્રીજો આરોપી ગૌતમ ઘેવરલાલ માલી દોઢ વર્ષથી વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે નોકરી કરતો હતો. જ્યારે મગનલાલ માલી નામનો ચોથો આરોપી કોસ્મેટીક ચીજવસ્તુઓનો વેપાર કરતો હતો. અઝીઝ મેમણ પહેલાંથી જ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો. ગુનાનો માસ્તર માઈન્ડ ગૌતમ ઘેવરલાલ માલી છે, જે હાલ જીઆરડી તરીકે નોકરી કરતો હતો.

Most Popular

To Top