
દારૂબંધી માફક ગુજરાત વર્ષ ૧૯૬૯ અને ૧૯૮૫નાં કોમી રમખાણો માટે પણ જાણીતું છે. ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી હિતેન્દ્રભાઈ દેસાઈનાં સમયમાં અમદાવાદસ્થિત જગન્નાથ મંદિર પાસે ગાયો ચરાવવા જેવી સામાન્ય બાબતમાંથી ગરમાયેલું વાતાવરણ પછીથી આંદોલન સ્વરૂપે વ્યાપક બન્યું હતું. પરંતુ ૧૯૮૫માં કોમી રમખાણોનો પ્રારંભ અનામત અને તે પછી ચૂંટણીલક્ષી ખામ થીયરી પ્રચલિત કરવાનાં ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીનાં સમયમાં ફેલાયા હતાં.
જોકે એ સમયે વડોદરા શહેરનાં કોમી રમખાણો વિષયે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ (સુરત)નાં સંશોધનનું તારણ હતું કે શહેરોમાં મરાઠા (પ્રકારે હિંદુ), મુસ્લિમ અને ભોઈ (પ્રકારે પછાત) જાતિનાં બેરોજગારોનાં આર્થિક હિતોના ટકરાવમાંથી તોફાનો થતાં હોય છે. તે પછી ૧૯૯૦માં રામજન્મભૂમિ રથયાત્રા અને રામસેવકોની અટકાયત તેમજ ૧૯૯૨માં બાબરી ધ્વંસના પડઘા રૂપે ગુજરાતમાં કોમી રમખાણો જોવા મળ્યા. અયોધ્યાથી પાછા ફરતા ૫૯ કારસેવકોને સાબરમતી એક્સપ્રેસનાં કોચમાં આગ લગાડી શરમજનક રીતે હત્યા કરી દેવાનાં વર્ષ ૨૦૦૨નાં કોમી તોફાનો પહેલાંનાં તમામ રમખાણો માનવસહજ પ્રતિક્રિયા હોવાનું અને વિશેષ હિંદુ-મુસ્લિમ દ્વેષ જેવી ભાવનાને કારણભૂત ગણી શકાય તેમ નથી, તેવું સમાજશાસ્ત્રીય અભ્યાસોનું તારણ છે.
ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી હિતેન્દ્રભાઈથી શ્રી નરેન્દ્રભાઈ સુધીના યુગમાં પાંચ આંદોલનો થયા, પરંતુ ૧૯૭૩-૭૪ અને તે પછી વર્ષ ૧૯૯૦-૯૪ દરમિયાન ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ચિમનભાઈ પટેલનાં સમયમાં કોઈ કમ્યુનલ રાયટ્સ થયાનું નોંધાયું નથી. અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક ડો. ચિમનભાઈ પટેલનાં બીજા કાર્યકાળમાં ગુજરાત પોલીસે નિયમ વિરુદ્ધ દારૂ બનાવનાર, વહેંચનારને સામાજિક શાંતિ માટેનાં માઇક્રો મેનેજમેન્ટ સાથે જોડતાં તે પછીનાં સમયમાં ડ્રાય સ્ટેટમાં નિયમ વિરુદ્ધ દારૂનાં રીઢા ગુનેગારોની ધરપકડ માટે પાસા અંતર્ગત કાગળો તૈયાર રાખવામાં આવતા થયા. બિઝનેસ મેનેજમેન્ટ જેને થીયરી ઑફ વિન-વિન તરીકે જાણે છે, તે અનુસાર દારૂબંધી ધરાવતાં ગુજરાતમાં બનાવનાર, વહેંચનાર, પીનાર અને તંત્ર સહુમાં સમાન ભાગે લાભની પ્રથા શાંતિથી કાર્યાન્વિત થતાં, સરવાળે ગુજરાતમાં શેરી-મહોલ્લામાં દારૂનાં વેચાણ કેન્દ્રોએ જ શાંતિ સ્થાપકની જગ્યા લીધી છે અને કમ્યુનલ હાર્મની જળવાઈ રહ્યું હોય તેવું સમાજ તરફી અવલોકન રહે છે.
પ્રતિવર્ષ ૧૨૦૦૦ કરોડની એક્સાઇઝ તથા ૧૬૦૦૦ કરોડ આસપાસ જકાત ગુમાવનાર ગુજરાત રાજ્યનું મહેસૂલ ખાતું પણ આજે ૧ મે ૧૯૬૦થી એટલે કે ૬૬ વર્ષ પછી પણ ગુજરાત રાજ્યને દારૂબંધીના સકંજામાંથી છોડાવી શકતું નથી. પ્રતિ વર્ષ વિદેશથી આવતા ૪૭,૦૦૦ પ્રવાસીઓને નિયમસર ચાંદલો સ્વીકારી પરમિટ આપે છે. વિશેષ મોબાઇલ આધારે દારૂની બ્રાન્ડ, ડિલિવરી ટાઇમ, બેંકમાં જમા કરવાની રકમ જેવી લે-વેચ અમૂલના દૂધ માફક સુચારુ રૂપે ચાલતી જોવા મળે છે. આમ છતાં સરકાર નાગરિકોની વ્હારે લોકમત ટાળી શકતો નથી. ગુલામીકાળમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ વર્ષ ૧૭૭૩માં ખેડૂતોને અફીણની ખેતી અને વેપાર માટે પ્રેર્યા. બિહાર, બંગાળ અને ઉત્તર પ્રદેશના ખેડૂતોનું નશામાં રોકાણ ચીનમાં વહેંચી અંગ્રેજો બે-તરફી કમાણી કરતાં.
સ્વરાજની લડત સમયે પ્રજાની ઉત્પાદકતા અને નશાયુક્ત સ્થિતિનું વિષચક્ર તોડવા મહાત્મા ગાંધીએ ‘માનવ આત્માની મૌલિકતા અને સ્વ ઉપરના માનવીય નિયંત્રણને પ્રાધાન્ય’ આપતાં ગરીબ અને શ્રમિક વર્ગને શોષણથી મુક્ત કરવા પૂર્ણ દારૂબંધીની હિમાયત કરી. વિશેષ હરિજન સામયિકમાં નોંધ્યું કે, ‘મને કોઈ એક દિવસ માટે સત્તા આપે તો હું સહુ પહેલા કોઈને પણ વળતર આપ્યા વિના તમામ દારૂનાં અડ્ડા બંધ કરાવું.’
પરંતુ હજારો વર્ષની પરંપરાથી સોમ-રસથી સભર ૫૬૨ દેશી રજવાડાંના સ્વતંત્ર ભારતમાં વ્યસન મૂકતી તો શક્ય જ નહોતી, તેમ પ્રજાસત્તાક ભારતના બંધારણમાં દારૂબંધીનો ઉલ્લેખ શક્ય નહોતો, પરંતુ ગુજરાતે ગાંધીના વારસદાર તરીકે દારૂબંધી જાળવી રાખી છે. જોકે આઝાદી પછી ૮૦ વર્ષે પ્રજા અને રાજા હળી-મળી આંખ આડા કાન ધરી રાખે છે. જે સંબંધે ગુજરાતમાં નશાબંધી વિષયે રાજ્યનું પ્રતિષ્ઠિત અખબાર જણાવે છે તેમ, ‘સરકારે વિધાનસભામાં આપેલી માહિતી અનુસાર વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫નાં સંકલિત આંકડા મુજબ એકલા ભાવનગરમાં રૂ. ૧૦.૬૬ કરોડનો દારૂ ઝડપાયો છે.’ અહેવાલ નોંધે છે કે છેલ્લા ૮ વર્ષમાં અંદાજે ૧૦૦થી વધુ લોકો ઈથેનોલ, મિથેનોલ મિશ્રિત લઠ્ઠો પીવાથી પરિવારને નિરાધાર મૂકી ગયા છે.
સાપુતારા, આબુ અને દીવમાં ખુશી-ખુશી દારૂ પીવા જતા ગુજરાતી પ્રવાસીઓની પસંદગીનો દારૂ પછીથી રાજસ્થાન, મહારાષ્ટ્રથી ટ્રક ભરી-ભરી પહોંચતો રહે છે. અને આથી જતાં વર્ષ ૨૦૨૦-૨૫ દરમિયાન એકલા બુટલેગરો સામે ૪૮,૦૦૦ ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે. તેથી વિશેષ ૬,૫૨૯ પોલીસ અધિકારીઓ અને ૨૩,૫૫૫ પોલીસ કોન્સ્ટેબલો સામે ખાતાકીય કાર્યવાહી થઈ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર એકલા ગુજરાતમાં ૫.૨ ટકા એટલે કે લગભગ ૨૦,૦૦,૦૦૦ નાગરિકો દારૂનું સેવન કરે છે. ક્રાઇમ બ્યુરોના રિપોર્ટ મુજબ દેશમાં સૌથી વધુ ૩.૫૨ લાખ દારૂબંધીના કેસ માત્ર ગુજરાતમાં નોંધાયા છે, જે પોલીસ કચેરીમાં નોંધાતા કુલ ગુનાઓના ૫૫ ટકા રહ્યા છે. ત્યારે કહેવું પડે, ગુજરાતમાં દારૂ જ નહિ, દારૂબંધી પણ નકલી છે.
ગાંધીના ગુજરાતમાં ગાંધીનગરમાં જ ગિફ્ટ સિટીને દારૂની પરમિટ સાથે શણગારવામાં આવી છે. તેમ નશાબંધી વિભાગ ઉદાર ભાવે પરમિટ પણ ફાળવી રહ્યું છે. ત્યારે ડ્રાય સ્ટેટનો મુખોટો શા માટે? ગુજરાતમાં તો હવે કોઈ ગાંધીજન પણ નશાબંધીના મૂલ્યનિષ્ઠ ગુજરાત માટે હિમાયત કરતું નથી. સામા પક્ષે દારૂબંધીથી વ્યક્તિગત કમાણી કરતાં તંત્રવાહકોની દલીલ રહે છે, જણાવે છે કે, ‘ટ્રેનમાં ૧૦ ટકા મુસાફરો વગર ટિકિટે મુસાફરી કરતા હોય છે તો ટ્રેન વ્યવસ્થા ધર્માદાથી ચલાવવી શક્ય ખરી!’
જમીનની હકીકત અને મુખોટા પાછળની ધારણા આસપાસ શંકાનું કુંડાળું બૃહદ ગુજરાતની સ્થાપનાથી આજ સુધી ફરતું રહ્યું છે. ત્યારે ગુજરાતમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર આડેથી નશાબંધી નામે એક પાંદડું હટાવી શકાય તો પોલીસ અને પ્રજા બંને માટે રાહતરૂપ બને તેમ છે. તંત્રની નિખાલસ કબૂલાતથી ગુજરાતને વર્ષે ૩૦-૩૨ હજાર કરોડની આવક થશે અને પ્રતિ વર્ષ હજારો ગરીબ ઝેરી દારૂથી મોતને ભેટતા અટકશે. ગુજરાત ઉપર ભ્રષ્ટાચારી રાજ્યનું કલંક કંઈક અંશે ઝાંખું પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.