વાર્ષિક ધોરણે 14.8%નો મોટો ઉછાળો:મજબૂત સ્થાનિક વ્યવહારો ઉપરાંત ઉચી આયાતની પણ અસર
સ્થાનિક વ્યવહારો તેમજ આયાતને કારણે ઓગસ્ટ મહિનામાં ગ્રોસ GST કલેક્શન વાર્ષિક ધોરણે ૧૪.૮ ટકા વધીને લગભગ રૂ. ૨ લાખ કરોડ થયું છે.ઓગસ્ટના GST કલેક્શનના આ આંકડા, નાણાકીય વર્ષ ૨૭ ના જૂન ક્વાર્ટરમાં જીડીપીમાં ૭.૮ ટકાની વૃદ્ધિ દર્શાવતા સત્તાવાર ડેટાના એક દિવસ પછી આવ્યા છે. આ દર્શાવે છે કે ટેરિફના પ્રતિકૂળ પવનો અને પશ્ચિમ એશિયા સંકટ છતાં બીજા ક્વાર્ટરમાં પણ આર્થિક પ્રવૃત્તિ અને વપરાશ મજબૂત રહ્યા છે. સ્થાનિક વ્યવહારોમાંથી આવક ૯.૩ ટકા વધીને રૂ. ૧.૩૭ લાખ કરોડથી વધુ થઈ છે, જ્યારે આયાતમાંથી મળતી આવક ૨૯ ટકા ઉછળીને રૂ. ૬૨,૬૦૪ કરોડ થઈ છે. આ સાથે, ઓગસ્ટ દરમિયાન ગ્રોસ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવક રૂ. ૧,૯૯,૮૫૩ કરોડ રહી છે.
ઓગસ્ટ દરમિયાન ગ્રોસ સેન્ટ્રલ GST કલેક્શન રૂ. ૩૮,૪૧૩ કરોડ, સ્ટેટ GST રૂ. ૪૬,૩૧૬ કરોડ અને ઈન્ટીગ્રેટેડ GST રૂ. ૧.૧૫ લાખ કરોડથી વધુ રહ્યું હતું. ઓગસ્ટ દરમિયાન રિફંડ ૬૮ ટકા વધીને રૂ. ૩૧,૭૯૫ કરોડ થયું હતું. મહિના દરમિયાન નેટ GST કલેક્શન રૂ. ૧.૬૮ લાખ કરોડ રહ્યું હતું, જે વાર્ષિક ધોરણે ૮.૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.ઈવાય ઈન્ડિયાના ટેક્સ પાર્ટનર સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે GST કલેક્શન ભારતીય અર્થતંત્રની મૂળભૂત મજબૂતીને રેખાંકિત કરે છે, જે સતત વપરાશ અને સુધરતા અનુપાલનને પ્રતિબિંબિત કરે છે. તેટલું જ પ્રોત્સાહક અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, અસમ, છત્તીસગઢ, લડાખ અને અંદમાન અને નિકોબાર જેવા રાજ્યોમાંથી કલેક્શનમાં થયેલો સુધારો છે.
આ એક એવો ટ્રેન્ડ છે જે પરંપરાગત ઔદ્યોગિક કેન્દ્રોથી આગળ વધીને આર્થિક પ્રવૃત્તિના વિસ્તરણને દર્શાવે છે અને વધુ સર્વસમાવેશી, ભૌગોલિક રીતે સંતુલિત વિકાસ તરફ ઈશારો કરે છે. અગ્રવાલે જણાવ્યું હતું કે, આગળ જોતાં, તહેવારોની સિઝન નજીક આવી રહી હોવાથી, ગ્રાહકોના વધતા ખર્ચના ટેકાથી આગામી બે મહિનામાં મહેસૂલ કલેક્શન ઉંચા સ્તરે જવાની શક્યતા છે.