Charchapatra

નાટય સ્પર્ધામાં દર વર્ષે થતાં ‘નાટક’

COVID-19 ને કારણે છેક બે વર્ષ પછી સુરત મહાનગર પાલિકા દ્વારા યોજાતી ત્રિઅંકી નાટય સ્પર્ધા તાજેતરમાં પૂર્ણ થઈ ગઈ. સ્પર્ધા પૂર્ણ થઈ ગઈ છે અને વાદવિવાદ ન થાય એટલે હવે આ સમયે આ ચર્ચાપત્ર યોગ્ય છે. આમ તો આ સ્પર્ધા દરેક સુરતીઓ માટે સમગ્ર વિશ્વમાં ગૌરવને પાત્ર છે. કારણ કે, એક મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ફૂલલેન્થ નાટકોની સ્પર્ધા થાય અને તે પણ 53 વર્ષમાં 48 વખત, એ એક વિક્રમ છે. છતાં કોઈ ને કોઈ કારણે દર વર્ષે વિવાદ ઊભો થાય છે અને આ ભગીરથ વિક્રમ સમ પ્રવૃત્તિ સાથે વિવાદોનો વિક્રમ પણ સર્જાય છે. આ બધા જ વિવાદોનું મૂળ છે આ સ્પર્ધાના નીતિ-નિયમો અને પધ્ધતિમાં રહેલાં બાકોરાં.

આ બાકોરાનો ફાયદો સ્પર્ધક, નિર્ણાયકો, આયોજક સંસ્થા, નાટયરસિકો કે તંત્ર ક્યારેક ને ક્યારેક ઉઠાવે અને અંતે સ્પર્ધા વિવાદિત રીતે જ પૂર્ણ થાય. મહાનગર પાલિકાનું નામ ગૌરવવંતી ક્ષણો સાથે છાપામાં વિવાદને લઈને છપાતું જ રહે છે. છતાં પણ આ બાકોરાં બંધ કરવાનો પ્રયત્ન આયોજક સંસ્થા, નાટયવિદો, નાટ્ય કલાકારોનાં સંગઠનો, કલાકારો કે તંત્ર વગેરે પૈકી કોઈ કરતું નથી. લાગે છે કે આ દરેક જણ જાણે છે કે ક્યારેક તો સહુ કોઈને કોઈ ને કોઈ પ્રકારે બાકોરાંની જરૂર તો પડશે જ. એટલે જો આ બાકોરાં પૂરાઈ જાય તો સહુની છટકબારી બંધ થઈ જાય. ટૂંકમાં સફળતા મેળવવા, અસ્તિત્વ ટકાવવા અને પ્રતિષ્ઠા જાળવવાના ચક્કરમાં નિયમોનો ઢીલાશને લઈ બાકોરાં શોધીને નાટ્યસ્પર્ધામાં દર વર્ષે ‘નાટકો’ થાય છે. દુ:ખ ત્યારે થાય કે ગૌરવ માણવા જેવી સુરત મહાનગરપાલિકા આયોજીત નાટ્યસ્પર્ધાની પ્રવૃત્તિને અંતે આલોચના, વિવાદ અને પ્રશ્નો સર્જાય.
સુરત     – નિલેશભાઈ પટેલ  – આ લેખમાં પ્રગટ થયેલ વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top