Sports

ભારતીય ક્રિકેટ ફેન્સ માટે નિરાશા: આ કારણે ટી-20 વર્લ્ડકપ UAEમાં યોજાવાની સત્તાવાર જાહેરાત

નવી દિલ્હી : ભારકીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (SAURAV GANGULI)એ છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ મુકીને સોમવારે કહ્યું હતું કે કોરોનાના (CORONA) કારણે આરોગ્ય સંબંધી ચિતાઓને ધ્યાને લેતા ઓક્ટોબર-નવેમ્બરમાં ટી-20 વર્લ્ડકપ (T-20 WORLD CUP)નું આયોજન ભારતના સ્થાને યૂએઇ (UAE)માં કરવામાં આવશે.

ગાંગુલીએ પીટીઆઇને જણાવ્યું હતું કે અમે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC)ને સત્તાવાર જાણ કરી દીધી છે કે ટી-20 વર્લ્ડકપ યૂએઇમાં ખસેડવામાં આવી શકે છે. આ બાબતે વિગતો તૈયાર કરવામાં આવી રહી છે. ગાંગુલીએ કહ્યું હતું કે આ નિર્ણય તમામ હિત ધારકોની આરોગ્ય સુરક્ષાને ધ્યાને લઇને કરવામાં આવ્યો છે. જો કે આ મુખ્ય ટૂર્નામેન્ટની યજમાની બીસીસીઆઇ હસ્તક જ રહેશે. ગાંગુલીને એવો સવાલ કરાયો કે ટૂર્નામેન્ટ 17 ઓક્ટોબરે જ શરૂ થશે? ત્યારે તેણે કહ્યું હતું કે અમે કાર્યક્રમને થોડા દિવસોમાં અંતિમ રૂપ આપીશું. 17 ઓક્ટોબરે ટૂર્નામેન્ટ શરૂ થશે તેના પર હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. આઇસીસીના પ્રવક્તાએ પણ કહ્યું હતું કે વૈશ્વિક બોડીએ હજુ સુધી અંતિમ કાર્યક્રમ પર નિર્ણય લીધો નથી.

આઇસીસીએ આ મહિનાની શરૂઆતમાં બીસીસીઆઇને આ બાબતે નિર્ણય કરવા અને તેમને માહિતગાર કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો કે કોરોનાની સ્થિતિને ધ્યાને લઇને શું ભારત આ ટૂર્નામેન્ટની યજમાની કરી શકે છે. પીટીઆઇએ ચોથી મેના રોજ સૌથી પહેલા એવો અહેવાલ આપ્યો હતો કે આ ટૂર્નામેન્ટ યૂએઇમાં ખસેડવામાં આવી શકે છે. બીસીસીઆઇના સચિવ જય શાહે તમામ રાજ્ય યુનિટોને લખેલા પત્રમાં કહ્યું હતું કે ખેલાડીઓ અને અન્ય હિતધારકોની સુરક્ષાને સર્વોપરી રાખીને આ નિર્ણય લેવાયો છે.

ટી-20 વર્લ્ડકપ UAEમાં યોજવા ICCએ પહેલાથી તૈયારી શરૂ કરી દીધી હતી
ઇન્ડિયન પ્રીમીયર લીગ (IPL)ને સ્થગિત કરાયા પછી આઇપીએલની બાકી બચેલી મેચ યૂએઇમા યોજવાની સંભાવના દેખાઇ રહી હતી અને તેના કારણે એવું પહેલાથી જ લાગી રહ્યું હતું કે ભારત માટે 9 શહેરોમાં ટી-20 વર્લ્ડકપનું આયોજન કરવું મુશ્કેલ બનશે અને તેના કારણે જ આઇસીસીએ ટૂર્નામેન્ટ દુબઇ, અબુધાબી અને શારજાહમાં યોજવા માટેની પોતાના તરફથી તૈયારી શરૂ કરી દીધી હતી.

UAEમાં પીચો તૈયાર કરવા માટે ક્વોલિફાઇંગ રાઉન્ડની મેચો મસ્કતમાં યોજાવાની સંભાવના
યુએઇના અબુ ધાબી, દુબઇ અને શારજાહમાં આઇપીએલની બાકી બચેલી 31 મેચ 15 ઓક્ટોબર સુધી રમાવાની છે. તે પછી યૂએઇના આ શહેરોની પીચોને ટી-20 વર્લ્ડકપ માટે ફરીથી તૈયાર કરવા માટે પુરતો સમય મેળવવા માટે ક્વોલિફાઇંગ રાઉન્ડની મેચો મસ્કતમાં યોજવામાં આવે તેવી સંભાવના છે.

Most Popular

To Top