Dakshin Gujarat

કોરોનાની સાથે સ્વાઈનફ્લૂએ પણ માથું ઊંચક્યું: વલસાડમાં પગ પેસારો, એકનું મોત

વલસાડ : વલસાડ (Valsad) જિલ્લામાં બે વર્ષ બાદ ફરી સ્વાઈનફ્લૂનો (Swineflu) પગ પેસારો થયો છે. જિલ્લામાં ત્રણ કેસ નોંધાયા છે, જે પૈકી ઉમરગામ તાલુકાના નારગોલની 60 વર્ષની મહિલા દર્દીનું સારવાર દરમિયાન વલસાડ સિવિલમાં મોત (Death) નિપજ્યું હતું, જ્યારે 2 દરદીઓ વાપીની હોસ્પિટલમાં (Hospital) સારવાર હેઠળ છે, તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મોતને ભેટેલી નારગોલની મહિલાને પ્રથમ વાપીની ખાનગી હોસ્પિટલમાં 28 જુલાઈએ દાખલ કરાઈ હતી, જ્યાંથી વધુ સારવાર માટે 1 ઓગસ્ટે વલસાડ સિવિલમાં ખસેડાઈ હતી. જ્યાં 5 ઓગસ્ટે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

ચલાના 62 વર્ષના વૃધ્ધને 4 ઓગસ્ટે વાપીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ગુંજન-વાપીના 47 વર્ષના યુવાનને ગંભીર હાલતમાં 1 ઓગસ્ટે વાપીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે ગઈકાલે 4 ઓગસ્ટે ફરી કરાયેલા ટેસ્ટમાં રિપોર્ટ સ્વાઈનફ્લૂ પોઝિટિવ આવ્યો હતો. જોકે બંને દર્દીઓની તબિયત હાલ સ્થિર હોવાનું જિલ્લા એપેડેમિક ઓફીસર ડો.મનોજ પટેલે જણાવ્યું હતું.

  • નારગોલની 60 વર્ષની મહિલાનું મોત, 2 દર્દી વાપીની હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • જિલ્લામાં 2015થી અત્યાર સુધી 97 કેસ નોંધાયા, 10 દર્દીઓના મોત થયા, 2019માં 29 કેસ અને 1 મોત નોધાયા
  • સિવિલ હોસ્પિટલમાં 15 બેડ અને 6 આઇસીયુ સાથેનો વિશેષ વોર્ડ ઉભો કરાયો

સિવિલમાં સ્વાઈનફ્લૂનો વિશેષ વોર્ડ તૈયાર કરાયો
વલસાડ સિવિલ હોસ્પિટલ અધિક્ષક ડો. ગોયાણીએ જણાવ્યું કે સ્વાઈનફ્લૂના નોંધાયેલા કેસના પગલે હોસ્પિટલમાં સ્વાઈનફ્લૂ માટે વિશેષ વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં હાલે 15 બેડ અને 6 આઇસીયુનો સમાવેશ થાય છે. સાથે વિશેષ તબીબ અને સ્ટાફની નિમણૂંક પણ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા
વલસાડ : વલસાડ જિલ્લામાં શુક્રવારે કોરોનાના 11 નવા કેસ નોંધાયા હતા, જેમાં વલસાડ તાલુકામાં 7 અને પારડી તાલુકામાં 4 કેસનો સમાવેશ થાય છે. જ્યારે 22 દર્દીઓ સાજા થયા હતા. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 13,424 કેસ નોંધાયા છે, જે પૈકી 12,842 સાજા થયા છે અને 84 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાના 6,45,273 ટેસ્ટ કર્યા છે, જે પૈકી 6,11,849 નેગેટિવ અને 13,424 પોઝિટિવ નોંધાયા છે. કપરાડા તાલુકાના અંભેટી સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે ગત અઠવાડિયે 17 કેસ નોંધાયા હતા. જે પૈકી શુક્રવારે એક વિદ્યાર્થી અને 3 કર્મચારી મળી 4 લોકો સાજા થયા હતા. અન્ય વિદ્યાર્થીઓની તબિયત સ્થિર છે.

Most Popular

To Top