SURAT

સુરતનું વાતાવરણ અચાનક સાંજે બદલાઈ ગયું, મીની વાવાઝોડું ફૂંકાયું, મેળો બંધ કરી દેવાયો

સુરત: (Surat) વરસાદ અને વાવાઝોડાની (Cyclone) આગાહી વચ્ચે સુરતમાં સોમવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે સાત વાગ્યા પહેલાંજ અંધારૂ થઈ ગયું હતું અને અચાનક ભારે પવન (Wind) ફૂંકાવા લાગ્યો હતો. શહેરમાં અનેક ઝાડ પડી ગયા હોવાનું માલૂમ પડ્યું છે. દરમ્યાન ભારે પવનને કારણે અઠવાગેટમાં ભરાયેલો મેળો સંચાલકોએ બંધ કરવો પડ્યો હતો.

સોમવારે શહેરમાં વાતાવરણે એકાએક એવી કરવટ લીધી કે મોડી સાંજે શહેર જાણી થંભી ગયું હતું. બપોરની કાળઝાળ ગરમી બાદ સાંજે શહેર કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઇ ગયું હતું અને 78 કિલોમીટરની ઝડપે સૂસવાટા મારતો પવન ફૂંકાયો હતો. આમ મિનિ વાવાઝોડાને કારણે વાહન ચાલકોના પૈડાં થંભી ગયા હતા અને વાહન ચાલકો ધૂળની ડમરીથી બચવા આસરો શોધતા જોવા મળ્યા હતા.

હવામાન વિભાગ પાસેથી જાણવા મળ્યું હતું કે દક્ષિણ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેની અસરને કારણે સોમવારે મોડી સાંજે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવનની તીવ્રતામાં વધારો જોવા મળ્યો છે. તોફાની પવન ફૂંકાઈ રહ્યો હોવાથી ધૂળની ડમરીઓ ઉડી હતી. ઉપરાંત ગરમીમાં પણ થોડી રાહત જોવા મળી હતી. તે સાથે સાથે વાતાવરણમાં ભેજ પણ વધ્યો હોવાથી મોડી સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોડી સાંજે સાતથી સાડા સાત વાગ્યા સુધીમાં 66થી 78 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાયો હતો.

દિવસ દરમિયાન શહેરનું મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી રહ્યું છે. સુરત એરપોર્ટ પર 78 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાયો હતો. પરંતુ તે સમયે ટેકઓફ અને લેન્ડિંગ કરતી કોઈ ફ્લાઇટ ના હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે 12 કિલોમીટર પ્રતિ કલાકે દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી પવન ફૂકાય રહ્યો હતો. જેને કારણે મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી રહ્યું હતું. ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું.

મોડી સાંજે મેળો પણ બંધ કરી દેવાયો
અઠવાલાઇન્સ ખાતે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર મેળો ચાલી રહ્યો છે. જ્યાં રોજ હજારોની સંખ્યામાં સુરતીઓ મોજા માણવા આવી રહ્યા છે. દરમિયાન સોમવારની સાંજે તોફાની પવનો ફૂંકાતા રસ્તા પર ધૂડની ડમરીઓ અને કચરો ઉડતો દેખાયો હતો. ત્યારે મેળામાં તોફાની ભારે પવનો કોઈ દુર્ધટના નહીં સર્જાય તેની સાવચેતીના ભાગરૂપે મેળો બંધ કરી દેવાયો હતો.

Most Popular

To Top