SURAT

છ વર્ષથી વોન્ટેડ આરોપીને પોલીસ પકડવા ગઈ, જોયું તો આરોપીના લગ્ન ચાલી રહ્યા હતા.. અને પછી..

સુરત: (Surat) સચીન પોલીસ સ્ટેશનમાં 6 વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ (Wanted) આરોપીને પકડવા માટે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી ત્યારે આરોપીના લગ્નની વિધી ચાલતી હતી. દરમિયાન પોલીસે (Police) માનવતા રાખતા લગ્નવિધી (Marriage) કરવા મંજૂરી આપી હતી. પોલીસે આરોપીને લગનવિધી પતાવીને હાજર થવા મંજૂરી આપી હતી. ચોર પણ લગ્નવિધી પતાવીને હાજર થઇ ગયો હતો.

  • છ વર્ષથી વોન્ટેડ આરોપીને પોલીસે લગ્નવિધીમાં ન પકડીને માનવતા દાખવી
  • આરોપી ઘરફોડ ચોરીમાં વોન્ટેડ હતો

શહેરના સેક્ટર-2 ના અધિક પોલીસ કમિશ્નર કે.એન.ડામોર તથા ઝોન-4 ના નાયબ પોલીસ કમિશ્નર સાગર બાગમાર દ્વારા તેમની હદમાં આવેલા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે સુચના આપવામાં આવી હતી. જેથી એલ.સી.બી. ઝોન-૦૪ ના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે સચીન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017 માં ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને બ્રિજેશકુમાર ઉર્ફે ચંદન અનિલકુમાર વિશ્ર્વકર્મા (ઉ.વ.૨૮, ધંધો-મિસ્ત્રીકામ, રહે- બી/૨૦૧, શ્રી ઓમ કોમ્પ્લેક્ષ, કેંદ્રેપાડા પાસે, બદલાપુર વેસ્ટ, જીલ્લો-થાને, મહારાષ્ટ્ર તથા મુળ જોનપુર, ઉત્તરપ્રદેશ) ને બાતમીના આધારે પકડવા માટે તેની ઘરે ગઈ હતી.

પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે આરોપીના લગ્નની વિધી ચાલતી હતી. પોલીસે માનવતા દાખવીને તેની ધરપકડ ટાળી હતી. અને લગ્નની વિધી પતે પછી હાજર થવાનું કહેતા ગઈકાલે તે હાજર થતા ધરપકડ કરી હતી.
આરોપીએ આશરે છ વર્ષ અગાઉ તેના અન્ય ચાર સાગરીત મિત્રોએ મળી સચીન પોલીસની હદમાંમાંથી એક મોબાઇલ ફોનની દુકાનમાંથી મોબાઇલ ફોનોની ચોરી કરી હતી. અગાઉ તેના સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પકડાયેલો આરોપી પોલીસથી નાસતો ફરતો હતો.

મનપામાં ખોટી રીતે સફાઈ કામદાર તરીકે નોકરી મેળવનાર સામે ફરિયાદ દાખલ
સુરત: સિંગણપોર ખાતે રહેતા યુવકે ધોરણ 12 પાસ હોવા છતાં માત્ર ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો હોવાનું છુપાવી સફાઈ કામદાર તરીકે નોકરી મેળવી હતી. જેની જાણ થતા મનપાએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સુરત મહાનગર પાલિકાના મહેકમ વિભાગમાં ફરજ બજાવતા અને હાલ ઉધના ઝોનમાં ફરજ બજાવતા કિરણકુમાર નટવરલાલ ગાંધીએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં મનપામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા પ્રદીપ વિનોદ કાકલીયા (રહે.ગુરૂકૃપા સોસાયટી, સિંગણપોર) ની સામે ખોટી રીતે નોકરી મેળવી હોવાની ફરિયાદ નોંધાવી છે. કિરણકુમાર સેક્શન ઓફિસર તરીકે રીક્રુટમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા ત્યારે વર્ષ 2017-18 માં મનપામાં ઓછામાં ઓછુ ધોરણ 4 અને વધુમાં વધુ ધોરણ 9 પાસ હોય તેવા ઉમેદવારો માટે સફાઈ કામદાર માટેની ભરતી કરાઈ હતી. ત્યારે આરોપીએ સફાઈ કામદાર માટેની જગ્યા માટે ફોર્મ ભર્યું હતું. અને નોકરી મેળવી લીધી હતી. અને મનપામાં પોતે ધોરણ 9 થી વધારે ભણેલો નથી તેવી બાંહેધરી આપી હતી. હકીકતમાં આરોપીએ અખંડઆનંદ કોલેજમાં એફવાય બીકોમ સુધીનો અભ્યાસ કર્યો હતો. મેરીટના આધારે વર્ષ 2019 માં તેની મનપામાં સફાઈ કામદાર તરીકે નોકરી લાગી હતી. અને તેને વરાછા ઝોન એ માં હાજર કરાયો હતો. બાદમાં તેને ફોટુ બોલીને નોકરી મેળવ્યાની જાણ થતા તપાસ કરતા તેને ધોરણ-12 પાસ કર્યુ હોવાનું સામે આવ્યું હતું. જેથી તેની સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Most Popular

To Top