વરાછા બસ અગ્નિકાંડ: બસ તો નોન એસી હતી તો પછી બસમાં બ્લાસ્ટ કેવી રીતે થયો? મૃતકના પતિનો ઘટસ્ફોટ

સુરત: (Surat) સુરતના વરાછા વિસ્તારમાં મંગળવારે રાત્રે ખાનગી લકઝરી બસમાં (Bus) આગ (Fire) લાગવાના મામલે ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં બસમાં આગ કેવી રીતે લાગી તે મુદ્દો વધુને વધુ પેચીદો બનતો જાય છે. મૃતક યુવતી તાન્યાના પતિએ સૌથી મોટો ખુલાસો કર્યો છે કે બસમાં એસી હતું જ નહીં તો એસી કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ (Blast in AC compressor) થવાનો સવાલ જ ક્યાં છે? તેણે ઘટસ્ફોટ કર્યો છે કે બસમાં સેનેટાઈઝરના કેરબા પણ હતા. જેના કારણે બસમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

રાજધાનીની આ બસમાં ભોગ બનેલી તાન્યા નામની યુવતી મૂળ ભાવનગરની હતી અને તે બસમાં સળગી જવાના કારણે મોતને ભેટી હતી. જ્યારે યુવતીનો પતિ ગંભીર રીતે દાજી જતા સુરતમાં તાત્કાલિક સારવાર આપ્યા બાદ ભાવનગર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર હેઠળ છે. જોકે તે પહેલા આ સમગ્ર બનાવ કઈ રીતે બન્યો તે અંગે ઘાયલ યુવકે પોતાની આપવીતી જણાવી હતી. તેણે જણાવ્યું છે કે બસમાં મોટાભાગે પાર્સલ જ હતા, અને તેમાં સેનેટાઈઝરના કેરબા પણ હતા. જેના કારણે બસમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્યારે હાલ કહેવામાં આવી રહ્યું છે કે એસીનું કમ્પ્રેસર ફાટવાથી આગ લાગી હતી, પરંતુ યુવકનાં જણાવ્યા પ્રમાણે બસ નોન એસી હતી તો એસીનું કમ્પ્રેસર ફાટવાની વાત જ ક્યાં રહી. આખી બસમાં પાર્સલ જ ભરેલા હતા. આગની ઘટના બની ત્યારે કંડક્ટર કે ડ્રાઈવર કોઈ ઘટના સ્થળે હાજર ન હતા.

પોલીસે સીપીઆરસી કલમ 174 મુજબ મોતનો ગુનો દાખલ કર્યો છે. જેની તપાસ શરૂ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બસમાં મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ્સ હતા, જેમાં શોર્ટસર્કિટ થયુ હતુ અને આગ લાગી હતી. જે બસના કોમ્પ્રેસર સુધી પહોંચી હતી, અને કોમ્પ્રેસર ફાટ્યુ હતું. બસમાં ફોમની ગાદી હતી, જેથી આગ વધુ વિકરાટ બની હતી. 

આ હતો સમગ્ર ઘટનાક્રમ
મૃતકના પતિ વિશાલે જણાવ્યું કે સુરતથી ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સ બસ પોણા દસ વાગ્યાની હતી. સવા નવ વાગ્યે તે લોકોની બસ આવી જેમા પાર્સલ અને અન્ય સામાન ભરવામાં આવ્યો હતો. બસમાં બધી જગ્યાએ પાર્સલ ભર્યા હતા. ત્યારબાદ પોણા દસ વાગ્યે બસ ઉપાડી હતી. દરમિયાન કંડક્ટરે બુમો પાડીને ગાડી ઉભી રખાવી અને કહ્યુ કે બસમાં પાછળથી ધૂમાડો નીકળી રહ્યો છે. જેથી મે મારી પત્નીને કહ્યુ કે ચાલ આપણે કુદીને બસમાંથી બહાર નીકળી જઈએ. મે બારીમાંથી કુદકો મારી દીધો. ત્યારબાદ હું આગળના ભાગે દરવાજા પાસે ગયો એ જોવા કે અહિથી જો નીકળી શકાય તેમ હોય તો મારી પત્નીને ત્યાથી આવવા કહું પણ ત્યાથી પણ નીકળી શકાય તેમ ન હતું. જેથી હું પરત બારી પાસે ગયો અને મારી પત્નીને બારીમાંથી કૂદી જવા કહ્યું. પત્નીને બચાવવા મે હાથ આપ્યો તે દરમિયાન અચાનક આગ વધુ પ્રસરી અને ગાડીનું ટાયર ફાટ્યુ હતું જે ટાયર મારા મોઢા ઉપર વાગ્યુ જેથી મને ખુબ ઈજા પહોંચી હતી. મને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

ભાવનગરમાં કરાયા યુવતીના અંતિમ સંસ્કાર
બુધવારે મૃતકના પરિવારજનો સુરત પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી વિધિ બાદ મૃતદેહ સોપાતા બપોરે પરિવારજનો તાન્યાબેનનું શબ અને ઈજાગ્રસ્ત વિશાલભાઈને લઈને ભાવનગર આવવા નીકળ્યા હતા. જ્યા ભાવનગરમાં યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.

Most Popular

To Top