Charotar

15 વર્ષની અવગણના સામે આક્રોશ: ફિણાવમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કારનું એલાન

વિકાસ વગર વોટ નહીંના નારા સાથે ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધ; ગટર, રસ્તા અને સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓનો અભાવ મુદ્દો બન્યો
(પ્રતિનિધિ) નડિયાદ, તા. 21 એપ્રિલ
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ફિણાવ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગામના ખ્રિસ્તી સમાજે છેલ્લા 15 વર્ષથી પાયાની સુવિધાઓથી વંચિત રહેતા આ વખતે ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. “વિકાસ વગર વોટ નહીં”ના નારા સાથે ગ્રામજનોએ તંત્ર અને રાજકીય નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

ફિણાવ ગામના ખ્રિસ્તી ફળિયામાં રહેતા લોકોએ એકમતથી નક્કી કર્યું છે કે જ્યાં સુધી વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. ફળિયાના પ્રવેશદ્વારે મોટા બેનરો લગાવી દેવામાં આવ્યા છે, જેમાં કોઈપણ પક્ષના ઉમેદવાર કે પ્રચારકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી ગટર, રસ્તા અને સ્ટ્રીટ લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, ઠેરઠેર ખાડાઓ હોવાથી અવરજવર મુશ્કેલ બની છે. ગટર વ્યવસ્થાના અભાવે ગંદકી ફેલાઈ રહી છે અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાનો ભય ઉભો થયો છે. રાત્રે સ્ટ્રીટ લાઈટ બંધ રહેતાં સમગ્ર વિસ્તાર અંધકારમય બની જાય છે, જેના કારણે મહિલાઓ અને બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
વિસ્તારમાં પાણીની સમસ્યા પણ ગંભીર બની છે. અગાઉ બનાવાયેલા બોર અંગે તંત્ર પાસે પૂરતી માહિતી ન હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાઓ ઉકેલવામાં કોઈ રસ ન દાખવાતા ગ્રામજનોએ હવે બહિષ્કારનો માર્ગ અપનાવ્યો હોવાનું જણાવ્યું છે.
ફિણાવ ગામના આ નિર્ણયથી ખેડા જિલ્લાના રાજકીય સમીકરણો પર અસર પડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, કારણ કે અહીં ખ્રિસ્તી સમાજની મતદાર સંખ્યા નિર્ણાયક માનવામાં આવે છે.
ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે કે હવે તેઓ વોટની ભીખ નહીં પરંતુ વિકાસનો હક માંગે છે.

Most Popular

To Top