SURAT

નાનપુરા નાવડી ઓવારા ઉપર મગર દેખાતા ફફડાટ

સુરત: છેલ્લા ઘણા સમયથી ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) સતત પાણી (Water) છોડાતા તાપી નદી (Tapi River) બે કાંઠે વહી રહી છે. તાપી નદીમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી છલોછલ છે. તાપી નદીમાં ડેમમાંથી પાણી આવવાની સાથે સાથે મગરો પણ આવ્યા હોય છેલ્લા ઘણા દિવસોથી નાવડી ઓવારા ખાતે મગર દેખાઈ રહ્યાં છે. જેના કારણે શહેરીજનોમાં કુતુહલ જોવા મળી રહ્યું છે. પરંતુ સોમવારે નાવડી ઓવારા ખાતે એકસાથે 4-5 જેટલા મગરો દેખાતા સુરત ફાયરની ટીમ ઓવારા પર લોકોની સેફટી માટે પહોંચી હતી. જ્યારે કોઈ મગર દેખાઈ આવ્યો ન હતો. પરંતુ આ અંગે ફાયર વિભાગ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હોવાનું જાણવામાં આવ્યું છે.

જો કે, કેટલાક સ્થાનિક યુવાનોએ આ મગરનો વીડિયો ઉતાર્યો છે અને તેમાં મગર સ્પષ્ટપણે દેખાઇ રહ્યો છે. અહીં માત્ર એક નહીં પરંતુ ચારથી પાંચ મગર દેખાયા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. હવે સુરતમાં જુદા જુદા તહેવારોની ઉજવણી શરૂ થઇ ગઇ છે અને સુરતના તહેવારો અને તાપી નદીનો ખાસ નાતો છે. સૌથી પહેલા તો ખત્રી સમાજના લોકો કાગડી ત્રીજના દિવસે તાપી નદીમાં જવારા પધરાવવા જાય છે. તેવી જ રીતે દશામાના વ્રત શરૂ થઇ ગયા છે અને તેમાં પણ લોકો વિસર્જન માટે તાપી નદીના કિનારે જતા હોય છે અને નજીકના દિવસમાં જ આ વિસર્જન આવી રહ્યું છે તેવી જ રીતે આગામી દિવસોમાં આઠમમાં કૃષ્ણની પ્રતિમાનું વિસર્જન પણ થશે અને સૌથી મોટુ વિસર્જન ગણપતિનું પણ આવી રહ્યું છે. તાપી નદીમાં સીધુ વિસર્જન તો થઇ શકશે નહીં પરંતુ, કૃત્રિમ તળાવ પણ તાપી નદીના કિનારા ઉપર હોવાથી લોકો તાપી નદી સુધી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે પણ મગર જોવા મળ્યાં હતાં. નર્મદા, વિશ્વામિત્રી અને મહીસાગરમાં મગર દેખાવા સામાન્ય બાબત છે પરંતુ તાપી નદીમાં અત્યાર સુધી મગર દેખાતા ન હતાં. હવે અહીં પણ મગર દેખાવા લાગ્યા છે જે ચિંતાનો વિષય છે.

ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટ, સપાટી 334.54 ફૂટે પહોંચી
સુરત: ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદના વિરામ બાદ પણ ધીમી ધારે 37 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેને પગલે ડેમમાંથી 23 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે શહેરમાં સોમવારે ગરમી અને સૂર્યના તડકાની વચ્ચે બે મીમી અને બારડોલીમાં એક મીમી વરસાદ નોંધાયો હતો.

વરસાદના પ્રથમ સ્પેલના વિરામ બાદ પણ ઉકાઈ ડેમમાં ધીમી ધારે પાણીની આવક થઈ રહી છે. ડેમમાં પાણીની આવકને પગલે સપાટી રૂલ લેવલને ક્રોસ કરી ગઈ હતી. સોમવારથી ઉકાઈનું રુલ લેવલ 335 ફૂટ છે. જ્યારે ડેમની સપાટી 334.54 ફૂટ નોંધાઈ હતી. ઉકાઈ ડેમમાં સોમવારે સવારથી 37 હજાર ક્યુસેક પાણીની આવક છે. જ્યારે ડેમમાંથી 23 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હથનુર ડેમમાંથી 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને પ્રકાશામાંથી 29 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદે સંપૂર્ણ વિરામ નોંધાવ્યો છે. શહેર અને જિલ્લામાં પણ વરસાદનો વિરામ છે. શહેરમાં સોમવારે 2 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે બારડોલીમાં તાલુકામાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top