SURAT

ઉધના સિલિકોન શોપર્સમાં આવેલી આંગડિયા પેઢીમાં ઘુસી મેનેજરને ઘા મરાયા, બે પૈકી એક પકડાયો

સુરત: ઉધના (Udhana) સિલિકોન શોપર્સ કોમ્પ્લેક્સમાં આવેલી આંગડિયા પેઢીની ઓફિસમાં ઘુસી મેનેજરને (Manager) છરાના ઘા મારી બે જણા ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ ઇજાગ્રસ્ત વૃદ્ધ મેનેજરને તાત્કાલિક સારવાર માટે સિવિલ (Civil Hospital) લવાતા તેમને ગળા અને હાથના ભાગે ગંભીર ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત મેનેજરના પુત્ર હાર્દિકે કહ્યું હતું કે ઓફિસમાં આવી હુમલો કરાયા પાછળ લૂંટની કોશિશ હોય શકે છે. જો કે પાડોશી વેપારીઓએ એકને દોડીને પકડી લીધો છે. હાલ પોલીસ (Police) તપાસ ચાલુ છે.

પીડિતના પુત્ર હાર્દિકે જણાવ્યું હતું કે તેઓ ભટારના સિવર સિટીમાં રહે છે અને પિતા રમેશભાઈ મોતીરામ પટેલ અંબાલાલ હરગોવન આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે કામ કરે છે. મૂળ મહેસાણાના વતની છે. આ ઘટના આજે બપોરે લગભગ 3:15 ની હતી. રમેશભાઈ ઓફિસમાં એકલા હતા. ત્યારે બે અજાણ્યા ઈસમો ઓફિસમાં ઘુસી ગયા હતા અને ઉપરા ઉપરી રમેશભાઈને ઘા મારતા બુમાબુમ થઈ ગઈ હતી. રમેશભાઈને આ હુમલામાં ગળામાં ત્રણ ઘા અને હાથ પર એક ઘા વાગ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે ભર બપોરે થયેલા હુમલા બાદ આજુબાજુના દુકાનદાર ભેગા થઈ ગયા હતા. જેને લઈ હુમાલાખોરો ભાગવા જતા એકને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ બાદ પોલીસ પણ દોડી આવી હતી. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. જ્યારે રમેશભાઈને ગળાના અને હાથના ભાગે થયેલી ઇજાને લઈ સિવિલમાં ઓપરેશન ચાલુ છે. રમેશભાઈ છેલ્લા 8-9 વર્ષથી સિલિકોન ઓફિસમાં બેસતા હોવાનું અને 40 વર્ષ જૂના આંગડિયા પેઢીના કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top