SURAT

સુરતના કાપડ ઉદ્યોગના ઇતિહાસનું સૌથી મોટું ઉઠમણું, ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ભાડાની દુકાન રાખી…

સુરત: સહરા દરવાજા ન્યુબોમ્બે માર્કેટ (New Bombay Market) પાસે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં (Global textile Market) ભાડાની દુકાન (Shop) રાખી ઉઠમણું કરનારા ચીટર વેપારીઓથી છેતરાયેલાં વિવરોનો આંક વધીને 158 થયો છે. આજે લેણદારોએ ફોગવાના આગેવાનો સાથે મળીને વીડિયો કૉન્ફરન્સથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને નાના વિવર્સને ન્યાય અપાવવા રજૂઆત કરી હતી. ગૃહમંત્રીએ ખાતરી આપી હતી કે, આ ઉઠમણામાં જે કોઈ ચીટર ટોળકી હોય કે માથાભારે વ્યક્તિ હશે એને છોડવામાં નહીં આવે. અમારી સરકાર નાના વિવરોને છેતરનાર કોઈપણ ચમરબંધને છોડશે નહીં. ઉઠમણા કરનારની રજેરજની માહિતી એકત્ર કરી એના મૂળ સુધી જવામાં આવશે. પડદા પાછળના ખેલાડી સુધી પહોંચવામાં આવશે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય. અમે વ્યક્તિગત રસ લઈ સુરતના પોલીસ કમિશનરને આરોપીઓને પકડી નશયત કરવા આદેશ આપ્યો છે. વિવરો વરાછા પોલીસ મથકે જઈ ઠગાઈની ફરિયાદ નોંધાવી શકે છે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાની આગેવાનીમાં વિવરો દ્વારા ગૃહમંત્રીને પોતાની આપવીતી જણાવવામાં આવી હતી. આજે ઠગાઈનો ભોગ બનેલા વિવરો અને 35 વિવિધ વિવિંગ સોસાયટીના પ્રમુખોએ હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી.

ગૃહમંત્રીના સુચનને પગલે છેતરાયેલાં વિવરોએ વરાછા પોલીસમાં 2 ફરિયાદ આપી
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂઆતો સાંભળ્યા પછી છેતરાયેલાં વિવરોએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવવા જણાવતા રાતે વિવરોએ 2 ફરિયાદ આપી હતી. ગૃહમંત્રીને રજૂઆત પછી ફોગવાના પ્રતિનિધિ મંડળે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરને મળી આરોપીઓને પકડવા રજૂઆત કરી હતી. તોમરે જણાવ્યું હતું કે, ફરિયાદ મળી નથી છતાં પોલીસની જુદી જુદી ટીમો ઠગ ટોળકીને શોધી રહી છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરશે. તોમર સાથે યોજાયેલી મિટિંગમાં વિવર્સ અગ્રણીઓ બાબુભાઇ સોજીત્રા, ચેતનભાઈ રામાણી, સુરેશભાઈ શેખલિયા, સવજીભાઈ ધામેલીયા, જયંતીભાઈ જોલવા તથા સંજય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. તેમણે છેતરાયેલાં વેપારીઓને ફરિયાદ નોંધાવવા સૂચન કર્યું હતું તથા પોલીસ ઠગાઈનો ભોગ બનેલા નાના વિવરોના હિતમાં કાર્યવાહી કરવા મદદરૂપ બનશે એવી ખાતરી આપી હતી.

ઉઠમણામાં કુલ 60 કરોડની મૂડી ફસાઈ: પોલીસે 21 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધી
ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં પાર્ટી ઉઠમણા કેસમાં શનિવારે વિવર્સ ફોગવા ઓફિસે આવ્યા હતા અત્યાર સુધી કુલ 158 વિવર્સોએ તેમના નામ નોંધાવ્યા છે. તે પૈકી 148 વિવર રજૂઆતમાં જોડાયા હતા. ઉઠામણા કુલ 60 કરોડ સુધીની મૂડી ફસાઈ છે. પોલીસે આ મામલે 21 કરોડની ફરિયાદ નોંધી છે.

અનિશ મોતિયાણી અને દક્ષિત મિયાણી નેપાળ ભાગી ગયાની ચર્ચા
સુરતના વિવિંગ ઉદ્યોગના ચકચારી ઉઠામણાનો કેસ ચર્ચાસ્પદ બનતાં પોલીસ ધરપકડથી બચવા અનિશ મોતિયાણી અને દક્ષિત મિયાણી નેપાળ ભાગી ગયાની ચર્ચા વિવર્સ ગ્રુપમાં ચાલી રહી છે. આરોપીઓ નેપાળના કાઠમંડુથી દુબઇ ભાગી જવાની ફિરાકમાં હોવાના મેસેજ પણ વિવરોમાં ચાલી રહ્યાં છે.

દક્ષિત મિયાણી પોલીસના હાથમાં આવી છટકી ગયો?
વિવર્સ આગેવાનોએ ગૃહ રાજ્યમંત્રીની ફરિયાદ કરી હતી કે દક્ષિત મિયાણી સહિતના આરોપીઓ અંગે પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે મિયાણીને પુછપરછ માટે બોલાવ્યો હતો પણ તે છટકી જવામાં સફળ રહ્યો હતો. જોકે સાચી હકીકત આરોપી પકડાશે પછી જ સ્પષ્ટ થશે.

Most Popular

To Top