SURAT

સુરત: વરાછાની હીરાની કંપની 8 કરોડ ખર્ચી 750 શહીદોના ઘર પર સોલાર રૂફ લગાડશે

સુરત(Surat) : દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની (AzadikaAmrutMahotsav) જોરશોરથી ઉજવણી (Celebration) ચાલી રહી છે ત્યારે સુરતના વરાછાની ખ્યાતનામ હીરાની કંપનીએ આ ઉત્સવમાં સહભાગી થવાના હેતુથી એક અનોખો અને પ્રેરણામયી સેવાકાર્યનો નિર્ણય લીધો છે. સુરત શહેરની હીરા ઉદ્યોગ કંપની શ્રીરામ કૃષ્ણ એક્સપોર્ટ (SRK Export) દેશના 75મા સ્વતંત્રતા દિવસના (Independence Day) પ્રસંગે 750 શહીદના (Martyr) ઘરે સોલાર રૂફ (Solar Roof) લગાવશે. જેથી શહીદના પરિવારને વર્ષો સુધી વીજળી (Electricity) મફત (Free) મળે.

  • શ્રીરામ કૃષ્ણ એક્સપોર્ટ દેશના 75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે 750 શહીદના ઘરે સોલાર રૂફ લગાવશે
  • દેશના કોઈપણ ખૂણામાં રહેતા શહીદના પરિવારના ઘરે જઈને સોલાર રૂફ ઇન્સ્ટોલ કરી દેવાશે, એ માટે સંબંધિત વિભાગમાંથી શહીદોની માહિતી મેળવાશે

સૂત્રોના જણાવ્યા અનુસાર હીરા ઉદ્યોગમાં અગ્રણી કંપની શ્રીરામ કૃષ્ણ એક્સપોર્ટ સેવાકીય પ્રવૃત્તિ માટે પણ એટલી જ જાણીતી છે. શ્રીરામ કૃષ્ણ એક્સપોર્ટ આ વખતે સ્વતંત્રતા દિવસ પર દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોના પરિવારને મદદરૂપ થનાર છે. આ વખતે દેશ 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દેશ આખામાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે કંપનીએ આ પ્રસંગે 750 શહીદના પરિવારોને મદદરૂપ થવાનું નક્કી કર્યું છે.

કંપની 750 શહીદના પરિવારના ઘરે જઈ તેમને ત્યાં સોલાર રૂફ લગાવશે. જેથી તેમને વર્ષો સુધી વીજળી મળતી રહે. એટલે દર મહિને વીજળીનું જે બિલ આવતું હશે એ ભરવું નહીં પડે અને વર્ષો સુધી પરિવારને રાહત રહેશે. આ માટે કંપની સંબંધિત વિભાગોમાંથી શહીદોની માહિતી મેળવશે. આ માટે કંપનીને 7થી 8 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કંપની વતી શ્રેયાંશ ઢોળકિયાએ જણાવ્યું હતું કે, આવી રીતે શહીદોના પરિવારને મદદ કરવાથી અમો સૌને બહુ ખુશી થશે.

પાંચ વર્ષ પહેલાં બીએસએફના જવાનોને મદદ કરી હતી
શ્રીરામ કૃષ્ણ એક્સપોર્ટ કંપનીએ પાંચ વર્ષ પહેલાં નડાબેટ ખાતે કાર્યક્રમ રાખી બીએસએફના (BSF) જવાનોને (Soldier) મદદ કરી હતી. તે સમયે બીએસએફના શહીદ જવાનોના પરિવારને મદદ કરી હતી. ઉપરાંત બીએસએફને જરૂરી મેડિકલ સહાયતા પૂરી પાડી હતી.

Most Popular

To Top