SURAT

સુરતની સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી

સુરત: (Surat) સ્મીમેર હોસ્પિટલના (Smimer Hospital) કેમ્પસમાંથી આજે સવારે દારૂની (Alcohol) ખાલી બોટલ મળી આવી હતી જેનો વિડીયો આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર રચના હિરપરાએ ઉતારીને વાયરલ કરતા હોસ્પિટલ તંત્ર દોડતું થઇ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ હોસ્પિટલ કેમ્પસમાંથી ગાંજો મળી આવ્યો હતો. હોસ્પિટલ જાણે અસામાજીક તત્વોનો અડ્ડો બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે.

  • સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળતા તંત્ર દોડતું થયું
  • આપના કોર્પોરેટરે વિડીયો વાયરલ કર્યો : બે દિવસ પહેલા ગાંજો પણ મળ્યો હતો

આમ આદમી પાર્ટીના નગર સેવક અને હોસ્પિટલ કમિટીના સભ્ય રચના હિરપરા આજે સ્મિમેર હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તેમને હોસ્પિટલનાં કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો અને દારૂની થેલીઓ દેખાતા તેમણે વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. રચના હીરપરાના જણાવ્યા અનુસાર તે સ્મીમેર કેમ્પસના ગાર્ડનની કામગીરી માટે ગયા હતા. આ સમયે તેમને ઠેર ઠેર દારૂની બોટલો અને થેલીઓ નજરે આવી હતી. તેમણે સિક્યુરીટી ઉપર સવાલો ઉભા કરવા સાથે સાફ સફાઇની કામગીરી પણ યોગ્ય ન હોવાનો હોસ્પિટલ તંત્ર ઉપર રોષ ઠાલવ્યો હતો. દારૂની બોટલનો વિડીયો વાયરલ થતા જ હોસ્પિટલના અધિકારીઓ સિક્યુરિટી સ્ટાફ દોડતો થઇ ગયો હતો. હોસ્પિટલની નજીક ઝુંપડપટ્ટી આવેલી છે જેની દિવાલ કુદીને કેટલાક અસામાજીક તત્વો રાત્રિના સમયે હોસ્પિટલ પરિસરમાં પ્રવેશી જતા હોવાનું સિક્યુરીટી સ્ટાફે બચાવ કર્યો હતો.

ભીમ અગિયારસનો જુગાર રમતા પાંચ મહિલા સહિત કુલ્લે 30ની ધરપકડ
સુરત : કાપોદ્રા, ઉધના અને ચોકબજાર પોલીસે જુદી જુદી જગ્યાએ દરોડા પાડીને ભીમઅગિયારસનો જુગાર રમતા પાંચ મહિલા સહિત કુલ્લે 30 જુગારીઓને પકડી પાડી રૂા. 5.72 લાખનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો. ચોક પોલીસે વાળીનાથ રોડ ઉપર રાધેશ્યામ સોસાયટીમાં ફ્લેટ નં.201માં રહેતા રમણીકભાઇ ખીમજીભાઇ ચાવડા (પટેલ)ના ઘરે રેડ પાડી હતી અને ત્યાંથી 10 જુગારીને પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 3.74 લાખ રોકડા તેમજ 9 મોબાઇલ મળી કુલ્લે રૂા.4.86 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ઉપરાંત ચીકુવાડી પાસે હરહર મહાદેવ મંદીરના ઓટલા ઉપર જુગાર રમતા ચારને પકડી પાડીને તેઓની પાસેથી 49500ની રોકડ કબજે લીધી હતી.

જ્યારે કાપોદ્રા પોલીસે જૂની શક્તિવિજય સોસાયટીમાં રહેતી સુધાબેન મુકેશભાઇ પરમાર, સંગીતાબેન કિરણભાઇ પરમાર, પુનમબેન કિશનભાઇ સોલંકી, રાધાબેન પ્રેમજીભાઇ વાઘેલા તેમજ શોભાબેન મિલનભાઇ મકવાણાને જુગાર રમતા પકડી પાડ્યા હતા. આ પાંચેય મહિલા સંગીતાબેન પરમારના ઘરે જુગાર રમી રહ્યાં હતાં. પોલીસે પાંચેય મહિલાની ધરપકડ કરી તેઓની પાસેથી રોકડા રૂા.11800નો કબજે કર્યા હતા. આ ઉપરાંત કાપોદ્રા પોલીસે ભક્તિનગર સોસાયટીના પહેલા માળે રેડ પાડીને ત્યાંથી રત્નકલાકાર સહિત કુલ્લે 7 જુગારીઓને પકડી પાડ્યા હતાં અને 13490નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે ઉધના પોલીસે ઉધના રોડ નં.13 ઉપર મસ્તાનગર પાસે સ્ટ્રીટલાઇટના પ્રકાશમાં જુગાર રમતા ચારને પકડી પાડી 12100 રૂપિયા કબજે લીધા હતા.

Most Popular

To Top