SURAT

રેલીના કારણે સુરતમાં લોકો ગરમી અને ટ્રાફિક જામથી અકળાયા, ધનમોરા-માધવબાગ વિસ્તારમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો

શહેરમાં યોજાયેલી એક મોટી રેલીના કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ હતી. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં બેરીકેડિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ તેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક માર્ગો પર કલાકો સુધી લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા. ગરમી અને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવાને કારણે લોકો અકળાઈ ઉઠ્યા હતા. ખાસ કરીને નાના વરાછાના ઢાળ વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. અહીંથી રેલીની શરૂઆત થઈ હતી અને રેલી પસાર થયા બાદ પણ ટ્રાફિક સામાન્ય થવામાં ઘણો સમય લાગ્યો હતો.

આ ઉપરાંત કતારગામ વિસ્તારના ધનમોરા નજીક માધવબાગ સોસાયટી વિસ્તારમાં પણ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આ વિસ્તારોમાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, જેના કારણે લોકોને કલાકો સુધી રસ્તા પર જ અટવાઈ રહેવું પડ્યું હતું. ટ્રાફિક વ્યવસ્થામાં આવી અવ્યવસ્થા સર્જાતા લોકોમાં નારાજગી વધી ગઈ હતી. અનેક સ્થળોએ લોકોની ધીરજ તૂટી ગઈ અને તેમણે પોલીસ સામે હુરિયો બોલાવ્યો હતો. ટ્રાફિક સંચાલનને લઈને લોકોમાં સ્પષ્ટ અસંતોષ જોવા મળ્યો હતો. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે રેલી જેવા કાર્યક્રમો દરમિયાન ટ્રાફિક મેનેજમેન્ટ માટે યોગ્ય આયોજન થવું જોઈએ, જેથી સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે.

Most Popular

To Top