હવે તો સરકારી સ્કૂલોમાં બાળકોને અપાતું શિક્ષણ, ખેલકૂદની સુવિધાઓ ખાનગી સ્કૂલોને ટપી જાય એ રિતના હોય છે, એને કારણે જ હવે પેરેન્ટ્સની બાળકોના એડમિશન માટે સરકારી સ્કૂલો માટેની પસંદગીમાં ફેર પડતો જણાય છે. તમે ક્યારેક ફુરસદમાં હશો ત્યારે રાંદેરમાં ઝંડા ચોક પાસે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિ નર્મદ સ્કૂલમાં આંટો મારી આવજો. તમે સ્કૂલમાં પ્રથમ માળ પર પગ મુકશો એટલે પહેલાં તમને એવું જ ફિલ થશે કે અરે હું તો સ્કૂલના બદલે ભૂલથી કોઈ ગાર્ડનમાં તો નથી પહોંચી ગયો ને! સ્કૂલના બાળકોને ચોખ્ખી હવા મળી રહે તે માટે ઓક્સિજન પ્લાન્ટ્સનું એક આખું સેગમેન્ટ તૈયાર કરાયું છે. કિચન ગાર્ડનમાં ઉગતા ફ્રૂટ્સ અને શાકભાજીનું શું કરાય છે તેવો પ્રશ્ન પણ તમને થતો હશે ને! વળી, અહીંનો પ્લે એરિયા બાળક જોઈ લેશે તો તેને રોજ રોજ અહીં આવવા માટેનું આકર્ષણ થશે એવું કેમ? ચાલો, આ બધા પ્રશ્નોના તમને જવાબ અમે આ લેખના માધ્યમથી આપીએ…

કલરફુલ પ્લે એરિયા, શિક્ષકોએ પૈસા ભેગા કરી ટેડી બેર મંગાવ્યા
2020માં કોરોના આવ્યો ત્યારે બાળકોને એવી આદત પડી ગઈ હતી કે ઘરે જ રહેવું છે શાળામાં આવતા નહીં હતા. તો સ્કૂલના આચાર્યને પ્રાઈવેટ સ્કૂલને ટક્કર મારે તેવો પ્લે એરિયા બનાવવાનો વિચાર આવ્યો. લિમિટેડ ગ્રાન્ટમાંથી કોઈ વખત ટોયઝ મંગાવ્યા કોઈ વખત પ્લે એરિયાને કલરફુલ બનાવાયો, આ પ્લે એરિયા જોઈને બાળકોને રોજે રોજ સ્કૂલે આવવાનું આકર્ષણ થવા લાગ્યું. અહીં જમ્પિંગ, વુડન ટોયઝ,લસર પટ્ટી, બોલ્સ અને બાળકોને ગમે તેવી વસ્તુઓ પ્લે એરિયામાં મુકવામાં આવી છે. બાળકો ટેડી બેરથી રમી શકે તે માટે સ્કૂલના ટીચર્સે પૈસા ભેગા કરી સ્પેશ્યલ મુંબઈથી ટેડી બેર મંગાવ્યા છે. પ્લે એરિયામાં પ્રોજેક્ટર મુકાયું છે તેની પર બાળકોને કાર્ટૂન બતાવાય છે.
સ્કૂલને એક હજાર પ્લાન્ટ્સથી ગાર્ડન જેવો લુક આપ્યો
રાંદેરની 156 નમ્બરની કવિ નર્મદ સ્કૂલને વિવિધ એક હજાર કરતા વધુ પ્લાન્ટ્સથી ગ્રીન બેલ્ટમાં ફેરવવામાં આવી છે. પ્લાન્ટ્સના અલગ અલગ સેગમેન્ટ બનાવવામાં આવ્યા છે. જેમકે, ઓક્સિજન પ્લાન્ટ્સના સેગમેન્ટમાં મની પ્લાન્ટ્સ ગ્રીન ગ્રાસ વગેરે પ્લાન્ટ્સના સુંદર મજાના કુંડા છે. કેકટસનું સેગમેન્ટ પણ છે અને ઔષધીય પ્લાન્ટ્સના સેગમેન્ટમાં અરડૂસી, એલોવીરા, નીલગીરી, બોન્સાઇ પ્લાન્ટ્સમાં ગણેશ ચંપાના તો અસંખ્ય પ્લાન્ટ્સ અહીં જોવા મળશે. વડ અને પીપળના બોન્સાઇ પ્લાન્ટ્સ તો છે જ સાથે ગુલાબના ફુલોના પ્લાન્ટ્સમાં જ્યારે ગુલાબ ખીલે ત્યારે તો તેની ખુશ્બુથી આ આખો એરિયા મહેકી ઉઠે છે.
સ્કૂલને ગ્રીન શાળાનો એવોર્ડ મળ્યો

સ્કૂલના પ્રિન્સિપાલ તરલભાઈ પટેલે જણાવ્યું કે, 2020માં અમારી આ શાળાને સુરત મહાનગર પાલિકા તરફથી ગ્રીન શાળાનો એવોર્ડ મળ્યો છે. બાળકો પ્રકૃતિ સાથે જોડાય તે માટે મેં 2015થી આ સ્કૂલની સુંદર લાગે તેવી કાયાપલટ શરૂ કરી. વિવિધ પ્લાન્ટ્સથી સ્કૂલને ગ્રીન બેલ્ટમાં ફેરવી. કેટલાંક વર્ગ ખંડમાં કલર ડ્રોઈંગથી બાળકોને નોલેજ મળી રહ્યું છે. કાર્ટૂન કેરેક્ટરના કલરફુલ ડ્રોઈંગ બનાવ્યા છે. વર્ષના દરેક મહિના કલરફુલ ડ્રોઈંગથી બતાવ્યા છે. ફ્રૂટ્સના ડ્રોઈંગ પહેલા બીજા ધોરણના બાળક રોજ જુએ એટલે એમને તે ફળનું નામ, એકડા યાદ રહી જાય છે. અમારી સ્કૂલ હવે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને એડમિશન પણ વધ્યા છે.
કિચન ગાર્ડનના ફ્રૂટ્સ પ્રાર્થના સંમેલનમાં બાળકોને અપાય
સ્કૂલના બીજા માળ પર કિચન ગાર્ડન બનાવ્યું છે. જેમાં રોજે રોજ જરૂરી હોય તેવા શાકભાજી જેમકે, રીંગણાં, ટામેટા, લીંબુના પ્લાન્ટ્સ તો અહીં ઉગાડ્યા છે. ઉપરાંત શેતૂર, જમરૂખ અને અન્ય ફ્રૂટ્સ તથા કોબીજ, ફલાવર પણ કુંડામાં ઉગાડ્યા છે. સ્કૂલમાં રોજ પ્રાર્થના સંમેલન થાય તેમાં આજનું ગુલાબ કરીને પ્રવૃત્તિ થાય તેમાં સારી પ્રવૃત્તિ કરનાર એક બાળકને આ ગાર્ડનનું ફ્રુટ તેની મહેનતના ફળ તરીકે આપવામાં આવે છે. આનો હેતુ બાળકોને પ્રકૃતિ સાથે જોડવાનો છે. સ્કૂલના મેદાનમાં ઘણા વૃક્ષો છે તેના પાંદડા ખરી પડે તે કચરામાં જવા નથી દેતા પણ તેમાંથી સ્કૂલમાં જ ખાતર બનાવાય છે.