India

ગંગા દશહેરા 2026 આજે ઉજવાઈ રહ્યો છે

જાણો સ્નાન-દાનનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ધાર્મિક મહત્ત્વ

આજે દેશભરમાં ગંગા દશહેરાનો પાવન તહેવાર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. હિંદુ ધર્મમાં ગંગા દશહેરાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે. માન્યતા અનુસાર જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના દિવસે માતા ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ થયું હતું. રાજા ભગીરથની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ માતા ગંગા પૃથ્વી પર આવી હતી, તેથી આ દિવસને “ભગીરથ જયંતિ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ વર્ષે ગંગા દશહેરાનો પવિત્ર તહેવાર 25 મે 2026, સોમવારના રોજ ઉજવાઈ રહ્યો છે. પંચાંગ મુજબ જ્યેષ્ઠ શુક્લ દશમી તિથિનો પ્રારંભ 25 મેના રોજ વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે થયો હતો અને તેનો સમાપન 26 મેના રોજ સવારે લગભગ 5:10 વાગ્યે થશે. ઉદયાતિથિના આધારે 25 મેના રોજ જ ગંગા દશહેરાની ઉજવણી કરવી શાસ્ત્રોક્ત અને શ્રેષ્ઠ માનવામાં આવી છે.જો કે ધાર્મિક માન્યતાઓ અનુસાર ગંગા દશહેરાના દિવસે ગંગાસ્નાન કરવાથી વ્યક્તિના દસ પ્રકારના પાપોનો નાશ થાય છે. તેથી આ દિવસે ગંગા નદીમાં સ્નાન, પૂજા અને દાનનું વિશેષ મહત્ત્વ છે. જે લોકો ગંગા નદી સુધી પહોંચી શકતા નથી તેઓ પોતાના ઘરમાં સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકે છે.

સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત
ગંગા દશહેરા પર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આજે બ્રહ્મ મુહૂર્ત સવારે લગભગ 4:04 વાગ્યાથી 4:45 વાગ્યા સુધી રહ્યો હતો. આ સમય દરમિયાન ગંગાસ્નાન અને પૂજા કરવાથી વિશેષ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. કેટલાક જ્યોતિષાચાર્યો અનુસાર બપોરના શુભ ચોઘડિયામાં પણ દાન અને પૂજન કરવું લાભદાયક ગણાય છે.આ વર્ષે ગંગા દશહેરા પર રવિ યોગ અને કેટલાક શુભ સંયોગો પણ બની રહ્યા છે, જેના કારણે આ તહેવારનું ધાર્મિક મહત્ત્વ વધુ વધી ગયું છે. જ્યોતિષીઓના મત મુજબ આ શુભ સંયોગમાં કરાયેલ દાન અને જપ-તપ અનેક ગણું ફળ આપે છે.

ગંગા દશહેરાની પૂજા વિધિ
ગંગા દશહેરાના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું. ત્યારબાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી માતા ગંગાની પ્રતિમા અથવા ગંગાજળની સ્થાપના કરીને પૂજન કરવું. ગંગા માતાને ફૂલ, અક્ષત, દીવો અને પ્રસાદ અર્પણ કરવો. “ૐ ગંગાયૈ નમઃ” મંત્રનો જાપ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. આ દિવસે ગંગા સ્તોત્ર અને ગંગા ચાલીસાનું પાઠ પણ શુભ માનવામાં આવે છે.

ગંગા દશહેરા પર દાનનું વિશેષ મહત્ત્વ
આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને 10 વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થતું હોવાનું માનવામાં આવે છે. તેમાં પાણીથી ભરેલો મટકો, અનાજ, ફળ, કપડાં, છત્રી, પંખો, ચંપલ, સત્તુ, ઘી અને દક્ષિણાનો સમાવેશ થાય છે. જ્યેષ્ઠ મહિનાની ગરમીમાં જરૂરિયાતમંદોને ઠંડું પાણી પીવડાવવું પણ મહાપુણ્ય માનવામાં આવે છે.સ્કંદ પુરાણ અનુસાર ગંગા દશહેરાના દિવસે “10” આંકડાનું વિશેષ મહત્વ છે. શક્ય હોય તો 10 ફળ, 10 દીવા અથવા 10 ગરીબોને દાન આપવાનું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક કરાયેલ દાન જીવનમાં સુખ-સમૃદ્ધિ અને માનસિક શાંતિ લાવે છે.

ગંગાસ્નાન વખતે રાખવાની ખાસ કાળજી
ધાર્મિક ગ્રંથોમાં ગંગાસ્નાન દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. ગંગા નદીમાં સાબુ અથવા શેમ્પૂનો ઉપયોગ ન કરવો, નદી કિનારે કપડાં ન ધોવા અને શ્રદ્ધા સાથે સ્નાન કરવું જોઈએ. ગંગામાં પ્રવેશ કરતા પહેલા માતા ગંગાને પ્રણામ કરીને ક્ષમા માંગવી શુભ માનવામાં આવે છે.

દેશભરના હરિદ્વાર, વારાણસી, પ્રયાગરાજ અને ઋષિકેશ જેવા ગંગાઘાટોમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. લાખો શ્રદ્ધાળુઓ ગંગાસ્નાન કરીને પૂજા-અર્ચના અને દાન કરી રહ્યા છે. ગંગા દશહેરાનો આ પાવન તહેવાર આધ્યાત્મિક શુદ્ધિ, ભક્તિ અને પુણ્યનું પ્રતિક માનવામાં આવે છે.

Most Popular

To Top